• Gujarati News
  • National
  • Rakesh Jhunjhunwala's Airline Orders 72 Boeing 737 Max Jets, To Be Delivered Next Year

ઉડાન ભરવાની તૈયારીમાં અકાસા:રાકેશ ઝુનઝુનવાલાની એરલાઇને 72 બોઇંગ 737 મેક્સ જેટનો ઓર્ડર આપ્યો, આગામી વર્ષે ડિલિવરી મળશે

નવી દિલ્હી22 દિવસ પહેલા
  • અકાસાને ભારતમાં નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મળી ગયું છે
  • હવે એરલાઇન કંપની DGCA પાસે એર ઓપરેટર પરમિટ માટે અરજી કરશે

શેરબજારના બિગબુલ રાકેશ ઝુનઝુનવાલાની અલ્ટ્રા લો કોસ્ટ એરલાઈન અકાસા એર દ્વારા 72 બોઇંગ 737 મેક્સ જેટનો ઓર્ડર આપવામાં આવ્યો છે. આ ઓર્ડર દુબઈમાં યોજાયેલા ેક એર શોમાં આપવામાં આવ્યો છે. આ વિમાનોની કુલ કિંમત 9 અબજ ડોલર છે. એરક્રાફ્ટની ડિલિવરી આગામી વર્ષથી શરૂ થશે.

આગામી વર્ષે અકાસા શરૂ થવાની શક્યતા
અકાસાને ભારતમાં નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મળી ગયું છે. હવે એરલાઈન કંપની ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)પાસે એર ઓપરેટર પરમિટ માટે અરજી કરશે. આગામી વર્ષે ગરમીમાં, એટલે કે ઉનાળામાં એરલાઈનની શરૂઆત થવાની શક્યતા છે.

પ્રશ્નોના ઘેરાવામાં 737 મેક્સ
737 મેક્સ જેટ લાંબા સમયથી પ્રશ્નોના ઘેરાવામાં રહી છે. 5 મહિનામાં બે દુર્ઘટના બાદ માર્ચ 2019માં 737 મેક્સને વિશ્વભરમાં બંધ કરી દેવામાં આવેલી. આ દુર્ઘટનામાં 346 લોકોનાં મોત થયાં હતાં.

બોઇંગની આર્થિક સ્થિતિ ખરાબ
737 મેક્સ બંધ થવાને લીધે બોઇંગની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. કોવિડ-19 મહામારીને લીધે આ સંકટ વધારે ઘેરું બની ગયું. જોકે આ વર્ષની શરૂઆતમાં DGCAએ મેક્સને ભારતની અંદર અને બહાર ઉડાન ભરવાની મંજૂરી આપી દીધી છે.

ફક્ત સ્પાઈસજેટ પાસે B737 મેક્સ વિમાન
ભારતમાં અત્યારે સ્પાઈસજેટ એકમાત્ર ઈન્ડિયન કેરિયર છે, જેની પાસે B737 મેક્સ વિમાન છે. આ પૈકી કોઈપણ વિમાન ઉડ્ડાન ભરતાં નથી. 72 વિમાનની ડિલિવરી બાદ અકાસા એરલાઈન પણ આ લિસ્ટમાં સામેલ થઈ જશે.

આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે એવિએશન સેક્ટર
મહામારીને પગલે એવિએશન સેક્ટર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, જેમ કે કિંગફિશર એક સમયે દેશની બીજા ક્રમની સૌથી મોટી એરલાઈન બની હતી, પણ વર્ષ 2012માં કંપનીનો કારોબાર ઠપ થઈ ગયો હતો.

આ રીતે જેટ એરવેઝ પણ વર્ષ 2019થી ગ્રાઉન્ડેડ છે, જે હવે ફરી એક વખત ઉડાન ભરવાની તૈયારીમાં છે. ટાટા ગ્રુપ અને સિંગાપોર એરલાઈન લિમિટેડના સંયુક્ત સાહસવાળી કંપની વિસ્ટારા અને ઈન્ડિગો પણ કોરોના મહામારીને પગલે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહી છે.

5 ઓક્ટોબરે મોદીને મળ્યા હતા રાકેશ ઝુનઝુનવાલા
ભારતીય શેરબજારના બિગ બુલ કહેવાતા રાકેશ ઝુનુઝુનવાલાનાં વડાપ્રધાન મોદીએ ખૂબ વખાણ કર્યાં હતા. વડાપ્રધાન મોદી અને રાકેશ ઝુનઝુનવાલાની 5 ઓક્ટોબરે દિલ્હીમાં મુલાકાત થઈ હતી. આ મુલાકાત પછી વડાપ્રધાને ટ્વીટ કરીને રાકેશને વન એન્ડ ઓનલી કહ્યા હતા. તેમણે કહ્યું હતું કે મળીને ખૂબ જ ખુશી થઈ.

કોણ છે રાકેશ ઝુનઝુનવાલા?
તમને સૌથી પહેલા એ જણાવીએ કે રાકેશ ઝુનઝુનવાલા કોણ છે. રાકેશ ઝુનઝુનવાલા દેશના શેરબજારમાં દિગ્ગજ રોકાણકાર છે, જેને બિગ બુલ કહેવામાં આવે છે. તેમના દરેક પગલા પર કરોડો રોકાણકારોની નજર હોય છે. માનવામાં આવે છે કે રાકેશ જે શેરને હાથ લગાડે છે એ સોનાનો થઈ જાય છે. હારુન ઈન્ડિયાની તાજેતર દ્વારા રજૂ કરવામાં આવેલી અમીરોની યાદી પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલા અને તેમના પરિવારની નેટવર્થ અંદાજે 22,300 કરોડ રૂપિયા છે. દેશની ઘણી મોટી સંપત્તિઓમાં તેમનો હિસ્સો પણ છે. તેઓ ટૂંક સમયમાં એરલાઈન્સ શરૂ કરવાનું પણ વિચારે છે.

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે, રાકેશ ઝુનઝુનવાલા લો-કોસ્ટ એરલાઈન્સમાં રોકાણની યોજના બનાવી રહ્યા છે. લોકોની વધતી જતી હવાઈ મુસાફરીને ધ્યાનમાં રાખીને રાકેશ ઝુનઝુનવાલા આગામી ચાર વર્ષમાં 70 એરક્રાફ્ટ સાથે લો-કોસ્ટ એરલાઈન્સ શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ યોજના માટે તેમની વિદેશી રોકાણકારો સાથે પણ વાતચીત ચાલી રહી છે. માનવામાં આવે છે કે આ વેન્ચરમાં RJ અંદાજે રૂ. 260 કરોડનું રોકાણ કરશે.