નવા કૃષિકાયદાનો વિરોધ કરતા ખેડૂતોની માંગ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર ચૂપકીદી તોડી છે. શનિવારે સંસદના બજેટને લઈને થયેલી સર્વપક્ષીય બેઠકમાં મોદીએ કહ્યું કે, ‘સરકાર ખેડૂતો સાથે વાત કરવા હંમેશા તૈયાર છે. સરકારે 22 જાન્યુઆરીએ જે પ્રસ્તાવ આપ્યો હતો, તે હજુ છે જ. આ મુશ્કેલીનો ઉકેલ વાતચીતથી જ આવશે.’
આ બેઠકમાં સરકારનો એજન્ડા રજૂ કરતા તેમણે કહ્યું કે, ‘હું કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર વતી ખેડૂતોને કહેલી વાત દોહરાવવા માંગુ છું. તેમણે કહ્યું હતું કે, નવા કાયદા માટે આપણે સંમત નથી થઈ શકતા, પરંતુ અમે એક પ્રસ્તાવ રજૂ કરીએ છીએ. હું તમારાથી ફક્ત એક ફોન કૉલ દૂર છુ. તમે કૉલ કરશો, ત્યારે હું વાત માટે તૈયાર છુ.’ આ બેઠકમાં વિપક્ષે ત્રણેય કૃષિકાયદા અંગે સંસદમાં ફરી ચર્ચાની માંગ કરી હતી. આ દરમિયાન ખેડૂત નેતા રાકેશ ટિકૈતના સમર્થનમાં ઉત્તર પ્રદેશથી પણ મોટી સંખ્યામાં ખેડૂતો ગાઝીપુર સરહદે પહોંચી રહ્યા છે. તેથી સરકારે નેશનલ હાઈ વે-24 બંધ કરીને સુરક્ષા દળોના જવાનો પણ તહેનાત કર્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયેદિલ્હીમાં ગાઝીપુર, ટિકરી, સિંઘુ સરહદે શુક્રવારથી રવિવારે રાત 11 વાગ્યા સુધી ઈન્ટરનેટ બંધ કરી દીધું છે.
ખેડૂતોનો મુદ્દો ઉકેલવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ
કેન્દ્ર સરકારે શનિવારે તમામ પક્ષો સામે બજેટસત્રનો પોતાનો એજન્ડા રાખ્યો છે. એના માટે સર્વપક્ષી બેઠક બોલાવવામાં આવી હતી. મીટિંગની અધ્યક્ષતા કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતો પર પણ જવાબ આપ્યો. તેમણે કહ્યું હતું કે ખેડૂતો માટે સરકારનો પ્રસ્તાવ હાલ પણ છે. કોઈપણ સમાધાન વાતચીત દ્વારા આવવું જોઈએ.બેઠકમાં સરકારે તમામ પક્ષો સમક્ષ બજેટ સત્રનો તેમનો એજન્ડા રજૂ કર્યો હતો. આ બેઠક વીડિયો કોન્ફરન્સ મારફતે યોજાઈ હતી.
આ અગાઉ કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે ખેડૂતોને કહેવામાં આવેલી વાતોને ફરીથી કહેવા માગું છું. તેમણે કહ્યું હતું કે અમે સહમતી(નવા કૃષિ કાયદા અંગે)સુધી નથી પહોંચ્યા, પરંતુ અમે તમને પ્રસ્તાવ આપી રહ્યા છીએ. તેમણે એવું પણ કહ્યું હતું કે તે તેમના માટે ફોન પર પણ હાજર રહેશે. સરકાર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના મુદ્દાનું સમાધાન લાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે.
આમ તો સર્વપક્ષીય બેઠક બજેટસત્ર શરૂ થતાં પહેલાં બોલાવવામાં આવે છે, પણ આ વખતે સેશન શરૂ થયા પછી રાખવામાં આવી છે. બજેટસત્રની શરૂઆત શુક્રવારે થઈ ગઈ હતી.
વિપક્ષ ખેડૂતોના મુદ્દા અંગે ચર્ચા કરવા માગે છે
બેઠકમાં વિપક્ષ ખેડૂત આંદોલનના મુદ્દા અંગે સંસદમાં ચર્ચાની માગ કરી શકે છે. આ પહેલાં શુક્રવારે લોકસભા સ્પીકર તરફથી બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં પણ વિપક્ષે આ માગ ઉઠાવી હતી. જોકે સરકારે કહ્યું હતું કે મુદ્દો લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવ(મોશન ઓફ થેક્સ)અંગે ચર્ચા વખતે ઉઠાવી શકાય છે, જેના માટે 2,3 અને 4 ફેબ્રુઆરીએ 10 કલાકનો સમય રાખવામાં આવ્યો છે.
બજેટસત્ર પહેલાં રાષ્ટ્રપતિએ કહ્યું-તિરંગાનું અપમાન દુર્ભાગ્યપૂર્ણ
સંસદનું બજેટસત્ર શુક્રવારે શરૂ થઈ ગયું છે. આ પહેલાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું બજેટ અભિભાષણ થયું. તેમણે 26 જાન્યુઆરી લાલકિલ્લા પર થયેલા તિરંગાના અપમાનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે બંધારણ તમામને અભિવ્યક્તિની આઝાદી આપે છે, અભિવ્યક્તિનું સન્માન કરે છે. તો એ જ બંધારણ તમામને કાયદાનું પાલન કરવા માટે પણ કહે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.