દેશમાં વિપક્ષના નેતાઓ, અધિકારીઓએ, જજો, પત્રકારો અને એક્ટિવિસ્ટસની જાસૂસીના મુદ્દા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સંસદ બહાર પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે જાસૂસી માટે પેગાસસનો ઉપયોગ દેશદ્રોહ છે. સરકારે મારી, સુપ્રીમ કોર્ટ અને મીડિયાના લોકોની જાસૂસી કરી. આ મુદ્દા પર કટાક્ષ કરતાં ભાજપના પ્રવકતા સંબિત પાતરાએ કહ્યું હતું કે રાહુલ ગાંધીને પોતાની જાસૂસીની આશંકા છે, તો પાછી તેઓ પોતાના ફોનની ફોરેન્સિક તપાસ શા માટે નથી કરાવતા? તેમના ફોનમાં એવું શું છુપાયેલું છે જેને તેઓ છુપાવી રહ્યા છે.
સંબિત પાત્રાએ કહ્યું- રાહુલ ફોનની તપાસ કેમ નથી કરાવતા?
સંબિત પાત્રાએ આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધી સહિત વિપક્ષના તમામ નેતા સંસદની કાર્યવાહી ચાલવા નથી દઈ રહ્યા. જનતા સંસદમાં કોરોના મુદ્દે ચર્ચા કરવા માંગતી હતી, પરંતુ વિપક્ષે તેવું થવા ન દીધું. રાહુલ કહી રહ્યા છે કે તેમના ફોનમાં હથિયાર છે. તેમણે પોલીસમાં ફરિયાદ કરવી જોઈએ. શું કારણ છે કે તેઓ ફોનની ફોરેન્સિક તપાસ નથી કરાવી રહ્યા? તેમના મોબાઇલમાં એવું શું છે, જેથી તેઓ તપાસ કરાવવાથી ડરી રહ્યા છે. જો અમારા અથવા તમારા ફોનમાં હથિયાર હશે તો શું અમે ઘરે બેસી રહીશું? બિલકુલ નહીં.
રાહુલ ગાંધીએ પેગાસસ મુદ્દા પર કહ્યું કે પેગાસસનો ઉપયોગ ભારત સાથે દેશદ્રોહ છે. હિંદુસ્તાનનું સમગ્ર વિપક્ષ અહીં ઊભું છે. તમામ પાર્ટીના નતાઓ છે. અને અમારે અહીં આજે કેમ આવવું પડ્યું. કારણ કે અમારા અવાજને સંસદમાં દબાવવામાં આવી રહ્યો છે. અમારો માત્ર એક સવાલ છે. શું ભારતની સરકારે પેગાસસને ખરીદ્યું? હાં અથવા ના. શું હિંદુસ્તાનની સરકારે પોતાના લોકો પર પેગાસસ હથિયારનો ઉપયોગ કર્યો. હાં અથવા ના? અમે માત્ર એ જ જાણવા માંગીએ છીએ. સરકારે કહ્યું છે કે સંસદમાં પેગાસસ પર કોઈ વાત નહીં થાય.
રાહુલે કહ્યું- મોદીજીએ દેશના આત્માને ઇજા પહોંચાડી
કોંગ્રેસ નેતાએ કહ્યું કે અમે સંસદમાં માત્ર આ મુદ્દે વાત કરવા માંગીએ છીએ. જો અમે એવું કહી દઇશું કે પેગાસસ પર વાત નહીં કરીએ તો આ મુદ્દો અહીં જ સમાપ્ત થઈ જશે. આ અમારા મારે રાષ્ટ્રવાદનો મુદ્દો છે. આ એન્ટિ નેશનલ કામ છે. નરેન્દ્ર મોદીજી અને અમિત શાજી એ દેશના આત્માને ઇજા પહોંચાડી છે અમે માત્ર એટલું જ જાણવા માંગીએ છીએ કે શું સરકારે પેગાસસનો ઉપયોગ કર્યો અને કર્યો તો કોની કોની પર કર્યો.
મારી વિરુદ્ધ, સુપ્રીમ કોર્ટની વિરુદ્ધ, પ્રેસની વિરુદ્ધ જાસૂસી થઈ
રાહુલે કહ્યું કે અમે પેગાસસ પર ચર્ચા કરવા માંગીએ છીએ. સરકાર પેગાસસ પર ચર્ચા કરવા માટે ના પાડી રહી છે. રાહુલે સવાલ ઉઠાવ્યો- હું દેશના યુવાઓ પાસેથી જાણવા માંગુ છું કે તમારા મોબાઈલ પર નરેન્દ્ર મોદીજી એ એક હથિયાર મોકલ્યું છે. મારી વિરુદ્ધ, સુપ્રીમ કોર્ટની વિરુદ્ધ, પ્રેસની વિરુદ્ધ, કાર્યકર્તાઓની વિરુદ્ધ આ હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો. તો પછી શું કારણ છે કે સંસદમાં આ બાબતે વાત નથી કરવામાં આવી રહી.
14 વિપક્ષની પાર્ટીઓ એકજુથ, રાહુલે કહ્યું- પાછી પાની નહીં કરીએ
પેગાસસ જાસૂસી, મોંઘવારીએ અને કૃષિ કાયદા મુદ્દે સંસદમાં હોબાળો યથાવત્ રહ્યો છે. બુધવારે પણ રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ વિપક્ષે હોબાળો કર્યો હતો, જેને કારણે કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હારી. 12 વાગ્યે સંસદની કાર્યવાહી ફરીથી શરૂ થઈ, પણ હોબાળો ચાલુ જ રહ્યો. આ તરફ લોકસભામાં પણ વિપક્ષ સાંસદોએ પેપર ફેંક્યા હતા અને ખેલા હોબેના નારા લગાવ્યા હતા. આ કારણે ગૃહની કાર્યવાહી પહેલા 12:30 વાગ્યા સુધી અને પછી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.
આ દરમિયાન સમાન વિચારસરણીવાળી 14 પાર્ટીએ એક મહત્ત્વની બેઠક કરી હતી અને સરકારને ઘેરવાની યોજના બનાવી હતી. આ બેઠક બાદ કોંગ્રેસનેતા અને વાયનાડના સંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પેગાસસ જાસૂસી કેસ, મોંઘવારી અને ખેડૂતોના મુદ્દા પર અમે કોઈ સમજૂતી કરીશું નહીં. અમે સંસદમાં આ મુદ્દાઓ પર ચર્ચા કરવા માગીએ છીએ.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સરકાર વિપક્ષને એવું કહીને બદનામ કરી રહી છે કે અમે સંસદની કાર્યવાહી ચાલવા નથી દેતા. અમે જનતા, ખેડૂતો અને દેશ સાથે જોડાયેલા મુદ્દાઓ ઉઠાવી રહ્યા છીએ, જે મુદ્દાઓ પર આજે હોબાળો થઈ રહ્યો છે. મંગળવારે પણ આ મુદ્દાઓએ પર રાજયસભા અને લોકસભામાં હોબાળો થયો હતો.
આ 14 પાર્ટી બેઠકમાં સામેલ થઈ
કોંગ્રેસ, દ્રવિડ મુનેત્ર કડગમ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, સમાજવાદી પાર્ટી, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી), ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી, નેશનલ કોન્ફરન્સ, આમ આદમી પાર્ટી, ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ, રાષ્ટ્રીય સમાજ પાર્ટી, કેરળ કોંગ્રેસ (એમ), વિદુથાલાઇ ચિરુથૈગલ કચ્ચી, એસએસ પાર્ટી.
ગઇકાલે કાર્યવાહી 9 વખત સ્થગિત કરવી પડી હતી
બેઠકમાં પેગાસસ જાસૂસી અને ખેડૂત આંદોલન પર ચર્ચા થઈ રહી છે. એની સાથે જ લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષના નેતા આ દરમિયાન આગળની રણનીતિ પર ચર્ચા કરશે. આ પહેલાં ગઈકાલે લોકસભામાં આ જ મુદ્દાઓ પર ભારે હોબાળો થયો હતો. આ કારણે સંસદની કાર્યવાહી 9 વખત સ્થગિત કરવી પડી હતી.
વિપક્ષનો આરોપ- દેશમાં તાનાશાહી ચાલી રહી
પેગાસસ મામલે રાજ્યસભામાં વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેએ પ્રેસ-કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે IT એક્ટ અનુસાર સર્વેલન્સ માટે મંજૂરી લેવી પડે છે. આ સરકારે પેગાસસ દ્વારા જાસૂસીની મંજૂરી આપી છે. જજો, આર્મી અધિકારીઓ, પત્રકારો અને વિપક્ષના નેતાઓની જાસૂસી કરાવવામાં આવી છે. દુનિયાની કોઈ જ લોકશાહીમાં આવું થતું નથી. દેશમાં તાનાશાહી ચાલી રહી છે. મોદીજી મુદ્દાઓને લોકશાહીની રીતે ઉકેલ કરવા માટે તૈયાર નથી. અમે ચર્ચા માટે તૈયાર છીએ. સરકારે સર્વદળીય બેઠક બોલાવવી જોઈએ. અમે બધા આ મુદ્દાઓ પર લડવા જઇ રહ્યા છીએ.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.