• Gujarati News
  • National
  • AIIMS Chief Speaks: Delta + Is Also An Alternative To Vaccine Mixing For Protection, It May Boost Immunity But Still Requires Research

ડેલ્ટા+ વેરિએન્ટ પર ગુડ ન્યૂઝ:AIIMSના ચીફ બોલ્યા- ડેલ્ટા+થી સુરક્ષા માટે વેક્સિન મિક્સિંગનો પણ વિકલ્પ, તેનાથી ઈમ્યુનિટી વધી શકે છે પરંતુ હજુ રિસર્ચ જરૂરી

નવી દિલ્હી4 મહિનો પહેલા

કોરોનાના વધુ એગ્રેસિવ ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ જેવા વેરિએન્ટ વિરૂદ્ધ લડવા માટે વેક્સિનનું મિક્સિંગ એક ઓપ્શન બની શકે છે. એવું કહેવું છે કે AIIMSના ચીફ ડૉ. રણદીપ ગુલેરિયાનું. તેઓએ કહ્યું કે આ નિશ્ચિત રીતે એક વિકલ્પ બની શકે છે, પરંતુ આ મુદ્દે કોઈ નિર્ણય પહેલાં અમને વધુ ડેટાની જરૂરિયાત છે.

ગત મહિને સરકારે પણ કહ્યું હતું કે તેઓ વેક્સિનના મિશ્રણના વિકલ્પ પર વિચારી રહ્યાં છે. નીતિ આયોગના સભ્ય વીકે પોલે કહ્યું હતું કે મ્યૂટેટેડ વેરિએન્ટથી સુરક્ષા અને વેક્સિનનું કવરેજ વધારવા માટે આપણે આ પગલું ઉઠાવી શકીએ છીએ. આ અંગેના ટેસ્ટના પરિણામ થોડાં મહિનામાં આવવાની આશા છે.

ન્યૂઝ વેબસાઈટ NDTV સાથે વાતચીત કરતા ડૉ. ગુલેરિયાએ કહ્યું હતું કે શરૂઆતના અભ્યાસ જણાવે છે કે વેક્સિનનું મિશ્રણ પણ એક વિકલ્પ હોય શકે છે, પરંતુ હજુ વધુ ડેટાની જરૂર છે. ક્યું કોમ્બિનેશન સારું હશે, તેના પર પણ હજુ રિસર્ચની જરૂરિયાત છે. પરંતુ હાં, તે નિશ્ચિત રીતે એક શક્યતા છે. વેક્સિનના મિશ્રણ પર બીજા દેશોમાં પણ પ્રયોગ કરવામાં આવી રહ્યાં છે.

ડેલ્ટા વિરૂદ્ધ સિંગલ ડોઝ પુરતો નથી- ગુલેરિયા
ડૉ. ગુલેરિયાએ કહ્યું કે ડેલ્ટા વેરિએન્ટ વિરૂદ્ધ સિંગલ ડોઝ લગભગ પુરતો નહીં હોય. રિસર્ચ પણ કહે છે કે સિંગલ ડોઝ 33 ટકા સુધી સુરક્ષા આપે છે. બંને ડોઝ આપવા પર 90 ટકા સુધી લોકો સુરક્ષિત થાય છે. ગુલેરિયાએ કહ્યું કે તે વાત અમારા માટે ચિંતાની વાત છે કે પહેલો ડોઝ ડેલ્ટા વેરિએન્ટ વિરૂદ્ધ લગભગ પુરતો નથી. એવામાં આપણે બીજો ડોઝ આપવાની જરૂરિયાત છે.

તેઓએ કહ્યું કે હાલ અમારી નજર ડેલ્ટા વેરિએન્ટના નવા સ્ટ્રેન પર છે. અમે ડેલ્ટા પ્લસ વેરિએન્ટને મોનિટર કરી રહ્યાં છીએ. હાલ ડેલ્ટા પ્લસ તેટલો પ્રભાવી નથી, પરંતુ ડેલ્ટા વેરિએન્ટ છે. આપણે ડેલ્ટ પ્લસ અંગે સતર્ક રહીને ટ્રેક કરવાની જરૂરિયાત છે. તેના જીનોમ સીક્વેન્સિંગની જરૂરિયાત છે કે જેથી ખ્યાલ આવી શકે કે આપણી વસ્તી પર કઈ રીતે અસર કરે છે.

વેક્સિન મિક્સિંગ પર બે રિપોર્ટ પબ્લિશ થયા

  • પહેલોઃ ધ લેન્સેટ જર્નલમાં ગત મહિને એક બ્રિટિશ સ્ટડી પબ્લિશ થયો હતો. જેમાં પહેલાં લોકોને એસ્ટ્રેજેનેકા એટલે કે કોવિશીલ્ડના ડોઝ આપવામાં આવ્યા. જે બાદ બીજો ડોઝ ફાઈઝરનો આપવામાં આવ્યો હતો. જેની થોડાં સમય માટે સાઈડ ઈફેક્ટ થઈ હતી, પરંતુ તે ઘણી જ સામાન્ય હતી. જો કે તે કેટલું અસરકારક રહ્યું તેના ડેટા આવવાના હજુ બાકી છે.
  • બીજોઃ આ પહેલાં સ્પેનમાં થયેલો અભ્યાસ પણ સામે આવ્યો હતો. જેમાં કોવિશીલ્ડ અને ફાઈઝરના ડોઝ મિક્સ કરવા પર તે સુરક્ષિત અને અસરકારક જોવા મળી હતી.

ત્રીજી લહેર બીજી લહેર જેટલી ખતરનાક હોવાની સંભાવના ઓછી- ગુલેરિયા
ડૉ. ગુલેરિયાએ કહ્યું કે ત્રીજી લહેરને લઈને દેશમાં ઘણી ચર્ચા જોવા મળી રહી છે કે થર્ડ વેવ બીજાથી પણ વધુ ખતરનાક હશે. મને લાગે છે કે આવનારી લહેર એટલી ખરાબ નહીં હોય. આપણે બીજી લહેરથી તે શીખી ગયા છીએ કે જો ત્રીજી લહેર આવે તો તેનો સામનો કઈ રીતે કરવો. ICMR અને UKના ઈમ્પીરિયલ કોલેજ લંડનના એક અભ્યાસ જણાવે છે કે થર્ડ વેવ ત્યારે વધુ ખરાબ સાબિત થશે, જ્યારે હાલ જોવા મળી રહેતી ઈમ્યુનિટી ઘણી જ ખરાબ સ્થિતિમાં પહોંચી જશે.

ડેલ્ટા પ્લસ વિરૂદ્ધ હાલની વેક્સિનને લઈને જાહેર કરવામાં આવેલી શંકાઓ પર ગુલેરિયાએ કહ્યું કે હજુ આપણે તેના વધુ ડેટાની જરૂરિયાત છે કે કઈ રીતે આ નવા વેરિએન્ટથી બચવાની ક્ષમતા ધરાવે છે. આ આશંકાઓથી હટીને સૌથી પહેલાં વેક્સિન લગાડવી જરૂરી છે. જો તમે વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે તો પણ તમે સંક્રમિત થઈ શકો છો પરંતુ તેની અસર એટલી ખરાબ નહીં હોય.

અન્ય સમાચારો પણ છે...