કૉંગ્રેસ-અધ્યક્ષની રેસમાં હવે 4 નામ:ગેહલોત-થરૂર પછી મનીષ તિવારીની ચર્ચા, દિગ્વિજય સિંહ પણ સોનિયા ગાંધીને મળશે

5 દિવસ પહેલા

હવે કૉંગ્રેસ પ્રમુખની ચૂંટણી માટે ઉમેદવારોની સંખ્યા વધવા લાગી છે. પહેલા એવું લાગતું હતું કે રાહુલ ગાંધીના નામ પર સહમતી થશે, પરંતુ શશિ થરૂર અને બાદમાં અશોક ગેહલોત ચૂંટણી લડશે તેવી ચર્ચાઓ વચ્ચે હવે બે પૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ કેન્દ્રીય મંત્રી સહિત ત્રણ નવા નામ સામે આવી રહ્યા છે, જેમાં મધ્યપ્રદેશના પૂર્વ CM કમલનાથ, દિગ્વિજય સિંહ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારીનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિગ્વિજય સિંહ દિલ્હીમાં પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને મળી શકે છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં પોતાને દાવેદાર પણ ગણાવ્યા હતા. મધ્યપ્રદેશના પૂર્વ CM કમલનાથનું નામ પણ ચર્ચામાં હતું. પરંતુ સૂત્રોએ ભાસ્કરને જણાવ્યું કે તેમની 30 સપ્ટેમ્બર સુધી દિલ્હી જવાની કોઈ યોજના નથી.

બીજી તરફ મનીષ તિવારીના નજીકના સૂત્રોએ જણાવ્યું કે તેઓ પાર્ટીના સ્ટેટ ડેલિગેટ્સને મળવા તેમના મતવિસ્તારમાં ગયા હતા. આ રાજ્ય પ્રતિનિધિઓ ચૂંટણીમાં મતદારો છે. પ્રદેશ કૉંગ્રેસ સમિતિની ચૂંટણી લડવા પ્રમુખ પદ માટેના દરેક ઉમેદવારને 10 પ્રતિનિધિઓની જરૂર હોય છે. આ પ્રતિનિધિઓ ઉમેદવારના નામનો પ્રસ્તાવ મૂકે છે.

હવે આ ચાર ચહેરાને જાણી લો

1. G-23 ગ્રુપનો ભાગ છે મનીષ તિવારી

મનીષ તિવારી 5 વર્ષ NSUI અને 2 વર્ષ યૂથ કૉંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે.
મનીષ તિવારી 5 વર્ષ NSUI અને 2 વર્ષ યૂથ કૉંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે.

મનીષ તિવારી કોંગ્રેસના G-23 ગ્રુપનો ભાગ છે, જેમણે સોનિયા ગાંધીને પત્ર લખીને પાર્ટીમાં સુધારાની માંગ કરી હતી. આ વર્ષે 26 ઓગસ્ટના રોજ G-23 ગ્રુપના સભ્ય ગુલામ નબી આઝાદે કૉંગ્રેસની સંગઠનાત્મક ચૂંટણી પ્રક્રિયાને એક નાટક ગણાવીને રાજીનામું આપ્યું હતું. તિવારી પંજાબની શ્રી આનંદપુર લોકસભા બેઠક પરથી સાંસદ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તિવારી 24 સપ્ટેમ્બરે દિલ્હી જશે. દિલ્હીમાં જ તેઓ પોતાના સમર્થકો સાથે ચર્ચા કરશે. ત્યારબાદ ચૂંટણી લડવા મુદ્દે નિર્ણય લેવામાં આવશે. તિવારી 5 વર્ષ NSUI અને 2 વર્ષ યુથ કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.

2.AICCના મહાસચિવ રહી ચૂક્યા છે દિગ્વિજય સિંહ

રાજ્યસભા સાંસદ અને મધ્યપ્રદેશના પૂર્વ સીએમ દિગ્વિજય સિંહ ઓલ ઈન્ડિયા કૉંગ્રેસ કમેટી (AICC)ના મહાસચિવ રહી ચૂક્યા છે. ઉપરાંત મધ્યપ્રદેશ કૉંગ્રેસ કમેટીના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. બુધવારે NDTVને આપેલા એક ઇન્ટરવ્યુમાં દિગ્વિજય સિંહે રાહુલ ગાંધીને અધ્યક્ષ પદ સંભાળવાની અપીલ કરી હતી.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ રાહુલ સિવાય અશોક ગેહલોત કે શશિ થરૂરને નેતૃત્વની ભૂમિકામાં પસંદ કરશે, તો દિગ્વિજય સિંહે કહ્યું- ચાલો જોઈએ. હું પોતાને બરતરફ પણ નથી કરતો, તમે મને કેમ બહાર રાખવા માંગો છો? દિગ્વિજયે કહ્યું કે દરેકને ચૂંટણી લડવાનો અધિકાર છે. તમને 30મીએ સાંજ સુધીમાં જવાબ મળી જશે.

3. AIPCના ચેરમેન છે શશિ થરૂર

પૂર્વ કેન્દ્રીય મંત્રી શશિ થરૂર કેરળના તિરુઅનંતપુરમથી લોકસભાના સાંસદ છે. તેઓ ઓલ ઈન્ડિયા પ્રોફેશનલ કૉંગ્રેસના અધ્યક્ષ પણ છે. તેઓ કૉંગ્રેસના G-23 નેતાઓમાંથી એક છે. 19 સપ્ટેમ્બરે કૉંગ્રેસના સાંસદ શશિ થરૂરે પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે સોનિયા પાસે ચૂંટણી લડવા માટે પરવાનગી માંગી હતી.

જો કે,સોનિયાએ તેમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ચૂંટણી લડવાનો નિર્ણય તમારો છે. એટલે કે આ તમારો કોલ છે, પાર્ટીની ચૂંટણી પ્રક્રિયા નક્કી કરેલા નિયમો પ્રમાણે થશે. આમાં દરેકને સમાન અધિકાર છે. થરૂર સવારે કોંગ્રેસ મુખ્યાલય પહોંચ્યા અને સેંટ્રલ ઇલેક્શન ઓથોરિટી સાથે મુલાકાત કરી હતી.

4. અધ્યક્ષપદની રેસમાં ગેહલોત સૌથી આગળ

અધ્યક્ષ પદની રેસમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનું નામ સૌથી આગળ છે. આ સંદર્ભે તેમણે બુધવારે સાંજે કૉંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે બે કલાક સુધી વાત કરી હતી. જો કે બંને વચ્ચે શું વાતચીત થઈ તે જાણી શકાયું નથી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સોનિયાએ માત્ર એટલું જ કહ્યું કે તે પાર્ટી અધ્યક્ષ પદ માટે આ ચૂંટણીમાં કોઈની તરફેણ કરશે નહીં.

સીએમ અને અધ્યક્ષ બંને હોદ્દા પર હોવાના સવાલ પર ગેહલોતે કહ્યું કે સમય જ બતાવશે કે હું ક્યાં રહીશ, ક્યાં નહીં. એક પદ, એક વ્યક્તિની ફોર્મ્યુલા પર તેમણે કહ્યું કે મારી ઈચ્છા તો કોઈ પદ પર રહેવાની નથી, કારણ કે મેં ઘણા પદો સંભાળ્યા છે. મારી હાજરીથી પાર્ટીને ફાયદો થવો જોઈએ, કોંગ્રેસ મજબૂત હોવી જોઈએ, હું આ જ ઈચ્છું છું.

ચૂંટણી માટે નોટિફિકેશન જાહેર
કૉંગ્રેસ ચૂંટણી કમેટીના ચેરમેન મધુસૂદન મિસ્ત્રીએ અધ્યક્ષની ચૂંટણી માટે ગુરૂવારે નોટિફિકેશન જાહેર કર્યું. ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા 24થી 30 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. 1 ઓક્ટોબરના રોજ નામાંકનોની ચકાસણી કરવામાં આવશે અને તે જ દિવસે માન્ય ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવશે.
ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર છે. જો કોંગ્રેસના એકથી વધુ નેતા ઉમેદવારી નોંધાવશે તો 17 ઓક્ટોબરે મતદાન થશે અને 19 ઓક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે.

રાહુલે કહ્યુ- મારૂં કામ RSS અને ભાજપની વિધારધારા ખતમ કરવાનું

ભારત જોડો યાત્રા પર નીકળેલા રાહુલે કોચીમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જ્યારે પત્રકારોએ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડવાનો પ્રશ્ન પૂછ્યો તો રાહુલે જવાબ આપ્યો- હું એ જ કહીશ જે અગાઉની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું. મારું સ્ટેન્ડ ક્લિયર છે. જે પણ થશે ટૂંક સમયમાં બધાને ખબર પડશે. મારું કામ ભાજપ અને આરએસએસની વિચારધારાને ખતમ કરવાનું છે.

ભારત જોડો યાત્રા યુપીમાં માત્ર એક દિવસ રોકાવાના પ્રશ્ન પર તેમણે કહ્યું- અમે બિહાર, ગુજરાત, બંગાળ પણ નથી ગયા. અમારા પ્રવાસનો હેતુ ભારતના એક છેડાથી બીજા છેડા સુધીનો પ્રવાસ કરવાનો છે. અમારી પાસે યુપી માટે વિઝન છે.

રાહુલે પત્રકારને પૂછ્યું, તમને પણ નવા માલિક મળી ગયા

​​​​​​​​​​​​​​પ્રેસ-કોન્ફરન્સમાં એક મીડિયા ગ્રુપના પત્રકારના સવાલ પર રાહુલે મજાકમાં કહ્યું- તમને પણ નવા માલિક મળી ગયા છે. હવે વિચારો કે આ વેપારીઓ કેટલા દૂર છે. તેઓ પત્રકારત્વની વિચારધારા પર પણ કબજો જમાવી રહ્યા છે. તેમણે કહ્યું- દેશમાં એક જ નેતા છે, જે મીડિયાના સવાલો ટાળે છે અને પ્રેસ કોન્ફરન્સ પણ નથી કરતા.

શું કૌટુંબિક પરંપરા બદલાશે?
જો ગેહલોત અને થરૂર ચૂંટણી લડશે તો 24 વર્ષમાં પહેલીવાર એવું બનશે કે ગાંધી પરિવાર સિવાય કોઈ અન્ય ઉમેદવાર મેદાનમાં હશે. વર્ષ 1997માં કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ત્રણ દિગ્ગજો મેદાનમાં હતા. સીતારામ કેસરી, શરદ પંવાર અને રાજેશ પાયલટ. ત્રણેય વચ્ચેની લડાઈ કોંગ્રેસના ઈતિહાસમાં સૌથી રસપ્રદ કિસ્સાઓમાંથી એક માનવામાં આવે છે.

આઝાદી બાદથી ગાંધી-નેહરુ પરિવારનું કોંગ્રેસ પક્ષ પર વર્ચસ્વ રહ્યું છે. એ વાત પણ સાચી છે કે 40 વર્ષમાં માત્ર બે વખત જ અધ્યક્ષ પદ માટે ચૂંટણી થઈ છે.

છેલ્લી ચૂંટણી 22 વર્ષ પહેલાં યોજાઈ હતી
કોંગ્રેસના પ્રમુખ પદ માટે વર્ષ 2000માં ચૂંટણી યોજાઈ હતી. ત્યારે સોનિયા ગાંધીની સામે જિતેન્દ્ર પ્રસાદ હતા. સોનિયા ગાંધીને લગભગ 7448 વોટ મળ્યા, પરંતુ જિતેન્દ્ર પ્રસાદને માત્ર 94 વોટ મળ્યા હતા. 2000માં સોનિયા ગાંધી પ્રમુખ બન્યા ત્યારથી ગાંધી પરિવારે કોઈ પડકાર નથી મળ્યો.

રાહુલ ગાંધી 2017થી 2019 સુધી અધ્યક્ષ પદ પર રહ્યા.સોનિયા ગાંધીનો કાર્યકાળ 1998થી 2017 સુધી ચાલ્યો હતો. વર્ષ 2019માં રાહુલ ગાંધીના રાજીનામા પછી સોનિયા ગાંધી ફરી એક વખત વચગાળાના પ્રમુખ બન્યા અને અત્યાર સુધી પદ પર છે.

વધુ ઉમેદવારો હશે તો ચૂંટણી યોજાશે
કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી પ્રદેશ કોંગ્રેસ કમિટીના 9000 જેટલા પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવશે. કોંગ્રેસ વર્કિંગ કમિટીના 23 સભ્યોમાંથી 12 સભ્યો ચૂંટાશે, જ્યારે 11 નોમિનેટ કરવામાં આવશે. જો કોંગ્રેસ વર્કિંગ કમિટીના ચૂંટાયેલા 12 સભ્યો માટે વધુ ઉમેદવારો હશે તો તેમના માટે પણ ચૂંટણી યોજાશે, જો કે 23 નામો પર સર્વસંમતિ થશે તો ચૂંટણી નહીં થાય. કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી પૂર્ણ થયા બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યોની પસંદગી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...