• Gujarati News
  • National
  • After Bengal, Maharashtra, UP Is The 10th State Where IT Carried Out Raids Just Before The Elections

જે ભાજપની વિરોધમાં તેમના ત્યાં દરોડા:બંગાળ, મહારાષ્ટ્ર બાદ UP 10મું એવું રાજ્ય કે જ્યાં ચૂંટણી પહેલા જ ITએ દરોડા પાડ્યા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

અખિલેશ યાદવના નજીકના ચાર માણસોના ઘરે શનિવારે સવારે ઈનકમ ટેક્સના દરોડા પડ્યા. આ દરોડા તે સમયે પડ્યા જ્યારે યૂપી ચૂંટણીને આશરે દોઢ મહિનો બાકી છે. જોકે આ કોઈ નવી બાબત નથી. આ અગાઉ 9 રાજ્યોમાં ઈનકમ ટેક્સ (IT), એન્ફોર્સમેન્ટ ડાઈરેક્ટોરેટ (ED) અને સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ના દરોડા પડી ચૂક્યા છે.

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના બરાબર પહેલા શરદ પવારના ત્યાં EDએ મની લોન્ડ્રિગનો કેસ દાખલ કર્યો હતો. બંગાળમાં પણ ચૂંટણીના સમયે મમતા બેનર્જીના ભત્રીજાની પત્ની પાસે ઈનકમ ટેક્સે કોલસા કૌભાંડને લઈને પૂછપરછ કરી હતી. રાજસ્થાનમાં અશોક ગેહલોતના નજીકના માણસના ત્યા દરોડા પડ્યા. આવો જાણીએ ચૂંટણી સમયે CBI, IT અને EDએ કેવી રીતે વિપક્ષી પાર્ટીઓના પ્રમુખ નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી.

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીને દબાણમાં લાવવાના પ્રયત્નો

  • પશ્ચિમ બંગાળમાં 2021માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી.
  • ફેબ્રુઆરીમાં ITએ કોલસા કૌભાંડમાં મમતા બેનર્જીના ભત્રીજા અભિષેકની પત્ની રૂજીરા બેનર્જીની પૂછપરછ કરી હતી.
  • અભિષેકના બે સંબંધીઓ અંકુશ અરોરા અને પવન અરોરાને પણ ITનો સામનો કરવો પડ્યો હતો.
  • આ પછી, માર્ચમાં, EDએ મમતાના નજીકના સહયોગીઓ પાર્થ ચેટર્જી અને મદન મિત્રાને ચિટ ફંડ સંબંધિત બે અલગ-અલગ કેસમાં સમન્સ મોકલ્યા હતા.
  • શારદા ચિટફંડ કૌભાંડ મામલે તૃણમૂલ કોંગ્રેસના વિવેક ગુપ્તાની પૂછપરછ કરવામાં આવી હતી.
  • તૃણમૂલ નેતા કુણાલ ઘોષ અને શતાબ્દી રોયની મિલકતો ED દ્વારા જપ્ત કરવામાં આવી હતી.

કર્ણાટકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા પાછળ IT વિભાગ પડ્યું હતું

  • કર્ણાટકમાં 2018માં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી.
  • ITએ કોંગ્રેસના ટોચના નેતા ડીકે શિવકુમાર સામે કરચોરી અને ખોટા પુરાવા આપવા બદલ ફરિયાદ દાખલ કરી હતી. આને 2017ના કેસ સાથે જોડવામાં આવ્યો.
  • 2017માં, 2-5 ઓગસ્ટની વચ્ચે, ઇન્કમટેક્સે તત્કાલિન ઉર્જા મંત્રી ડીકે શિવકુમાર સાથે જોડાયેલા 70 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી ત્યારે કરવામાં આવી જ્યારે શિવકુમાર ગુજરાતના 42 ધારાસભ્યો માટે બેંગ્લોર પાસેના એક રિસોર્ટમાં રોકાયા હતા. તેઓ 8 ઓગસ્ટના રોજ અહેમદ પટેલની રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન કરવાના હતા.
  • શિવકુમારના પરિવાર અને સહાયકોને પણ બક્ષવામાં આવ્યા ન હતા. બેંગ્લોર, મૈસુર, દિલ્હી અને ચેન્નઈમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

રાજસ્થાનમાં અશોક ગેહલોતના નજીકના માણસોના ઘરે દરોડા પાડ્યા
રાજસ્થાનમાં 2018માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી સમયે દરોડા પણ પડયા હતા. ખાતર કૌભાંડમાં EDએ મુખ્યમંત્રી અશોક ગેહલોતના ભાઈ અગ્રસેન ગેહલોતના ઘરમાં દરોડા પાડ્યા હતાં. IT અને EDએ CMની નજીકના રાજીવ અરોરા અને ધર્મેન્દ્ર રાઠોડના રહેઠાણો અને બિઝનેસ પરિસર પર દરોડા પાડ્યા હતા. રાજીવ તે સમયે પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ પણ હતા. આટલું જ નહીં જુલાઈમાં જ સીબીઆઈ દ્વારા પોલીસ અધિકારી વિષ્ણુ દત્તના આત્મહત્યા કેસમાં કોંગ્રેસના કૃષ્ણા પુનિયાની પૂછપરછ કરવામાં આવી હતી.

મહારાષ્ટ્રમાં શરદ-અજીત પવાર પર મની લોન્ડ્રિગ કેસ

  • મહારાષ્ટ્રમાં 2019માં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી પહેલા, EDએ દરોડા પાડ્યા હતા.
  • EDએ NCPના વડા શરદ પવાર અને તેમના ભત્રીજા અજિત પવાર પર સકંજો કસ્યો હતો.
  • મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેંક સાથે સંબંધિત કૌભાંડમાં તેમની સામે મની લોન્ડરિંગનો કેસ નોંધવામાં આવ્યો હતો.
  • ઓગસ્ટ 2019માં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેની પણ મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ કરવામાં આવી હતી.
  • કોહિનૂર કંપનીમાં 850 કરોડના રોકાણ અંગે રાજ ઠાકરેની પૂછપરછ કરવામાં આવી હતી. તેઓ 2009 સુધી કોહિનૂર કંપનીના ભાગીદાર હતા.

છત્તીસગઢમાં CBIએ કાર્યવાહી કરી હતી
છત્તીસગઢમાં વર્ષ 2018માં વિધાનસભા ચૂંટણી હતી અને દરોડાનો સમય પણ આ જ રહ્યો. સીડી કૌભાંડમાં ભૂપેશ બધેલને CBIનો સામનો કરવો પડ્યો.

મધ્યપ્રદેશમાં કમલનાથના નજીકના માણસોના ઘરે દરોડા પડ્યા હતા
મધ્યપ્રદેશમાં 2018માં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. એપ્રિલ 2019માં લોકસભા ચૂંટણી પહેલા ITએ તત્કાલિન મુખ્યમંત્રી કમલનાથના નજીકના માણસોના 52 ઠેકાણે ટેક્સ ચોરીનો આરોપ લગાવીને દરોડા પાડ્યા હતાં.

કોણે શું કહ્યું હતું

  • 2 એપ્રિલ 2021એ તમિલનાડુંમાં થયેલ દરોડા જોઈને રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યું હતું કે જ્યારે ચૂંટણીમાં હારની શક્યતા હોય છે ત્યારે BJPનું તંત્ર, વિપક્ષ પર દરોડા પાડવાનું શરુ કરે છે.
  • DMKએ આ કાર્યવાહી વિરુદ્ધ ચૂંટણી આયોગમાં ફરિયાદ કરતા કહ્યું આયકર વિભાગ તરફથી પાવરનો દુરુપયોગ છે.
  • ફરિયાદમાં લખ્યું હતું આયકર વિભાગ અધિકારી AIADMK- બીજેપી ચૂંટણી સંભાવનાઓને ધ્યાનમાં રાખીને કામ કરી રહ્યા છે
  • સ્ટાલિને કહ્યું હતું કે હું એમકે સ્ટાલિન છું, આ સ્ટાલિન ઈમરજન્સી અને MISAનો સામનો કરી ચૂક્યો છે. હું આ IT દરોડાથી ડરતો નથી. PM મોદીને ખ્યાલ હોવો જોઈએ કે અમે AIADMKના નેતાઓની જેમ નથી, જે તેમની સામે શરણે થઈ જાય.
અન્ય સમાચારો પણ છે...