• Gujarati News
  • National
  • Alert In West And Central India, Cloudy Over UP MP, Difficult Conditions Over Odisha Telangana

દેશમાં 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી:પશ્ચિમ અને મધ્ય ભારતમાં એલર્ટ, UP-MPમાં વાદળછાયુ વાતાવરણ રહેશે, ઓડિશા-તેલંગાણામાં મુશ્કેલભરી સ્થિતિ

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • ઓડિશામાં મુશળધાર વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા.

દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસુ સક્રિય છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, પશ્ચિમ અને મધ્ય ભારતમાં 7, 8 અને 9 ઓગસ્ટના રોજ ભારે વરસાદની શક્યતા છે. શનિવારે ઓડિશાના ખોરધામાં મુશળધાર વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા.

ભારે વરસાદના કારણે સ્થિતિ એવી બની હતી કે ઓડિશાના જતની અંડરપાસમાં ફસાયેલી સિટી બસ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જો કે બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

મધ્યપ્રદેશમાં વીજળી પડવાથી 7ના મોત
મધ્યપ્રદેશમાં લાંબા વિરામ બાદ શનિવારથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો હતો. આ દરમિયાન વીજળી પડવાથી 7 લોકોના મોત થયા હતા. જેમાંથી ગંજબાસોદામાં 4 અને સતનામાં 3 લોકોએ જીવ ગુમાવ્યા છે. છેલ્લા બે દિવસમાં ભોપાલ-ઈન્દોરમાં ભારે વરસાદ પડ્યો હતો. ઈન્દોરમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ પડ્યો હતો. ભોપાલમાં ભદભદા ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. ગુના, રતલામ, સાગર, નરસિંહપુર, ઉજ્જૈન, માલાજખંડ, નૌગાંવ અને ખજુરાહોમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થયો હતો.

ઈન્દોરના રાજેન્દ્ર નગર વિસ્તારમાં ભારે પવન અને પાણી વચ્ચે ડિવાઈડર અને સ્ટ્રીટ લાઈટના પોલ પર એક ઝાડ પડી ગયું.
ઈન્દોરના રાજેન્દ્ર નગર વિસ્તારમાં ભારે પવન અને પાણી વચ્ચે ડિવાઈડર અને સ્ટ્રીટ લાઈટના પોલ પર એક ઝાડ પડી ગયું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજથી સમગ્ર એમપીમાં ચોમાસુ સિસ્ટમ ફરી સક્રિય થશે. 7 ઓગસ્ટ સુધીમાં બંગાળની ખાડીમાં લો પ્રેશરનું ક્ષેત્ર બનશે. જેના કારણે 8 ઓગસ્ટથી ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. 19 થી 25 ઓગસ્ટ સુધી ગ્વાલિયર-ચંબલ, બુંદેલખંડ, બઘેલખંડ, મહાકૌશલ અને નર્મદાપુરમમાં ઝરમર વરસાદ પડશે.

રાજસ્થાનમાં 4 દિવસ ભારે વરસાદનું એલર્ટ
રાજસ્થાનમાં સતત ત્રીજા દિવસે શનિવારે પણ અનેક જિલ્લાઓમાં સારો વરસાદ થયો હતો. ભીલવાડા, ભરતપુર, અલવર જિલ્લામાં 3 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ ભીલવાડા જિલ્લામાં પડ્યો છે. બનાસ નદીમાં પાણીની આવક વધી, જેના કારણે બિસલપુર ડેમમાં જળસ્તર વધ્યુ હતુ. હવામાન કેન્દ્ર જયપુરે 14 જિલ્લામાં વરસાદની ચેતવણી જારી કરી છે. આ જિલ્લાઓમાં આગામી 4 દિવસ સુધી મધ્યમ વરસાદની સંભાવના છે.

છેલ્લા 24 કલાક દરમિયાન રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના કાછોલામાં 117 મીમી (4.5 ઈંચ) વરસાદ નોંધાયો છે. તેવી જ રીતે અલવરના સોડાવાસમાં પણ 108mm વરસાદ નોંધાયો હતો. આ જિલ્લાઓ ઉપરાંત ભરતપુર, બાડમેર, બાંસવાડા, બુંદી, જયપુર, જેસલમેર, કરૌલી, રાજસમંદ, ઉદયપુર, ટોંક સહિતના અન્ય જિલ્લાઓમાં પણ સારો વરસાદ થયો છે.

છત્તીસગઢના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી
છત્તીસગઢના ઘણા જિલ્લામાં શનિવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને હવામાન વિભાગે દક્ષિણ છત્તીસગઢના મોટાભાગના જિલ્લાઓમાં આગામી 72 કલાકમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. જેમાં બીજાપુર જિલ્લામાં એકાદ બે જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ સાથે વિજળી પડવાની શક્યતા છે.

હવામાન વિભાગે આગામી 24 કલાકમાં બીજાપુર જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે બીજાપુર જિલ્લામાં એક કે બે સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. રાજ્યના 7 અન્ય જિલ્લાઓ, બસ્તર, દંતેવાડા, સુકમા, કોંડાગાંવ, નારાયણપુર, ધમતારી અને ગરિયાબંદ જિલ્લામાં પણ એક-બે સ્થળોએ ભારે વરસાદ અને વીજળી પડવા માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થયું છે
ગુજરાતમાં સક્રિય ચોમાસાના કારણે આગામી 5 દિવસ સુધી વિવિધ ભાગોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે હળવા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. આ સાથે જ સોમવારે ડાંગ, નવસારી, વલસાડ, જૂનાગઢ અને ગીર-સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મધ્ય પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ પ્રવર્તી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવાર અને રવિવારે સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, નવસારી, વલસાડ, કચ્છ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને ગીરસોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...