કૃષિ કાયદાને પરત લેવા પર મહોર:કેબિનેટે ત્રણેય કાયદાને રદ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી, વડાપ્રધાન મોદીએ પાંચ દિવસ પહેલા જાહેરાત કરી હતી

નવી દિલ્હી2 મહિનો પહેલા
દિલ્હીમાં PM મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી.
  • વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઇ

કેન્દ્રીય કેબિનેટે ત્રણેય કૃષિ કાયદાને રદ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ દિવસ પહેલા (19 નવેમ્બરે) ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કરી હતી. હવે કેબિનેટમાં મંજૂરી મળ્યા બાદ કાયદા રદ કરવાનાપ્રસ્તાવને સંસદના શિયાળુસત્રમાં બંને ગૃહમાં પસાર કરાવવામાં આવશે. ત્યારબાદ ખેડૂત આંદોલનનું કારણ બનેલા ત્રણેય કૃષિ કાયદા નાબૂદ થશે.

વડાપ્રધાન મોદીએ શુક્રવારે દેશને સંબોધન કરતાં ત્રણેય કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે સરકાર આ કાયદા ખેડૂતોના હિતમાં સારા ઉદ્દેશ્ય સાથે લાવી હતી, પરંતુ અમે કેટલાક ખેડૂતોને સમજાવવામાં નિષ્ફળ રહ્યા. વડાપ્રધાને કહ્યું હતું કે આગાની સંસદના સત્રમાં કાયદાને પરત લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જ્યારે નિષ્ણાંતોના જણાવ્યા મુજબ સંસદ સત્ર શરૂ થયા બાદ ઓછામાં ઓછા ત્રણ દિવસમાં આ પ્રક્રિયા પૂર્ણ થઈ શકે છે. સંસદનું સત્ર 29 નવેમ્બરથી શરૂ થઈ રહ્યું છે.

શું છે કૃષિ કાયદાને પરત લેવાની પ્રક્રિયા?
17 સપ્ટેમ્બર, 2020ના રોજ લોકસભા દ્વારા ત્રણ નવા કૃષિ કાયદાઓને મંજૂરી આપવામાં આવી હતી. રાષ્ટ્રપતિએ ત્રણેય કાયદાના પ્રસ્તાવ પર 27 સપ્ટેમ્બરના રોજ હસ્તાક્ષર કર્યા હતા. ત્યારથી ખેડૂતોનાં સંગઠનો દ્વારા કૃષિ કાયદા સામે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. કાયદા નિષ્ણાત વિરાગ ગુપ્તાના મતે કોઈપણ કાયદાને પાછો ખેંચવાની પ્રક્રિયા પણ એ જ રીતે હશે જે રીતે નવો કાયદો બનાવવામાં આવે છે.

  • સૌથી પહેલા સરકાર સંસદના બંને ગૃહમાં આ સબંધિત બિલ રજૂ કરશે.
  • સંસદના બંને ગૃહમાં આ બિલને બહુમત સાથે પસાર કરવામાં આવશે.
  • બિલ પાસ થયા બાદ રાષ્ટ્રપતિ પાસે જશે. રાષ્ટ્રપતિ આ બિલ પર પોતાની મહોર લગાવશે.
  • રાષ્ટ્રપતિની મંજૂરી બાદ સરકાર નોટિફિકેશન જાહેર કરશે.
  • નોટિફિકેશન જાહેર થતાં જ ત્રણેય કૃષિ કાયદા રદ થઈ જશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણેય વિવાદાસ્પદ કૃષિ કાયદાઓને વહેલામાં વહેલી તકે રદ કરવાના તેમના વચનને પૂર્ણ કરવા માટે તૈયાર છે. બુધવારે નવી દિલ્હીમાં વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક લોકકલ્યાણ માર્ગ સ્થિત વડાપ્રધાનના નિવાસસ્થાને મળી હતી.

ખેડૂતો દિલ્હીની સરહદ પર વિરોધ કરી રહ્યા
આ બિલનો ઉદ્દેશ ગયા વર્ષે પસાર કરાયેલા ત્રણ બિલને પરત ખેંચવાનો છે. 19 નવેમ્બર, 2021ના રોજ વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતાં ત્રણેય કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ ગાજીપુર બોર્ડર પર ખેડૂતોએ ભારે જશ્ન મનાવ્યો હતો. રાષ્ટ્રને સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાતની સાથે સાથે દેશની માફી પણ માગી હતી. તમને જણાવી દઈએ કે ત્રણેય કૃષિ કાયદાની સામે મુખ્ય રૂપે પંજાબ, -પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને હરિયાણાના ખેડૂતો દિલ્હીની સરહદ પર વિરોધ કરી રહ્યા છે. વડાપ્રધાને એ પણ જાહેરાત કરી હતી કે સરકાર લઘુતમ ટેકાના ભાવ (MSP)માટે નવું માળખું તૈયાર કરવા માટે એક સમિતિની રચના કરશે. 2020માં કેન્દ્ર સરકારે કાયદો પસાર કર્યો ત્યારથી ખેડૂતો સરકારના ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે.

પ્રક્રિયા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી પ્રદર્શન ચાલુ જ રહેશે
આ તરફ વડાપ્રધાનની જાહેરાત બાદ ખેડૂતો ઉત્સાહમાં છે. ખેડૂતો એને મોટી જીત તરીકે જોઈ રહ્યા છે, પરંતુ ખેડૂત સંગઠનોની કહેવું છે કે પ્રદર્શન ત્યાં સુધી ચાલુ જ રહેશે, જ્યાં સુધી સંસદની પ્રક્રિયા પૂર્ણ ન થાય. જોકે વડાપ્રધાને જાહેરાત કરતાંની સાથે જ ખેડૂતોને ઘરે પરત ફરવા અને ખેતરોમાં કામે લાગી જવા માટે અપીલ પણ કરી હતી.

ત્રણેય કૃષિ કાયદા, જેની વિરુદ્ધ ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા
17 સપ્ટેમ્બર, 2020ના રોજ લોકસભા દ્વારા ત્રણ નવા કૃષિ કાયદાઓને મંજૂરી આપવામાં આવી હતી. રાષ્ટ્રપતિએ ત્રણેય કાયદાના પ્રસ્તાવ પર 27 સપ્ટેમ્બરના રોજ હસ્તાક્ષર કર્યા હતા. ત્યારથી ખેડૂતોનાં સંગઠનો દ્વારા કૃષિ કાયદા સામે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. આ ત્રણ કાયદા આ પ્રમાણે છેઃ

1. ખેડૂત ઉત્પાદન વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) બિલ 2020

2. ખેડૂતોને (સશક્તીકરણ-સંરક્ષણ) કિંમત ખાતરી અને કૃષિ સેવાઓ પર કરાર બિલ 2020

3. આવશ્યક ચીજવસ્તુઓ (સંશોધન) બિલ 2020

427 દિવસ અને 700 ખેડૂતોનાં મોત પછી સરકારે નમતું જોખ્યું
કૃષિ કાયદાના 427 દિવસ પછી અને એના વિરોધમાં દેખાવો દરમિયાન 700થી વધારે ખેડૂતોનાં મોત પછી સરકારે આ કાયદાને પરત લેવાની જાહેરાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...