• Gujarati News
  • National
  • After Bihar, Owaisi's Party Will Now Benefit The BJP In Bengal As Well Exclusive Story In Bhaskar

ભાસ્કર એક્સપ્લેનર:'વોટકટવા' ઓવૈસીની પાર્ટી બિહાર પછી હવે બંગાળમાં પણ મોદીને ફાયદો કરાવશે, આવું છે બંગાળમાં મુસ્લિમ વોટનું ગણિત

એક વર્ષ પહેલાલેખક: ધૈવત ત્રિવેદી
  • કૉપી લિંક
  • બિહારના સીમાંચલ ક્ષેત્રમાં ઓવૈસીની પાર્ટીએ 15 બેઠક પર મહાગઠબંધનનું ગણિત બગાડ્યું હતું, વિપક્ષો તેમને ભાજપની B ટીમ ગણાવે છે
  • બંગાળમાં 27 ટકા જેટલા મુસ્લિમો છે અને બિહારની સરહદને સ્પર્શતા વિસ્તારોમાં ઓવૈસીએ અત્યારથી જ વર્ચસ્વ ઊભું કરવા માંડ્યું છે

બિહારમાં ભલે પાતળી સરસાઈથી, પરંતુ આખરે NDA સત્તા વાપસી કરવામાં સફળ રહ્યું છે. એ માટે મોદીના કરિશ્મા અને નીતીશનાં વિકાસકાર્યોને શ્રેય અપાય છે, પરંતુ પડદા પાછળની રાજનીતિમાં વિપક્ષો એ શ્રેય અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મિજલસ-એ-ઈત્તિહાદ-ઉલ-મુસલમિન (AIMIM)ને આપી રહ્યા છે. ચૂંટણીપરિણામ પછી કોંગ્રેસે ફરી એકવાર ઓવૈસીને 'વોટકટવા' કહ્યા છે, કારણ કે બિહારના સીમાંચલ ક્ષેત્રના મુસ્લિમ પ્રભાવી વિસ્તારમાં ઓવૈસીએ 20 બેઠક પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા એ પૈકી 5 બેઠક જીતવામાં તે સફળ રહ્યા છે, જ્યારે વધુ 10 બેઠક પર તેમના ઉમેદવારોએ RJDના પરાજિત ઉમેદવારના માર્જિન કરતાં વધુ મત મેળવ્યા છે. હવે ઓવૈસી પોતાની 'વોટકટવા' ઈમેજ આગામી એપ્રિલ-મેમાં યોજાનારી પ. બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં પણ આગળ વધારે એવી પૂરી શક્યતા છે.

કુખ્યાત રઝાકારોના વારસદાર
હૈદરાબાદનો ઓવૈસી પરિવાર ત્રણ પેઢીથી રાજનીતિમાં છે. અસદુદ્દીન ઓવૈસીના દાદા અબ્દુલ વાહિદ ઓવૈસી આઝાદી પૂર્વે નિઝામના કાનૂની સલાહકાર હતા અને નિઝામના કમાન્ડર કાસિમ રીઝવીની આગેવાની હેઠળ રચાયેલા રઝાકાર સંગઠનના નેતા હતા. હૈદરાબાદના ભારત સાથેના જોડાણનો વિરોધ કરી રહેલા રઝાકારોએ ભારે હિંસક દેખાવો કરીને ડરનો માહોલ ઊભો કર્યો હતો. સરદાર પટેલે બળપૂર્વક હૈદરાબાદનું ભારતમાં વિલીનીકરણ કર્યું એ પછી કાસિમ રીઝવીને જેલભેગો કરવામાં આવ્યો હતો. બાદમાં પાકિસ્તાન જતા રહેવાની શરતે રીઝવીનો છુટકારો થયો હતો. એ વખતે રીઝવીએ પોતાના પક્ષ ઈત્તિહાદ-ઉલ-મુસલમિનનું સુકાન અબ્દુલ વાહિદ ઓવૈસીને સોંપ્યું હતું. અબ્દુલ વાહિદ પછી તેમના પુત્ર (અને અસદુદ્દીન ઓવૈસીના પિતા) સલાહુદ્દીન આંધ્રપ્રદેશના ધારાસભ્ય પણ બન્યા હતા.

સલાહુદ્દીન ઓવૈસી ઈન્દિરા ગાંધી સાથે ઘરોબો ધરાવતા હતા, પરંતુ તેમના પુત્ર અસદુદ્દીન કોંગ્રેસને દુશ્મન ગણે છે.
સલાહુદ્દીન ઓવૈસી ઈન્દિરા ગાંધી સાથે ઘરોબો ધરાવતા હતા, પરંતુ તેમના પુત્ર અસદુદ્દીન કોંગ્રેસને દુશ્મન ગણે છે.

અસદુદ્દીનની વિશિષ્ટ રાજનીતિ
ઈત્તિહાદ ઉલ મુસલમિનની ધૂરા સંભાળ્યા પછી છેલ્લાં 10 વર્ષથી અસદુદ્દીન ઓવૈસીએ રાષ્ટ્રીય ફલક પર નજર દોડાવી છે અને મુસ્લિમોના મસિહા તરીકેની છાપ ઊભી કરવા પ્રયત્નશીલ છે. સ્ફોટક વિધાનો અને તોફાની નિવેદનો માટે જાણીતા ઓવૈસીનાં વાણી-વર્તન અને વિચાર આડકતરી રીતે હિન્દુ મતદારોનું ભાજપ તરફ ધ્રુવીકરણ કરવામાં નિમિત્ત બનતા હોવાથી કોંગ્રેસ સહિતના વિપક્ષો તેમને શંકાની નજરે જુએ છે અને ભાજપના ઈશારે વિવાદાસ્પદ રાજનીતિ કરતા હોવાનો આરોપ મૂકતા રહે છે. ઓવૈસીએ અગાઉ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પણ ઉમેદવારો ઊભા રાખ્યા હતા અને એ દરેક બેઠકો પર મુસ્લિમ મતદારોના મત વહેંચાઈ જવાથી છેવટે ભાજપને ફાયદો થયો હતો.

ઓવૈસી બ્રધર્સની અલગ અલગ ભૂમિકા
સલાહુદ્દીન ઓવૈસીના ત્રણ પુત્રો છેઃ અસદુદ્દીન, અકબરુદ્દીન અને બુરહાનુદ્દીન. એ પૈકી અસદુદ્દીન ઓવૈસી પાર્ટીના અધ્યક્ષ તરીકે રાષ્ટ્રીય રાજનીતિમાં પોતાની સ્ટ્રેટેજી આગળ વધારવાની જવાબદારી સંભાળે છે. વચેટભાઈ અકબરુદ્દીન તેલંગણા અને આંધ્રપ્રદેશની રાજનીતિમાં પક્ષનો પરંપરાગત જનાધાર વધારવાની જવાબદારીમાં છે. આરંભે અકબરુદ્દીન તેનાં અત્યંત જલદ વિધાનો અને વલણ માટે દેશભરમાં ચર્ચાસ્પદ બન્યા હતા. એ પછી અસદુદ્દીને પક્ષનું સુકાન સંભાળીને અકબરને પ્રાંતીય રાજનીતિ પૂરતા સીમિત કરી દીધા છે. સૌથી નાનાભાઈ બુરહાનુદ્દીન ઈત્તમાદ નામનું પક્ષનું મુખપત્ર સંભાળવા ઉપરાંત દેશભરના પ્રસાર માધ્યમો સાથે સંપર્ક રાખે છે જેથી ઈત્તિહાદ ઉલ મુસલમિનનો દૃષ્ટિકોણ દેશભરના મુસ્લિમો સુધી સતત પહોંચતો રહે.

ઓવૈસી બ્રધર્સ પૈકી દરેકની ભૂમિકા અને રણનીતિ એકદમ સ્પષ્ટ હોય છે.
ઓવૈસી બ્રધર્સ પૈકી દરેકની ભૂમિકા અને રણનીતિ એકદમ સ્પષ્ટ હોય છે.

બિહાર ઓવૈસીની સેમી ફાઈનલ
બિહારમાં મુસ્લિમ મતદારોની નોંધપાત્ર સંખ્યા ધરાવતી લગભગ 60 બેઠકો છે, પરંતુ ઓવૈસીએ બહુ ગણતરીપૂર્વક ફક્ત સીમાંચલ ક્ષેત્રની 20 બેઠકો પર જ ઉમેદવારો ઊભા રાખ્યા હતા. બિહારનો પૂર્વ છેડાનો આ વિસ્તાર બંગાળને સ્પર્શે છે. બિહારના કિશનગંજ અને બંગાળના ઈસ્લામપુર વચ્ચે પૂરા દોઢસો કિલોમીટરનું જ અંતર છે. બિહારની માંફક બંગાળના દિનાજપુર (ઉત્તર અને દક્ષિણ), માલદા વ. વિસ્તારોમાં મુસ્લિમ વસ્તી 50 ટકા કે એથી વધુ છે. બિહારના સીમાંચલમાં સાખ જમાવ્યા પછી ઓવૈસીનું ખરું નિશાન બંગાળનો આ વિસ્તાર હોય તેવી સંભાવના નકારી શકાય નહિ.

અસદુદ્દીન ઓવૈસીએ યુવા અવસ્થાથી જ પિતા પાસેથી રાજનીતિના પાઠ શીખવાના શરૂ કરી દીધા હતા.
અસદુદ્દીન ઓવૈસીએ યુવા અવસ્થાથી જ પિતા પાસેથી રાજનીતિના પાઠ શીખવાના શરૂ કરી દીધા હતા.

બંગાળમાં કાંટો કી ટક્કર
પ. બંગાળમાં ભાજપનો જનાધાર સતત વધતો જાય છે એ તો સ્વયં મમતા બેનર્જી પણ નકારી શકે તેમ નથી. 2014માં લોકસભાની ચૂંટણીમાં દેશભરમાં મોદીવેવ છતાં ભાજપને બંગાળમાં ફક્ત 2 જ બેઠકો મળી હતી. એ પછી અમિત શાહના નેતૃત્વ હેઠળ ભાજપે બંગાળ પર ફોકસ વધાર્યું તો 2016ની વિધાનસભાની ચૂંટણીમાં 10.16 ટકા મત મળ્યા અને ફક્ત 3 જ બેઠક પર તેના ઉમેદવારો જીત્યા. પરંતુ એકધારી મહેનત આખરે 2019માં રંગ લાવી અને લોકસભાની 18 બેઠકો અંકે કરવામાં સફળતા મળી. એ ચૂંટણીમાં ભાજપને 2.30 કરોડ મત મળ્યા હતા, જે તૃણમૂલ કરતાં ફક્ત 17 લાખ ઓછા હતા. હવે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પૂરી તાકાતથી ઝુકાવીને બંગાળની સત્તા હાંસલ કરવા તત્પર છે ત્યારે તેની રણનીતિ અને મુદ્દાઓ પણ તૈયાર જ છે.

મુસ્લિમ વોટનું ગણિત
બંગાળમાં 27 ટકા મુસ્લિમો છે, જે દેશભરમાં ટોપ ફાઈવમાં સ્થાન પામે છે. અહીં બાંગ્લાદેશી ઘુસણખોરોની સમસ્યા પણ વ્યાપક અને વકરેલી છે. બંગાળી મુસ્લિમો અગાઉ ડાબેરી અને કોંગ્રેસની વોટબેન્ક મનાતા હતા. આ બંને પક્ષોના ધોવાણ પછી મુસ્લિમ મતદારોનો ઝૂકાવ મમતા તરફ રહ્યો છે અને મમતાની પ્રચંડ જીતનું કારણ પણ મુસ્લિમ વોટબેન્ક છે. મમતાએ પણ આ વોટબેન્ક જાળવી રાખવા માટે લઘુમતિ રિઝે તેવી યોજનાઓ, શિક્ષણ, આરોગ્ય, વીજબિલમાં રાહત સહિતના પગલાંઓ ભર્યા છે. આ દરેક બાબતો એવી છે જેને ભાજપ મુદ્દો બનાવીને હિન્દુ મતદારોનું ધ્રુવીકરણ કરી શકે છે. દિનાજપુર, ઈસ્લામપુર, શૂજાપુર, હબીબપૂર, ઈંગ્લિશબઝાર વ. વિસ્તારોમાં હિન્દુ-મુસ્લિમ વૈમનસ્યના બનાવો છેલ્લાં કેટલાંક વર્ષોમાં સતત વધી રહ્યા છે. આ સંજોગોમાં અહીં ઓવૈસી તેની કાયમી સ્ટ્રેટેજી મુજબ સ્ફોટક વિધાનો કરે તો હિન્દુ મતદારોનું ભાજપતરફે ધ્રુવીકરણ થવું જરાય મુશ્કેલ નહિ હોય.

ધ્રુવીકરણ અને વિભાગીકરણની રાજનીતિ
બંગાળની ચૂંટણીમાં ભાજપ આ બે સ્ટ્રેટેજી અપનાવે એ નિશ્ચિત છે. પોતાના સમર્થક મતદારોનું ધ્રુવીકરણ થાય અને તૃણમૂલના સમર્થકો વિવિધ પક્ષોના ઉમેદવારો વચ્ચે વહેંચાઈ જાય. ઓવૈસીની પાર્ટી આ દિશામાં મહત્તમ ફાયદો કરાવી શકે તેમ છે. દેશના અન્ય રાજ્યોની માફક બંગાળમાં પણ કોંગ્રેસ મૃતઃપ્રાય છે. એ સંજોગોમાં તૃણમૂલના વિકલ્પ તરીકે મુસ્લિમ સમુદાયને વધુ આક્રમકતાથી રિઝવવાનું ઓવૈસી માટે ખાસ મુશ્કેલ નહિ હોય. બિહારની ચૂંટણી પછી હવે બંગાળ પર નજર છે એવું બુધવારે હૈદરાબાદમાં તેમણે સ્પષ્ટ કરી દીધું છે. બંગાળમાં ઓછામાં ઓછી 30 બેઠકો પર ઓવૈસી પુનઃ 'વોટકટવા' બની શકે છે.

અન્ય સમાચારો પણ છે...