નાસાના પર્સીવરેન્સ રોવરે મંગળ ગ્રહ પર પોતાની પહેલી ટેસ્ટ ડ્રાઈવ કરી. શુક્રવારે તે પોતાની લેન્ડિંગ સાઈટથી 21.3 ફૂટ સુધી ચાલ્યું. તેના કારણે મંગળની સપાટી પર પૈડાના નિશાન પડી ગયા. અમેરિકન અંતરિક્ષ એજન્સીએ તે તસવીરો જાહેર કરી છે.
રોવરને ચલાવવા અને ટેસ્ટિંગની પ્રક્રિયા 33 મિનિટચાલી. પહેલા તે 13 ફૂટ ચાલ્યું, પછી 150 ડિગ્રી ડાબી બાજુ ફરીને આઠ ફૂટ પાછળ આવ્યું. હવે તે પોતાના ટેમ્પરરી પાર્કિંગ સ્પેસમાં છે. રોવરે જ્યાં પોતાનું મિશન શરૂ કર્યું હતું, હવે તેને ‘ઓક્ટિવિયા ઈ બટલર લેન્ડિંગ’ નામ અપાયું છે. આ નામ એક વિજ્ઞાન લેખકના નામ પરથી પસંદ કરાયું છે.
પર્સીવરેન્સ રોવર મોબિલિટી ટેસ્ટબેડ એન્જિનિયર અનાયસ જારિયાફાયને કહ્યું કે, ‘રોવરના 6 પૈડાં સારી રીતે કામ કરી રહ્યા છે. તે આપણને આગામી બે વર્ષ સુધી વિજ્ઞાનની દુનિયામાં લઈ જવામાં સફળતા અપાવશે. આગામી દિવસોમાં રોવર પોતાનું અભિયાન શરૂ કરશે, ત્યારે તે દરરોજ 200 મીટર (આશરે 656 ફૂટ)નો પ્રવાસ કરશે.’ નાસાના મતે, પર્સીવરેન્સ અને ઈન્જિન્યુટી હેલિકોપ્ટર મંગળ પર કાર્બન ડાયોક્સાઈડથી ઓક્સિજન બનાવવાનું કામ કરશે. તે જમીનની નીચે જીવનના સંકેત સિવાય પાણીની શોધ અને સંશોધનો કરશે.
પહેલીવાર ટ્રાન્સજેન્ડરને ન્યૂઝ એન્કર બનાવાઇ
બાંગ્લાદેશની આઝાદીને 50 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે પહેલીવાર ટ્રાન્સજેન્ડરને ન્યૂઝ એન્કર બનાવાઇ રહી છે. આ પહેલ બોઇશખી ટીવીએ કરી છે. તેણે 2007માં થિયેટર ગ્રુપ ‘નટુઆ’ના માધ્યમથી અભિનય કારકિર્દી શરૂ કરી હતી. તે આ વર્ષે બે ફિલ્મમાં પણ દેખાશે.
બ્રોડ હેવન સાઉથ બીચના કાંઠે એક અજીબોગરીબ પ્રાણી મળી આવ્યું
બ્રિટનના વેલ્સમાં બ્રોડ હેવન સાઉથ બીચના કાંઠે એક અજીબોગરીબ પ્રાણી મળી આવ્યું છે. આ વિશાળકાય પ્રાણી હાથી જેવા મોટા દાંત ધરાવે છે. તેનું અડધું શરીર માછલી જેવું અને અડધું ડાયનોસોર જેવું છે. આ પ્રાણી 23 ફૂટ લાંબું છે અને તેનો ચહેરો નથી. તેને જોતાં જ સ્થાનિક લોકોએ નિષ્ણાતોની ટીમને જાણ કરી. તેને જોઇને નિષ્ણાતો પણ ચોંકી ગયા છે, કેમ કે તેમણે પણ અગાઉ ક્યારેય આવું રહસ્યમય પ્રાણી જોયું નથી.
મ્યાંમારમાં દેખાવકારો મહિલાઓનાં વસ્ત્રો કેમ લટકાવે છે?
મ્યાંમારમાં અચાનક સત્તાપલટા પછી સૈન્ય શાસન આવી ગયું. જેના કારણે સમગ્ર દેશમાં વિરોધનો સૂર ઊઠ્યો છે અને લાખો લોકો વિરોધ પ્રદર્શન માટે માર્ગો પર ઉતરી આવ્યા છે. આ દેખાવો વચ્ચે વિવિધ સ્થળે દોરી પર મહિલાઓના વસ્ત્રો લટકાવેલા જોવા મળે છે. આ આશ્ચર્ય સર્જનારું દૃશ્ય છે પણ તેની પાછળ એક પરંપરા રહેલી છે. વાસ્તવમાં, મ્યાંમારમાં એવી માન્યતા છે કે દોરી પર લટકતા મહિલાઓનાં વસ્ત્રો નીચેથી નીકળવાથી દુર્ભાગ્ય આવે છે. આથી, દેખાવકારો રસ્તાઓ પર મહિલાઓનાં વસ્ત્રો લટકાવે છે. જેથી તેની નીચેથી સેનાના સૈનિકો પસાર થતા અટકે અને દેખાવકારો જરૂર પડ્યે સલામત સ્થળે નાસી જઈ શકે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.