દિલ્હીમાં 27 વર્ષની શ્રદ્ધા હત્યા કેસનો આરોપી આફતાબ અમીન પૂનાવાલાને ગુરુવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. દિલ્હી પોલીસ કસ્ટડી વધારવા માટે માગ કરશે. પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે દિલ્હી પોલીસ આફતાબની નવો પુરાવો- પાણીના બિલ અંગે પૂછપરછ કરવા માગે છે.
આફતાબના મહેરૌલી ફ્લેટનું પાણીનું 300 રૂપિયાનું બિલ આવ્યું છે, જ્યારે પાડોશીઓનું બિલ શૂન્ય છે, કારણ એ છે કે દિલ્હીમાં 20 હજાર લિટર પાણી વિનામૂલ્યે આપવામાં આવે છે. પોલીસ જાણવા માગે છે કે આફતાબે આટલું પાણી ક્યાં વાપરી નાખ્યું.
દિલ્હી પોલીસ આફતાબનો નાર્કો ટેસ્ટ કરાવવાની તૈયારીમાં છે. પોલીસ કોર્ટમાંથી તેના રિમાન્ડ માગશે. આ સિવાય આફતાબના ફ્લેટમાંથી મળી આવેલાં બ્લડ સેમ્પલને તપાસ માટે મોકલવામાં આવ્યાં હતાં. જંગલમાંથી મળી આવેલાં હાડકાંનું પણ ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે.
આજનું સૌથી મોટું અપડેટ આફતાબે પોલીસ પૂછપરછમાં કબૂલ્યું છે કે તેણે ઓળખ છુપાવવા માટે શ્રદ્ધાનો ચહેરો સળગાવી દીધો હતો.
શ્રદ્ધા હત્યા કેસનાં મોટાં અપડેટ્સ...
હત્યાના દિવસે બંને વચ્ચે ઘરખર્ચ બાબતે ઝઘડો થયો હતો
સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન આફતાબે પોલીસને જણાવ્યું હતું કે 18 મેના રોજ હત્યાના દિવસે શ્રદ્ધા અને તેની વચ્ચે ઘરખર્ચને લઈને ઝઘડો થયો હતો. રોજ-રોજનો ખર્ચ કોણ આપશે એ અંગે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ, ત્યાર બાદ જ તેણે શ્રદ્ધાની હત્યા કરી હતી.
દિલ્હીના મહેરૌલી હત્યાકાંડે દેશને હચમચાવી દીધો છે. જ્યાં દિલ્હી પોલીસે હત્યા કેસને ઉકેલવા માટે આફતાબ પૂનાવાલા વિરુદ્ધ પુરાવા એકત્ર કરવા માટે સંઘર્ષ કરી રહી છે. આરોપી આફતાબની પોલીસ કસ્ટડી આજે પૂરી થઈ રહી છે. આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે આ કેસમાં દિલ્હી પોલીસ પાસે ઘણી નક્કર માહિતી છે, એ પછી પણ હત્યાને લગતા પુરાવા શોધી રહી છે.
ઘણા સવાલો એવા છે, જેના જવાબ પોલીસ પાસે નથી.
ગુનામાં વપરાયેલું હથિયારઃ શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. જોકે તેના શરીરના 35 ટુકડા કરવામાં આવ્યા હતા. પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ, આરી વડે શરીરના 35 ટુકડા કરવામાં આવ્યા હતા. પોલીસ હજુ સુધી આ હથિયાર જપ્ત કરી શકી નથી. કોઈપણ હત્યાને સાબિત કરવા માટે ગુનામાં વપરાયેલા હથિયાર ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. આ કિસ્સામાં 6 મહિના પસાર થયા પછી એ વધુ ગૂંચવણભર્યું બનાવે છે. જો હથિયાર મળી જાય તોપણ એ વાતની શક્યતા નથી કે દિલ્હી પોલીસને ફિંગરપ્રિન્ટ્સ અથવા લોહીના ડાઘા મળશે, જે સાબિત કરવા માટે જરૂરી છે કે એ જ હથિયાર છે.
હત્યા વખતના શ્રદ્ધાનાં કપડાઃં હત્યા વખતે શ્રદ્ધાનાં કપડાં જે તેણે પહેર્યા હતા એ ક્યાં ગયાં?પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આફતાબે કચરાપેટીમાં એ કપડાં ફેંકી દીધા હતા. જોકે આ ઘટના મે મહિનામાં બની હતી અને એની તપાસ નવેમ્બરમાં કરવામાં આવી રહી છે, પરંતુ પોલીસ માટે એને શોધી કાઢવા ખૂબ જ મુશ્કેલ છે.
શ્રદ્ધાનો મોબાઈલઃ પોલીસને હજુ સુધી શ્રદ્ધાનો મોબાઈલ ફોન મળ્યો નથી, જે ઈલેક્ટ્રોનિક પુરાવાનો મહત્ત્વનો ભાગ છે. મોબાઇલ ડેડલાઇનને સાબિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. એના ઈન્ટરનેટ બેંકિંગ, સોશિયલ મીડિયા લોગ-ઇન વગેરેની માહિતી તેના મોબાઈલ પરથી જ જાણી શકાશે.
ફ્રિજમાં શરીરના ટુકડાના પુરાવા: પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો છે કે આફતાબે શ્રદ્ધાના શરીરના ટુકડાને ફ્રિજમાં રાખ્યા હતા છતાં આ અંગે કોઈ પુરાવા નથી. તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક પુરાવા છે કે કેમ એ અંગે કોઈ સ્પષ્ટતા નથી. આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે આફતાબે ડીએનએ સ્ટ્રેન્ડને નબળું કરવા માટે કેમિકલનો ઉપયોગ કર્યો હતો. કેમિકલ હાઇડ્રોક્લોરિક એસિડનો ઉપયોગ કરીને ફ્રિજ સાફ કર્યું હતું, જે શ્રદ્ધાના શરીરનાં અંગોનો નાશ કર્યા બાદ ફ્રિજમાં રહી ગયું હોય. આવી સ્થિતિમાં કોર્ટ સમક્ષ આફતાબની કબૂલાત સિવાય બીજું કશું સ્વીકાર્ય નહીં હોય.
પ્રત્યક્ષદર્શીઃ પોલીસ તપાસ મુજબ, શ્રદ્ધાની હત્યા પહેલાં શ્રદ્ધા અને આફતાબ બંને વચ્ચે ઝઘડો થયો હતો. જોકે એ સ્પષ્ટ નથી કે પાડોશીઓ આ ઝઘડાની અવગણના કેમ કરશે, જેના કારણે તેની હત્યા કરવામાં આવી હતી.
ગુમ થયેલા શરીરના અવશેષોઃ દિલ્હી પોલીસને મહેરૌલીના જંગલોમાં 13 તૂટેલાં હાડકાં મળ્યાં છે. પોલીસને શંકા છે કે આ હાડકાં શ્રદ્ધાનાં શરીરનાં છે. જોકે હજુ પણ ઘણા અવશેષો મળ્યા નથી. કોઈપણ વ્યક્તિનાં હાડકાં એ કહી શકે છે કે તેનું મૃત્યુ ક્યારે થયું અને મૃત્યુનું કારણ શું હતું.
હત્યા ક્યારે અને કયા સમયે થઈ: સડી ગયેલા શરીરનાં અંગો અંગે હજુ એફએસએલ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે, એ સાબિત કરવાનું બાકી છે કે શ્રદ્ધાની હત્યા ક્યારે અને કયા સમયે થઈ હતી? જો દિલ્હી પોલીસને મહેરૌલીના જંગલમાંથી શ્રદ્ધાના અવશેષો મળ્યા છે, તો ઓ તેના મૃત્યુના સમયની પુષ્ટિ કરવા માટે મહત્ત્વપૂર્ણ રહેશે.
આફતાબ પર સકંજો કસવા માટે પોલીસને આ પુરાવા મળ્યા છે
કોર્ટે નાર્કો ટેસ્ટની મંજૂરી આપી
દિલ્હીની સાકેત કોર્ટે આરોપી આફતાબના નાર્કો ટેસ્ટની મંજૂરી આપી છે. દિલ્હી પોલીસે આ માટે કોર્ટમાં અરજી કરી હતી. પોલીસનું કહેવું છે કે આફતાબ પોલીસ તપાસમાં સહકાર આપી રહ્યો નથી. તે પોલીસ તપાસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો છે. શ્રદ્ધાનો મોબાઈલ અને હત્યા માટે વપરાયેલી આરી વિશે સાચી માહિતી જણાવતો નથી. ક્યારેક તે મહારાષ્ટ્રમાં તો ક્યારેક દિલ્હીમાં મોબાઈલ ફેંકવાની વાત કહે છે, સાથે સાથે તે હથિયાર વિશે પણ સાચી માહિતી આપતો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.