દિલ્હીની સ્કૂલોમાં હવે દરેક ક્લાસ 1 નવેમ્બરથી શરૂ કરવામાં આવશે. આ સિવાય છઠ પૂજાના આયોજનને પણ મંજૂરી આપવામાં આવી છે. દિલ્હીના ઉપ-મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જાહેરાત કરી છે કે દિલ્હીના દરેક ક્લાસ માટે સ્કૂલ 1 નવેમ્બરથી શરૂ કરવામાં આવશે. સિસોદિયાએ DDMAની બેઠકમાં સ્કૂલ ખોલવાનો નિર્ણય લીધો છે. એ સાથે જ સાર્વજનિક છઠ પૂજાના આયોજનને પણ મંજૂરી આપવામાં આવી છે.
નોંધનીય છે કે પહેલાં દિલ્હી સરકારે પાટનગરમાં છઠ પૂજાના સાર્વજનિક આયોજન પર પ્રતિબંધ લગાવ્યો હતો, પરંતુ હવે એ આદેશ પરત લઈ લેવામાં આવ્યો છે. હવે દિલ્હીમાં સાર્વજનિક જગ્યાએ છઠ પૂજા કરી શકાશે.
મનીષ સિસોદિયાએ આજે કરેલી પ્રેસ-કોન્ફરન્સમાં કહ્યું હતું કે 1 નવેમ્બરથી દિલ્હીની પ્રાઈવેટ અને સરકારી દરેક સ્કૂલોને અમુક શરતો સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે, પણ કોઈપણ સ્કૂલ બાળકોને સ્કૂલે ફરજિયાત આવવાનું નહીં કહી શકે. સ્કૂલે સુનિશ્ચિત કરવું પડશે કે અભ્યાસ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે થશે. ક્લાસ 50 ટકાની ક્ષમતા સાથે ચલાવી શકાશે. એવું પણ કહેવામાં આવ્યું છે કે સ્કૂલ સ્ટાફ 100 ટકા વેક્સિનેટેડ હોવો જરૂરી છે. જ્યારે 98 ટકા સ્ટાફે એક ડોઝ તો લીધેલો હોવો જ જોઈએ.
પ્રેસ-કોન્ફરન્સમાં છઠ પૂજા વિશે એવું કહેવામાં આવ્યું છે કે દિલ્હી સરકારે જાહેર જગ્યાએ છઠ પૂજાની મંજૂરી આપી છે, પરંતુ યમુના ઘાટ પર છઠ પૂજાનું આયોજન કરી શકાશે નહીં. છઠ પૂજા માટે પણ અમુક નિયમો નક્કી કરવામાં આવ્યા છે, એનું પાલન કરવાનું રહેશે.
નોંધનીય છે કે અત્યારે દિલ્હીમાં 9થી 12 ધોરણ સુધીની સ્કૂલો ખોલવામાં આવી છે. આ સ્કૂલોમાં પરીક્ષાઓનું સંચાલન કોવિડ-19 ગાઈડલાઇન્સ અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કરવામાં આવ્યું છે. સ્કૂલોમાં બાળકો ફેસ માસ્ક સાથે જઈ રહ્યાં છે. જોકે કોઈપણ વિદ્યાર્થી માટે સ્કૂલ જવુ ફરજિયાત નથી. તેઓ ઓનલાઈન ક્લાસ પણ કરી શકે છે. તેમને પેરન્ટ્સની સહી સાથેનો મંજૂરીપત્ર મળે તો જ તેઓ સ્કૂલ આવી શકે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.