ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં એક વ્યક્તિએ ઘરના ત્રીજા માળેથી કૂદકો મારીને સુસાઇડ કરી લીધું છે. તે ઘરમાં એકલો હતો, ત્યારે તેણે આત્મહત્યા કરી લીધી હતી. એવું જણાવવામાં આવી રહ્યું છે કે તે યુવક છલાંગ લગાવતા પહેલા લોકો ઉપર પથરાં ફેંકતો હતો. આ પછી તે અગાશીએ 10 મિનિટ સુધી આમથી તેમ ફરતો રહ્યો હતો. અને પછી અચાનક તે કૂદી ગયો હતો.
સ્થાનિકો તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ડોકટરે જણાવ્યું હતું કે તે યુવકને માથામાં ઈજા પહોંચતા તેનું મોત થયું હતું. હાલ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે, અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટ માટે મોકલી દેવાયો છે.
કૂદ્યા પહેલા અગાસીના છજ્જાં પર બેઠો હતો
તે યુવકનો કૂદ્યા પહેલાનો વીડિયો નજીકમાં ઊભેલા એક વ્યક્તિએ બનાવી લીધો હતો. જેમાં દેખાઈ રહ્યું છે કે યુવક અગાસીના છજ્જાં પર બેઠો હતો અને પછી તે કૂદી ગયો હતો. છલાંગ માર્યા પછી તેનું માથું અનેક જગ્યાઓ પર ટકરાયું હતું.
'આજે હું મરી જઈશ, તમે લોકો જાઓ'
પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે યુવક કૂદતા પહેલા બૂમો પાડી રહ્યો હતો. તે બોલતો હતો કે 'હું આજે મરી જઈશ, તમે લોકો અહીંથી જાઓ. અમે તેને નીચે આવવાનું કહી રહ્યા હતા ત્યારે તે અમને ત્યાંથી જવાનું કહી રહ્યો હતો. કોઈ નજીક જતું હતું તો તેને પથરાં મારતો હતો.'
અંકિત જ્વેલરીની દુકાન ચલાવતો હતો
મૃતક યુવકનું નામ અંકિત શિવહરે છે. તેની ઉંમર 31 વર્ષ હતી. તેના ઘરની નજીક જ જ્વેલરીની દુકાન છે. હજુ તેના લગ્ન થયા નહોતા. યુવકે થોડા દિવસ પહેલા જ તેની માતાને ઘરમાંથી કાઢી મૂકી હતી. યુવકની માતા તેના બીજા પુત્ર સાથે રહે છે. અંકિત ઘરે એકલો જ રહેતો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે યુવક માનસિક રીતે બીમાર હતો. તેને આંચકી પણ આવતી હતી. દુકાન સારી ચાલતી નહોતી, એટલે તે ચિંતામાં રહેતો હતો.
2 વર્ષ પહેલા પણ આવું કર્યું હતું
અંકિતના પાડોશીઓએ જણાવ્યું હતું કે 'અંકિતે 2 વર્ષ પહેલા પણ આવું જ કર્યું હતું. પરંતુ પછીથી તે ઠીક થઈ ગયો હતો. પણ પાછલા થોડા દિવસોથી, તે ફરીથી વિચિત્ર પ્રવૃત્તિઓ કરી રહ્યો હતો. ક્યારેક કપડાં તો ક્યારેક પૈસા નીચે ફેંકી દેતો હતો. થોડા દિવસો પહેલા તેની માતા સાથે ઝઘડો પણ થયો હતો. પછી તેને બહાર કાઢી દીધી હતી.'
'બે દિવસ પહેલા પણ તેણે ઘરના ત્રીજા માળેથી અમારા પર પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં પડોશી નિલેશને પણ માથામાં ઈંટ વાગતાં ગંભીર ઈજા થઈ હતી. ત્યારપછી અમે પોલીસને આ અંગે જાણ કરી હતી. પોલીસે કહ્યું કે તેઓ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરશે. પરંતુ, તે પહેલા અંકિતે પોતાનો જીવ આપી દીધો હતો. જો પોલીસ તેને તે જ દિવસે પોતાની સાથે લઈ ગઈ હોત તો આજે તેનું મોત ના થાત.'
પોલીસે પરિવારજનોને જાણ કરી હતી
ઈન્સ્પેક્ટર પ્રદીપ કુમારે જણાવ્યું હતું કે યુવકના છત પરથી કૂદવાની માહિતી મળતાં જ અમે ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું. અમે પરિવારના સભ્યોને આ અંગે જાણ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.