તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Again A New Increase In Cases, 3.62 Lakh Patients Were Found In 24 Hours And 3.51 Lakh People Recovered; More Than 4 Thousand Deaths For The Second Day In A Row

મહામારી વચ્ચે શુભ સંકેત:20 રાજ્યોનાં પોઝિટિવિટી રેટમાં ઘટાડો નોંધાયો, 4 રાજ્યોમાં આ આંકડો 5%થી પણ ઓછો; રશિયાની વેક્સિન આગામી સપ્તાહથી માર્કેટમાં આવી શકે છે

નવી દિલ્હી3 મહિનો પહેલા
કોરોનાને પરિણામે મોટાભાગની પરીક્ષાઓ રદ થઈ ગઈ છે, તો કેટલીક સ્થગિત કરવામાં આવી છે - ફાઈલ ફોટો
  • છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 4 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો
  • બિહારમાં 10 દિવસ લંબાવાયુ લોકડાઉન; CM નીતીશે કહ્યું- લોકડાઉનથી પરિસ્થિતિ સુધરી રહી, માટે કર્યો વધારો

દેશભરમાં છેલ્લા કેટલાક દિવસોથી નવા સંક્રમિત કેસોનાં આંકમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. 20 રાજ્યો સહિત 187 જિલ્લામાં ગત 2 સપ્તાહથી પોઝિટિવ આવતા કેસમાં ઘટાડો નોંધાયો છે. આ સમગ્ર જાણકારી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલે આપી હતી.

આગ્રવાલે વધુમા જણાવ્યું હતું કે આમાં 24 રાજ્યો એવા છે, જ્યાં 15%થી વધુ પોઝિટિવ કેસ મળ્યા છે. જ્યારે 8 રાજ્યોમાં 5થી 15% વચ્ચે કેસ નોંધાયા છે, તો 4 રાજ્યો એવા છે જ્યાં 5%થી પણ ઓછો પોઝિટિવિટી રેટ જોવા મળ્યો છે. અગ્રવાલે કહ્યું હતું કે નવા સામે આવતા પોઝિટિવ કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જે સારા સંકેતો છે.

આગામી સપ્તાહથી માર્કેટમાં સ્પુતનિક વેક્સિન આવવાના એંધાણ
નીતિ આયોગનાં સભ્ય ડૉ. વી.કે. પૉલે જણાવ્યું હતું કે અગામી સપ્તાહ સુધીમાં રશિયાની સ્પુતનિક વેક્સિન માર્કેટમાં આવી શકે છે. રશિયાથી અત્યારે સપ્લાઈ ઓછી મળી રહી હતી, આગામી સપ્તાહથી આમા તેજી આવી શકે છે. પૉલે કહ્યું હતું કે દેશમાં અત્યારસુધી 17.72 કરોડ લોકોને વેક્સિનના ડોઝ અપાયા છે. અમેરિકામાં આ સંખ્યા 26 કરોડ છે, જ્યારે ચીન બીજા ક્રમાંક પર આવે છે.

બિહારમાં લોકડાઉન વધારાયું
બિહારમાં ચાલી રહેલા લોકડાઉનને આગામી 10 દિવસ માટે વધારવામાં આવ્યું છે. હવે 16 મેથી 25 મે સુધી લોકડાઉન ચાલુ રહેશે. મુખ્યમંત્રી નીતીશ કુમારે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી.
તેમણે કહ્યું છે કે આજે સાથીદારો, મંત્રીઓ અને અધિકારીઓ સાથે લોકડાઉનની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં લોકડાઉનની સકારાત્મક અસર જોવા મળી છે. તેથી, તેને લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી નીતિશકુમારે કહ્યું - રિકવરી રેટમાં પણ વધારો થયો
બીજી તરફ નીતીશે લોકોને કોરોના સામે એક થઈને લડવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે લોકડાઉનથી કોરોનાના સંક્રમણમાં ઘટાડો થઈ રહ્યો છે, રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે. આપણે બધાં સાથે મળીને કોરોનાને ચોક્કસ હરાવીશું. વિશ્વભરના લોકોની જેમ, આપણે પણ કોરોના સાથે સંઘર્ષ કરી રહ્યા છીએ. ગયા વર્ષે બિહારમાં કોરોનાથી લોકોને રાહત આપવા માટે અનેક પગલા લેવામાં આવ્યા હતા.

UPSCએ 27 જૂને યોજાનારી સિવિલ સર્વિસની પ્રી-પરીક્ષા મુલતવી રાખી
કોરોના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને UPSCએ 27 જૂને યોજાનારી સિવિલ સર્વિસની પ્રી-પરીક્ષા મુલતવી રાખી છે. હવે આ પરીક્ષા 10 ઓક્ટોબરના રોજ લેવામાં આવશે.

દેશમાં કોરોનાના કેસમાં છેલ્લા 24 કલાકમાં થોડો વધારો નોંધાયો છે. બુધવારે 3 લાખ 62 હજાર 389 નવા દર્દીઓ નોંધાયા હતા, 3 લાખ 51 હજાર 740 લોકો સાજા થયા હતા. છેલ્લા બે દિવસથી 3.50 લાખથી પણ ઓછા કેસ આવી રહ્યા હતા અને એ કરતાં વધુ લોકો સાજા થયા હતા. ગઇકાલે દેશમાં 4,127 લોકોનાં મોત થયાં. આ સતત બીજો દિવસ છે, જ્યારે કોરોનાને કારણે 4 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.

દેશમાં અત્યારસુધીમાં 2.37 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. આ જ રીતે કુલ 1.97 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં સરેરાશ 3 લાખથી વધુ લોકો સ્વસ્થ થઈ રહ્યા છે, તેથી આજે આ આંકડો 2 કરોડને પાર થઈ જશે. હાલમાં કુલ 37.06 લાખ લોકો સારવાર લઈ રહ્યા છે.

દેશમાં કોરોના મહામારીના આંકડા

છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યા: 3.62 લાખ

છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ: 4,127

છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થયા: 3.51 લાખ

અત્યારસુધીમાં કુલ કેસ: 2.37 કરોડ

અત્યારસુધી સાજા થયા: 1.97 કરોડ

અત્યારસુધીમાં કુલ મૃત્યુ: 2.57 લાખ

હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા: 37.22 લાખ

18 રાજ્યમાં લોકડાઉન જેવા પ્રતિબંધો
દેશનાં 18 રાજ્યોમાં સંપૂર્ણ લોકડાઉન જેવા પ્રતિબંધો છે. એમાં હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તામિલનાડુ, મિઝોરમ, ગોવા, તેલંગાણા અને પુડુચેરીનો સમાવેશ થાય છે. અગાઉના લોકડાઉનની જેવા જ કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

14 રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન
દેશનાં 14 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન છે, એટલે કે અહીં પ્રતિબંધો છે, પણ છૂટ પણ છે. આમાં પંજાબ, જમ્મુ અને કાશ્મીર, લદાખ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને ગુજરાત સામેલ છે.

કોરોનાં અપડેટ્સ

  • સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે બુધવારે કોરોના પોઝિટિવ થયા હતા. તેના સ્ટાફના એક કર્મચારીને પહેલા સંક્રમણ લાગ્યું હતું. જસ્ટિસ ચંદ્રચૂડ સતત ઘણા મહત્ત્વના કેસોની સુનાવણી કરી રહ્યા છે, જેમાં ચૂંટણી, કુંભ અને ઓક્સિજન સપ્લાઇ જેવા કેસો સામેલ છે. તેમણે સોમવારે પણ સુનાવણી કરી હતી.
  • બુધવારે મહારાષ્ટ્રમાં લોકડાઉન લંબાવવા પર દબાણ કરવા કેબિનેટની બેઠક મળી હતી, જેમાં આરોગ્ય વિભાગ અને મંત્રીઓએ લોકડાઉન 15 દિવસ વધારવાની દરખાસ્ત કરી હતી. આરોગ્યમંત્રી રાજેશ ટોપે બેઠક બાદ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આ અંગે અંતિમ નિર્ણય લેશે.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઓક્સિજન અને દવાઓની ઉપલબ્ધતા અને પુરવઠાની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. એમાં જણાવાયું છે કે સરકાર કોરોના ઉપરાંત મ્યૂકોરમાઈકોસિસની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતી દવાઓના સપ્લાઇ પર પણ નજર રાખી રહી છે.

મુખ્ય રાજ્યોની પરિસ્થિતિ

1. મહારાષ્ટ્ર
બુધવારે 46,781 લોકોને સંક્રમણ લાગ્યું હતુ. 58,805 લોકો સાજા થયા અને 816 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 52.26 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. આમાંથી 46 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 78,007 લોકો મૃત્યુ પામ્યા છે. 5.46 લાખ દર્દીઓ હાલમાં સારવાર લઈ રહ્યા છે.

2. ઉત્તરપ્રદેશ
મંગળવારે 20,445 લોકો પોઝિટિવ સામે આવ્યા હતા. 29,358 લોકો સાજા થયા અને 301 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 15.45 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે, તેમાંથી, 13.13 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 16,043 દર્દીએ જીવ ગુમાવ્યો હતો. અહીં 2.16 લાખ દર્દીની સારવાર કરવામાં આવી રહી છે.

3. દિલ્હી
દિલ્હીમાં બુધવારે 13,287 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 14,071 લોકો સાજા થયા અને 300 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 13.61 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાં 12.58 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 20,310 દર્દી મૃત્યુ પામ્યા છે. અહીં 82,725ની સારવાર કરવામાં આવી રહી છે.

4. છત્તીસગઢ
બુધવારે 10,150 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતું. 9,035 લોકો સ્વસ્થ થયા અને 153 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 8.83 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે, તેમાંથી 7.49 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 11,094 દર્દી મૃત્યુ પામ્યા છે. 1.22 લાખ દર્દીની સારવાર ચાલી રહી છે.

5. ગુજરાત
રાજ્યમાં બુધવારે 11,017 લોકો પોઝિટિવ સામે આવ્યા હતા. 15,264 લોકો સ્વસ્થ થયા અને 102 લોકો મૃત્યુ પામ્યા. આજ સુધીમાં 7.03 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 5.63 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 8,629 દર્દી મૃત્યુ પામ્યા છે. અહીં 1.31 લાખ દર્દી સારવાર લઈ રહ્યા છે.

6. મધ્યપ્રદેશ
બુધવારે રાજ્યના 8,970 લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. 10,324 લોકો સાજા થયા અને 84 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 7 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે, તેમાંથી 5.83 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 6,679 લોકોનાં મોત નીપજ્યાં છે. અહીં 1.09 લાખ દર્દી સારવાર લઈ રહ્યા છે.