ઝારખંડમાં જૈન તીર્થસ્થળ સમ્મેત શિખરને પર્યટન સ્થળ બનાવવાનો વિરોધ કરી રહેલા જૈન સાધુ સુજ્ઞેયસાગર મહારાજ મંગળવારે કાળધર્મ પામ્યા હતા. તેઓ ઝારખંડ સરકારના નિર્ણય સામે છેલ્લા 10 દિવસથી ઉપવાસ કરી રહ્યા હતા.
સુજ્ઞેયસાગર સાંગાનેરમાં 25 ડિસેમ્બરથી આમરણાંત ઉપવાસ પર હતા. મંગળવારે સવારે સાંગાનેર સાંઈજી મંદિરેથી તેમની ડોલયાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન આચાર્ય સુનીલસાગર સહિત મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો હાજર હતા. જૈન સાધુને જયપુરના સાંગાનેરમાં સમાધિ આપવામાં આવી છે.
ઝારખંડ સરકારે ગિરિડીહ જિલ્લામાં સ્થિત પારસનાથ ટેકરીને પર્યટન સ્થળ તરીકે જાહેર કર્યું છે. સમગ્ર દેશમાં જૈન સમાજના લોકો એનો વિરોધ કરી રહ્યા છે. પારસનાથ ટેકરી સમ્મેત શિખર તરીકે પ્રખ્યાત છે.
ઓલ ઈન્ડિયા જૈન બેન્કર્સ ફોરમના પ્રમુખ ભાગચંદ્ર જૈને જણાવ્યું હતું કે મુનિશ્રીએ સમ્મેત શિખરને બચાવવા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. તેઓ તેમની સાથે જોડાયેલા હતા.
જૈન મુનિ મહારાજ સુનીલસાગરે જણાવ્યું હતું કે પવિત્ર તીર્થ સમ્મેત શિખર આપણા માટે ગૌરવ સમાન છે. જ્યારે તેમને ખબર પડી કે સમ્મેત શિખરને પર્યટન સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે તેઓ તેના વિરોધમાં સતત ઉપવાસ પર હતા. રાજસ્થાનની આ ધરતી પર ધર્મને સમર્પિત કરનારાઓને અનુસરીને આજે મુનિ સમર્થસાગરે પણ અન્નકૂટની આહુતિ આપીને તીર્થધામને બચાવવાની પહેલ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.