પંજાબમાં પોલિટીકલ ડ્રામા:ભૂતપુર્વ CM અમરિંદર સિંહ દિલ્હી પહોંચ્યા, કહ્યું- હું કોઈ નેતાને મળી રહ્યો નથી, ઘર ખાલી કરવા આવ્યો છું

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કેપ્ટને જ્યારે પદ પરથી રાજીનામું આપ્યું ત્યારે ભાજપમાં ન જવા બાબતે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો
  • વર્ષ 2017માં પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં ​​ કેપ્ટનને કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે વિવાદ થયો હતો

નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપી દીધુ છે ત્યારે પંજાબના ભૂતપુર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ દિલ્હી પહોંચ્યા છે. દિલ્હી એરપોર્ટ પર જ્યારે મીડિયાએ તેમને પુછ્યું કે તમારી હવે પછીની શું યોજના છે? આ અંગે અમરિંદરે કહ્યું કે હું કોઈ નેતાને મળી રહ્યો નથી, ઘર ખાલી કરવા આવ્યો છું.18 સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપ્યા બાદ કેપ્ટન પ્રથમ વખત દિલ્હી પહોંચ્યા છે.

આ અગાઉ એવી અટકળો વહેતી થઈ હતી કે અમરિંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળી શકે છે. આ વાતને લઈને હાલ પંજાબનું રાજકારણ ગરમાયું છે. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે કેપ્ટન BJPમાં જોડાઈ શકે છે. વિરોધી પાર્ટીઓ અને રાજકીય એક્સપર્ટથી લઈને કોંગ્રેસ પણ કેપ્ટનના વલણની રાહ જોઈ રહ્યા હતા. અમરિંદર સિંહે નવજોત સિદ્ધૂ સાથે ચાલી રહેલા વિવાદ પછી મુખ્યમંત્રીપદ પરથી રાજીનામું આપ્યું હતું. એ પછી કોંગ્રેસ હાઈકમાન્ડે ચરણજિત ચન્નીને મુખ્યમંત્રી બનાવ્યા હતા.

રાજીનામા પછી ભાજપને ગણાવ્યો હતો વિકલ્પ

કેપ્ટને જ્યારે પદ પરથી રાજીનામું આપ્યું તો ભાજપમાં ન જવા બાબતે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો. કેપ્ટને કહ્યું હતું કે તમામ વિકલ્પ ખુલ્લા છે. રાજકારણના 52 વર્ષના અનુભવ અને સાડા 9 વર્ષ મુખ્યમંત્રી રહેવા પર તેમના ઘણા દોસ્ત બન્યા છે. તેઓ સમર્થકો સાથે ચર્ચા-વિચારણ કરીને નિર્ણય લેશે. અમિત શાહની તેમણે અગાઉ પણ મુલાકાત કરી હતી. જોકે ત્યારે તેઓ પોતે મુખ્યમંત્રી હતા. હવે તેમના અચાનક ગોઠવાયેલા દિલ્હી પ્રવાસથી તેઓ ભાજપમાં જોડાશે એવી ચર્ચા ચાલી રહી છે.

કેપ્ટને પહેલાં પણ નક્કી કર્યું હતું
વર્ષ 2017માં પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં તેમને કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે વિવાદ થયો હતો. ત્યારે પ્રતાપ સિંહ બાજવા પંજાબ કોંગ્રેસના મંત્રી હતા. એ સમયે કેપ્ટને પહેલાં જાટ મહાસભા બનાવીને કોંગ્રેસને પડકાર આપ્યો હતો. જોકે પછીથી તેમને પ્રદેશ કોંગ્રેસની કમાન સોંપવામાં આવી. એ પછી કેપ્ટને કહ્યું હતું કે તેઓ એ સમયે ભાજપમાં જોડાવવા અંગે વિચારી રહ્યા હતા.

શું કેપ્ટન બનાવશે નવી સીડી
હાલ એ મુદ્દો ઘણો મહત્ત્વનો છે કે શું ખેડૂતોના વિરોધનું કારણ બનેલા કેન્દ્રીય કૃષિ બિલ કેપ્ટન અમરિંદર સિંહના રાજકારણની નવી સીડી બનશે. ખેડૂતો છેલ્લા એક વર્ષથી દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે. ખેડૂત આંદોલનને કેપ્ટને મુખ્યમંત્રી તરીકે સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. બીજી તરફ તેઓ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને મળીને કાયદાઓને પરત ખેંચવાની માગ કરતા રહ્યા. હાલ એવી ચર્ચા ચાલી રહી છે કે શું કેપ્ટન BJPમાં જોડાય એ પહેલાં કે એ પછી કાયદા પરત ખેંચાવીને પંજાબના રાજકારણમાં નવી ઈનિંગ શરૂ કરશે?

ડાયરેક્ટ સામેલ થશે કે નવી પાર્ટી બનાવશે?
કેપ્ટનને લઈને હાલ એવી ચર્ચા પણ ચાલી રહી છે કે શું કેપ્ટન અમરિંદર સિંહ સીધા ભાજપમાં સામેલ થશે. આ સિવાય તેઓ નવી પાર્ટી પણ બનાવી શકે છે. કેપ્ટને પંજાબમાં જાટ મહાસભા બનાવી હતી. જોકે તેમના સીએમ બન્યા પછી આ સંગઠન બેકગ્રાઉન્ડમાં જતું રહ્યું હતું. હવે એવી ચર્ચા છે કે તેઓ આવું જ એક સંગઠન બનાવીને પોતાની શક્તિ વધારશે.

ખુરશી છોડ્યા પછી સિદ્ધુ અને કોંગ્રેસ હાઈકમાન્ડ પર કર્યા હતા પ્રહાર
કેપ્ટને કહ્યું હતું કે તેમને અપમાનિત થઈને મુખ્યમંત્રીપદ છોડવું પડ્યું. એ પછી તેમણે સિદ્ધુ પર પ્રહાર કર્યા હતા. સિદ્ધુને એન્ટી નેશનલ ગણાવીને તેમણે જાહેરાત કરી હતી કે તેઓ સિદ્ધુને CM બનવા દેશે નહિ. સિદ્ધુની જીતને રોકવા માટે મજબૂત ઉમેદવાર ઉતારશે. જ્યારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને અનુભવ વગરનાં ગણાવ્યાં હતાં. કેપ્ટને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અજય માકન અને કેસી વેણુગોપાલ પર પણ પ્રહાર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...