બોમ્બે હાઈકોર્ટે કહ્યું હતું કે છોકરો અને છોકરી અલગ-અલગ ધર્મનાં હોવાને કારણે સંબંધને ધાર્મિક એંગલ આપી શકાય નહીં. હકીકતમાં એક યુવક (એક્સ બોયફ્રેન્ડ)એ મહિલા અને તેનાં માતા-પિતા પર આરોપ લગાવ્યો હતો કે તેના પર ઇસ્લામ સ્વીકારવા અને સુન્નત કરાવવા માટે દબાણ કરાયું હતું.
હાઈકોર્ટે યુવતી અને તેનાં માતા-પિતાને આગોતરા જામીન આપતાં આ ટિપ્પણી કરી હતી. જસ્ટિસ વિભા કંકણવાડી અને જસ્ટિસ અભય વાઘવાસેની ખંડપીઠે 26 ફેબ્રુઆરીએ આ મામલે સુનાવણી કરી હતી. જોકે છેક હવે આ સમાચાર સામે આવ્યા છે.
એક્સ ગર્લફ્રેન્ડ પર લવ-જેહાદનો આરોપ લગાવ્યો હતો
ડિસેમ્બર 2022માં એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પરિવાર સામે યુવકે લવ-જેહાદનો કેસ દાખલ કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે વર્ષ 2018થી તે એક મુસ્લિમ યુવતી સાથે સંબંધમાં હતો. તે અનુસૂચિત જાતિ (SC)માંથી હતો, પરંતુ તેણે મહિલાને તેના વિશે જણાવ્યું નહોતું. થોડા દિવસો પછી મહિલાએ પુરુષ પર ઇસ્લામ સ્વીકારવા અને તેની સાથે લગ્ન કરવા દબાણ કરવાનું શરૂ કર્યું. ત્યાર બાદ તે વ્યક્તિએ તેની જાતિ મહિલાનાં માતા-પિતાને જણાવી.
યુવકનું કહેવું છે કે યુવતીનાં માતા-પિતાને તેની જાતિથી કોઈ વાંધો નહોતો. બાદમાં તેણે તેની પુત્રીને પણ ધર્મપરિવર્તન કર્યા વિના યુવકને અપનાવી લેવા માટે સમજાવી હતી. પછી સંબંધોમાં કડવાશ આવી. આ પછી મેં યુવતી અને તેનાં માતા-પિતા વિરુદ્ધ ધર્મપરિવર્તન માટે દબાણ કરવા, સુન્નત કરાવવા અને પૈસા માગવા બદલ કેસ દાખલ કર્યો હતો. આ વ્યક્તિએ ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ અને તેના પરિવાર પર જાતિના નામે ખરાબ વર્તન કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.
ઔરંગાબાદ સ્પેશિયલ કોર્ટે જામીન નહોતા આપ્યા
આ કેસમાં ઔરંગાબાદ સ્પેશિયલ કોર્ટે મહિલા અને તેના પરિવારને આગોતરા જામીન આપવાનો ઈનકાર કરી દીધો હતો, ત્યાર બાદ તેઓ હાઈકોર્ટ પહોંચ્યા હતા. બોમ્બે હાઈકોર્ટે આ કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે એવું લાગે છે કે આ કેસમાં લવ-જેહાદનો એંગલ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જ્યારે બે વ્યક્તિ એકબીજાને પ્રેમ કરે છે ત્યારે લવ-જેહાદની શક્યતા ઓછી હોય છે.
કોર્ટે નોંધ્યું છે કે આ કેસ 2022માં નોંધવામાં આવ્યો હતો અને FIRમાં યુવકે કબૂલ્યું છે કે તે યુવતી સાથે પ્રેમમાં હતો. આવી સ્થિતિમાં પોતાને પીડિત ગણાવનારી વ્યક્તિ યુવતી સાથેના સંબંધોને ખતમ કરી શકતો હતો, પરંતુ તેણે એમ કર્યું નહીં.
મેડિકલ રિપોર્ટમાં ખતનાની વાત સ્પષ્ટ નથી થઈ
હાઈકોર્ટે કહ્યું હતું કે એફઆઈઆરમાં યુવકની સુન્નતની વાત છે, પરંતુ મેડિકલ રિપોર્ટમાં એ સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ શક્યું નથી. નિષ્ણાતો કહી શક્યા નથી કે સુન્નત કુદરતી હતી કે કોઈ સર્જરીથી કરવામાં આવી છે.
આ કેસની તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને પોલીસ ટૂંક સમયમાં ચાર્જશીટ દાખલ કરશે. હવે આ કેસમાં યુવતી અને તેના પરિવારને જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવાની જરૂર નથી. હાલ કોર્ટે તમામને આગોતરા જામીન આપ્યા છે.
શું હોય છે ખતના ?
મુસ્લિમ અને યહૂદી સમુદાયોમાં જન્મેલા છોકરાઓની સુન્નત કરવામાં આવે છે. આમાં તેમના શિશ્નની આગળની ચામડી એટલે કે લિંગના ઉપરના ભાગની ચામડી કાપીને અલગ કરવામાં આવે છે. હેલ્થલાઈન વેબસાઈટ પરના એક લેખ અનુસાર, આ સમય દરમિયાન બાળકોને પીડા થાય છે, પરંતુ તેઓ 7થી 10 દિવસમાં સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ જાય છે.
પુરુષો માટે ખતના સારું, પણ મહિલાઓ માટે ખરાબ
છોકરાઓમાં સુન્નત કરવાના પણ ઘણા ફાયદા છે. સુન્નત તેમની સ્વચ્છતામાં સુધારો કરે છે. સેક્સ્યૂઅલી ટ્રાન્સમિટેડ રોગો, પેનાઇલ કેન્સર, સર્વાઇકલ કેન્સર અને પેશાબની નળીઓનો વિસ્તાર ચેપનું જોખમ ઓછું થાય છે. આ સિવાય બેલેનાઈટીસ, બેલાનોપોસ્થાઈટીસ, પેરાફીમોસીસ અને ફીમોસીસ જેવા પ્રાઈવેટ પાર્ટને લગતા રોગોની સારવાર માટે પણ છોકરાઓનું સુન્નત કરવામાં આવે છે.
એનાથી વિપરીત, સ્ત્રીની સુન્નતનો કોઈ તબીબી લાભ નથી, માત્ર નુકસાન છે. WHO અનુસાર, મહિલાઓને સુન્નત કર્યા પછી તરત જ ગંભીર પીડા, રક્તસ્રાવ, સોજો, તાવ, ચેપ અને આઘાત જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.