દેશમાં કોરોનાની સ્પીડ ઝડપથી વધી રહી છે. ઓમિક્રોન વેરિયન્ટને કારણે સંક્રમણ ફેલાવવાનો ખતરો વધી ગયો છે. તેમ છતાં જોરશોરથી ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં રેલીઓ થઈ રહી છે. આ રેલીઓમાં લાખોની સંખ્યામાં લોકો એકઠાં થઈ રહ્યાં છે. જેને લઈને ચૂંટણી પંચ સમક્ષ કેટલાંક રાજકીય પક્ષોએ પણ ચિંતા દાખવી છે. આ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે પણ એવું નિવેદન આપ્યું છે જેના કારણે ચર્ચાઓ થવા લાગી છે કે ચૂંટણી રેલી પર પ્રતિબંધ લાગી શકે છે.
ચૂંટણી પંચે ગુરૂવારે લખનઉમાં પ્રેસ કોન્ફરન્સ કરી. પંચે જણાવ્યું કે આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ પંચને કહ્યું કે ચૂંટણી સમયસર થવી જોઈએ. જો કે કેટલાંક રાજકીય પક્ષોએ કોરોનાના ખતરા વચ્ચે ચૂંટણી રેલીઓને લઈને ચિંતા પણ વ્યક્ત કરી છે. આ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહનું એક નિવેદન ચર્ચામાં છે. જેને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ટૂંક સમયમાં જ ચૂંટણી રેલીઓ પર રોક લાગી શકે છે.
સપા-બસપા પર શાહે નિશાન સાધ્યું
અમિત શાહે ગુરૂવારે મુરાદાબાદ, અલીગઢ અને ઉન્નાવમાં ચૂંટણી રેલી સંબોધિત કરી. આ દરમિયાન તેઓએ સપા અને બસપા પર નિશાન સાધતા કહ્યું કે, 'વિકાસ તો બબુઆથી ન થઈ શકે અને ફઈ તો ઠંડીના કારણે હજુ સુધી બહારે જ નથી નીકળ્યા. અરે.. બહેનજી ચૂંટણીના મેદાનમાં આવી જાવ પછી ન કહેતા કે ચૂંટણી પ્રચાર ન કરવા દીધો. આ ફઈ-ભત્રીજો અને બહેન ત્રણેય મળીને એકસાથે પણ આવે તો ભાજપના કાર્યકર્તા સામે ન જીતી શકે.'
શાહના નિવેદનનો અર્થ શું?
રાજકીય વિશ્લેષકના મતે 'શાહે પોતાના નિવેદનના અંતે બહેનજી એટલે કે માયાવતીને સંબોધન કરીને કહ્યું કે, ચૂંટણી મેદાનમાં આવી જાવ પછી ન કહેતા કે પ્રચાર કરવા ન દીધો. આ એક પ્રકારના સંકેત હોય શકે છે કે આગામી દિવસોમાં રેલીઓને લઈને કોઈ મોટો નિર્ણય આવી શકે છે.'
ભાજપની સૌથી વધુ રેલીઓ થઈ રહી છે
હાલ ભાજપ સૌથી વધુ રેલીઓ કરે છે. વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, બંને ડેપ્યુટી CM સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ ચૂંટણી યાત્રા પર છે. આટલી રેલીઓ ત્યારે થઈ રહી છે કે જ્યારે ચૂંટણી પંચે હજુ સુધી ચૂંટણીની તારીખ જ જાહેર કરી નથી. એવામાં સ્પષ્ટ છે કે રેલીઓ પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ લાગે તે પહેલાં ભાજપ વધુને વધુ રેલીઓ કરી લેવા માગે છે.
ભાજપ પછી સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના નેતા પણ ચૂંટણીને લઈને ઘણાં જ સતર્ક છે. સમાજવાદી પાર્ટીના ચીફ અખિલેશ યાદવ પોતે દરરોજ ચૂંટણી સભા કરી રહ્યાં છે. આ ઉપરાંત સપાના અન્ય મોટા નેતાઓ પણ રેલીઓ કરી રહ્યાં છે. આ રીતે જ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ ચૂંટણી રેલીઓ અને મેરાથનો કરી રહ્યાં છે. પ્રિયંકા પણ સતત સભાઓને સંબોધી રહ્યાં છે.
માયાવતી હજુ કરે છે સમીક્ષા
ભાજપ, સપા, કોંગ્રેસ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરે છે. જો કે બસપા હજુ ચૂંટણી મેદાનમાં નથી ઉતર્યું. લગભગ ત્રણ મહિના પહેલાં બ્રાહ્મણ સંમેલન કરીને બસપાએ ચૂંટણી સભા કરી હતી પરંતુ જે બાદ ગાયબ જ થઈ ગયા.
જો કે 23 ડિસેમ્બરે બસપા સુપ્રીમો માયાવતીએ પ્રેસ નોટ જાહેર કરી પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. માયાવતીએ કહ્યું હતું કે યોગ્ય સમયે બધું ખ્યાલ આવી જશે. તેઓએ વિપક્ષ પર પલટવાર પણ કર્યો અને કહ્યું- જે લોકો રેલીઓ કરી રહ્યાં છે, આમતેમ ફરી રહ્યાં છે તેઓ બેચેન છે. તેઓ ડરી રહ્યાં છે કે શું ફરીથી પાવરમાં આવવું છે કે નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.