તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • AIIMS Director Says Corona Virus Is Not Going Anywhere Now, It Will Only Get Rid Of The Mask When It Becomes A Seasonal Disease

જિંદગી ક્યારે સામાન્ય બનશે?:AIIMSના ડિરેક્ટરે કહ્યું- કોરોના વાયરસ હાલમાં ક્યાંય જવાનો નથી, એ મોસમી બીમારી બની જશે ત્યારે જ માસ્કથી છુટકારો મળશે

ચંદીગઢ24 દિવસ પહેલા
  • ગુલેરિયાએ કહ્યું- વેક્સિન બીમારીને ગંભીર બનતાં અટકાવે છે
  • મોટા કાર્યક્રમો ન કરવા જોઈએ, જેથી લોકોની ભીડ ન થાય અને સંક્રમણને ફેલાતું અટકાવી શકાય

કોરોના વાયરસ હમણાં તમારી વચ્ચે જ રહેશે, જોકે એ બાદ એક મોસમી બીમારી બની જશે. આને કારણે ભારતમાં આવનારી ત્રીજી લહેર બાળકો માટે જોખમી સાબિત થશે, તેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. આ ફક્ત એટલા માટે કહેવામાં આવી રહ્યું હતું, કારણ કે એ સમય સુધીમાં મોટા ભાગના પુખ્તવયના લોકોને વેક્સિન અપાઈ ગઈ હશે. આ કહેવું છે દિલ્હી AIIMSના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાનું.

ડો.ગુલેરિયાએ જણાવ્યું હતું કે AIIMSના અધ્યયન મુજબ, 50થી 60 ટકા બાળકોને કોવિડ થઈ ચૂક્યો છે, જેની જાણ પણ થઈ નથી. જો તમે AIIMS અને PGI ચંદીગઢનો અભ્યાસ જુઓ તો ત્રીજી લહેરમાં પણ બાળકોને માઈલ્ડ ઇન્ફેક્શન લાગશે, પરંતુ મૃત્યુદરમાં વધારો થવાનું જોખમ ખૂબ ઓછું છે.

ડો. ગુલેરિયા શુક્રવારે પંજાબ યુનિવર્સિટી (પીયુ)ના માઇક્રોબાયોલોજી વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં લેક્ચર આપી રહ્યા હતા. તેમનો વિષય હતો- કોવિડ-19 મહામારીમાંથી આપણે શું શીખ્યા અને આપણે શું કરી શકીએ છીએ. આ કાર્યક્રમમાં ડો.ગુલેરિયાએ પણ ઘણા સવાલોના જવાબો આપ્યા હતા.

સવાલ: ચંડીગઢમાં આશરે 70% વસતિને વેક્સિન અપાઈ ગઈ છે અને લોકો માસ્ક પણ પહેરી રહ્યા છે. આ હોવા છતાં જો સંક્રમણનું જોખમ છે, તો વેક્સિનેશનથી ફાયદો શું છે?
જવાબ:
આજ સુધી આવેલી કોઈપણ વેક્સિન આપણને સંક્રમણથી બચાવતી નથી, પરંતુ એ બીમારીને ગંભીર બનતાં અટકાવે છે, તેથી જ આ વેક્સિન જરૂરી છે. વેક્સિનેશન પછી પણ સંક્રમણનું જોખમ રહે છે અને વેક્સિન અપાયેલી વ્યક્તિ અન્યને પણ સંક્રમિત કરી શકે છે, તેથી માસ્ક પહેરવાનું પણ મહત્ત્વપૂર્ણ છે. અલબત્ત, આપણા દેશમાં ગીચ વસતિ અને ઘણા અભાવને કારણે યોગ્ય અંતર સંપૂર્ણપણે શક્ય નથી હોતું, પરંતુ માસ્ક પહેરીને અને હાથ સાફ રાખવાથી તમે સંક્રમણને નિયંત્રિત કરી શકો છો.

સવાલ: જીવન ક્યારે સામાન્ય બનશે?
જવાબ:
કોરોના વાયરસ હવે ક્યાંય જવાનો નથી, એ આપણા જીવનનો એક ભાગ છે. જ્યારે હર્ડ ઇમ્યુનિટી આવી જશે ત્યારે કેસ એટલા વધતા નથી. આ એક મોસમી બીમારી બની જશે, ત્યારે જ આપણે માસ્ક પહેરવામાંથી છુટકારો મળશે. આવું ક્યારે થશે એ બાબતે હમણાં કોઈ ટિપ્પણી કરી શકાય નથી.

સવાલ: લોકો કોવિડને લઈને સેકન્ડરી બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી ચિંતિત છે, તમે શું કહો છો?
જવાબ:
માત્ર બેક્ટેરિયલ જ નહીં, સેકન્ડરી ફંગલ ઇન્ફેક્શન પણ ચિંતાનો વિષય છે. મ્યુકોરમાઇકોસિસના વધતા જતા કેસો તેની તરફના સંકેત છે. બંને પ્રકારનાં ઇન્ફેક્શન ચિંતાનો વિષય છે અને આ માટે વ્યક્તિગત અને વહીવટી સ્તરે પણ મેનેજમેન્ટની જરૂર છે. લોકોએ ડોક્ટરના અભિપ્રાય વિના માઈલ્ડ ઇન્ફેકશન અને હોમ આઇસોલેશન દરમિયાન ડોકટરની સલાહ લીધા વિના જ સ્ટિરોઇડ્સ લીધું છે, જે ન થવું જોઈએ. ડોકટરો, તંત્ર અને લોકોએ સાવધાની રાખવી પડશે.

સવાલ: ડેલ્ટા પ્લસ વેરિયન્ટને 'વેરિયન્ટ્સ ઓફ કન્સર્ન' કહી શકાય?
જવાબ:
આલ્ફા વેરિયન્ટ પ્રથમ કોરોનાથી બમણો ઇન્ફેક્શિયસ હતો અને ડેલ્ટા પ્લસ એનાથી 50% વધુ, પરંતુ ડેલ્ટા પ્લસ બાબતે ટિપ્પણી કરવા માટે હજી વધુ ડેટા ઉપલબ્ધ નથી અને એ પણ જાણી શકાયું નથી કે એ કેટલો જોખમી છે, એટલા માટે 'વેરિયન્ટ્સ ઓફ કન્સર્ન' કહેવો યોગ્ય નથી.

સવાલ: બાળકોમાં સતત માનસિક સમસ્યાઓ વધી રહી છે, તમારું શું કહેવું છે?
જવાબ:
શાળાઓ બંધ છે અને બાળકોને બહાર જવાની મંજૂરી નથી, તેથી આ સમસ્યાઓ તેમનામાં વધી રહી છે. દરેકમાં માનસિક સમસ્યાઓ વધી છે. છેલ્લા કેટલાક દિવસોમાં મહામારીએ બધાના મન અને મગજ પર ખરાબ અસર પહોંચાડી છે, તેથી માનસિક સ્વાસ્થ્યની દિશામાં પણ કામ કરવું પડશે.

સવાલ: બીજી લહેરમાં ઓક્સિજનના અભાવથી તમે શું શીખ્યા?
જવાબ:
નવા ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે અને એવી વ્યવસ્થા છે કે આગામી વખતે એની કોઈ અછત ન પડે. આ ઉપરાંત દરેક ક્ષેત્રમાં આરોગ્ય સુવિધાઓનું સમાન વિતરણ હોવું જરૂરી છે. લોકોને ખબર હોવી જોઇએ કે બેડ ક્યાં ઉપલબ્ધ છે.

સવાલ: શું લોકો બેદરકારી દાખવી રહ્યા છે?
જવાબ:
વેક્સિનેશન વિશે લોકોમાં ભ્રમ, વેક્સિનની ઓછી ઉપલબ્ધતા, રજાઓ મનાવવા પર ઊમટી પડેલી લોકોની ભીડ, જેમાંથી કેટલાક લોકોએ જ માસ્ક પહેરેલાં હોય છે. એ ખતરનાક છે. આવા લોકો જ ટૂંક સમયમાં ત્રીજી લહેર લાવશે અને સાથે જ નવા વેરિયન્ટ માટેનું કારણ પણ બની શકે છે.

સવાલ: ત્રીજી લહેરને અટકાવવા માટે શું કરવું જોઈએ?
જવાબ:
એક પ્રયાસ વ્યક્તિગત સ્તરે છે કે તમારે આવા મોટા કાર્યક્રમો ન કરવા જોઈએ, ભીડ ન કરવી જોઈએ, જેનાથી સંક્રમણનું જોખમ વધી શકે છે. વેકસિન જરૂરથી મુકાવો. કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં આવે. બીજો પ્રયાસ વહીવટી સ્તરે છે. કડક દેખરેખ રાખવી ખૂબ જ જરૂરી છે.

જો એ વિસ્તારમાં લાગે છે કે 5%થી વધુ કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા છે, તો ત્યાં કડક પગલાં લેવા જોઈએ. મિની અને એકમાત્ર વિસ્તાર મુજબનું લોકડાઉન અને સંચાલન મેનેજમેન્ટ જરૂરી છે. જો ત્યાં ભીડ નહીં હોય તો તેમની વચ્ચે સંક્રમણ ફેલાવાનું કોઈ જોખમ રહેશે નહીં.