ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે કહ્યું હતું કે મથુરાના વૃંદાવન, ગોવર્ધન, નંદગાંવ, બરસાના, ગોકુળ, મહાવન અને બલદેવમાં ટૂંક સમયમાં દારૂ અને માંસનું વેચાણ બંધ કરીને તેની સાથે સંકળાયેલા લોકોનું અન્ય વેપાર-ધંધામાં પુનર્વસન કરાશે.
ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ પર આયોજિત કાર્યક્રમોમાં હાજરી આપવા અને શ્રીકૃષ્ણ જન્મસ્થળે ભગવાનનાં દર્શન કરવા મથુરા પહોંચેલા યોગીએ અહીંના રામલીલા મેદાનમાં જાહેરસભાને સંબોધતાં કહ્યું હતું કે ‘અહીંના લોકોની ઇચ્છા છે કે આ પવિત્ર સ્થળોએ દારૂ અને માંસનું વેચાણ ન થવું જોઇએ. હું તેમને ખાતરી આપું છું કે તેઓ ઇચ્છે છે એમ જ થશે.’
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ‘જિલ્લાતંત્રને જરૂરી કાર્યવાહીના આદેશ અપાયા છે. દારૂ-માંસના વેચાણ સાથે સંકળાયેલા લોકોને બીજા કોઇ કામની યોગ્ય તાલીમ આપીને તેમનું પુનર્વસન કરવું જોઇએ, તેમનું વ્યવસ્થિત ઢબે કાઉન્સેલિંગ થવું જોઇએ. તેમના માટે ડેરી ઉદ્યોગના નાના સ્ટોલ બનાવી દેવાય તો સારું રહેશે. અમારો ઉદ્દેશ કોઇને ઉજાડવાનો નથી. વ્યવસ્થિત પુનર્વસન કરવું છે અને આ કામમાં આ પવિત્ર સ્થળોને તે દિશામાં આગળ વધારવાની જરૂર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.