કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત લથડી:દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

સોનિયા ગાંધીની તબિયત ખરાબ થયા પછી તેમને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષને તાવ આવ્યો હતો અને પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ચેસ્ટ મેડિસિનના ડોક્ટર અરૂપ બસુ અને તેમની ટીમ સોનિયા ગાંધીની સારવાર કરી રહી છે. થોડાં રિપોર્ટ પણ કરાવવામાં આવ્યા છે. જેના આધારે સોનિયા ગાંધીની સ્થિતિ હાલ સ્થિર છે તેવું જણાવવામાં આવી રહ્યું છે.

હોસ્પિટલ તરફથી જાહેર કરવામાં આવેલ બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે- કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને તાવના કારણે સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને હાલ તેમની સ્થિતિ સ્થિર છે. સોનિયા ગાંધીને તાવના લીધે બે માર્ચે ‘ચેસ્ટ મેડિસીન' વિભાગના મુખ્ય ડોક્ટર અરૂપ બસુ અને તેમની ટીમની દેખરેખમાં દાખલ કરવામાં આવ્યાં. બુલિટિનમાં કહેવામાં આવ્યું છે કે, "સોનિયા ગાંધી ડોક્ટરોની દેખરેખ હેઠળ છે અને તેમની તપાસ કરવામાં આવી રહી છે. તેમની સ્થિતિ હાલ સ્થિત છે."

આ પહેલાં આ વર્ષે જાન્યુઆરીમાં પણ સોનિયા ગાંધીને વાઇરલ ઇન્ફેક્શનની ફરિયાદ પછી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતાં. એવામાં રાહુલ ગાંધીએ પણ ભારત જોડો યાત્રા વચ્ચે છોડીને માતાનો હાલ જાણવા માટે આવવું પડ્યું હતું. આ દરમિયાન તેમને લગભગ એક અઠવાડિયા માટે હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું.

રાહુલ ગાંધી હાલ ભારતમાં નથી
રાહુલ ગાંધી આ દિવસોમાં બ્રિટનમાં છે. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચર આપવા માટે ગયા છે. હાલમાં જ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી તેમનું નિવેદન સામે આવ્યું હતું, જેમાં તેમણે કેન્દ્રની BJP સરકાર સામે નિશાન સાધ્યુ હતું. સાથે જ વિપક્ષના નેતાઓના ફોનમાં પેગાસસ હોવાનો પણ દાવો કર્યો છે.

સોનિયા ગાંધીની તબિયત સતત લથડી રહી છે
કોરોના મહામારી પછી મોટાભાગે સોનિયા ગાંધીની તબીયત ખરાબ થવાના સમાચાર સામે આવી રહ્યા છે. ભારત જોડો યાત્રા દરમિયાન પણ અચાનક સોનિયા ગાંધીની તબિયત ખરાબ થવાના કારણે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી યાત્રાને છોડીને દિલ્હી પહોંચી ગયા હતાં. હાલ સોનિયા ગાંધીની સ્થિતિ સ્થિર જણાવવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...