પોલીસ કમિશનરને નોટિસ:આરે આંદોલનમાં બાળકોને સામેલ કરાતા આદિત્ય ઠાકરે મુશ્કેલીમાં

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રીય બાળ હક પંચની પોલીસ કમિશનરને નોટિસ

રાષ્ટ્રીય બાળ હક પંચે મુંબઈના પોલીસ કમિશનરને નોટિસ મોકલી છે. આરે બચાવો આંદોલનમાં નાના બાળકોને સામેલ કરવા માટે આ નોટિસ મોકલવામાં આવી છે. શિવસેનાના વિધાનસભ્ય અને યુવા સેનાના પ્રમુખ આદિત્ય ઠાકરેએ નિયમોને નેવે મૂક્યા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. આ બાબતે 3 દિવસમાં કાર્યવાહી કરીને દોષીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવાના નિર્દેશ પણ આપ્યા છે. આંદોલનમાં પ્રથમદર્શી રીતે બાળ ન્યાય કાયદાની કલમ 75નું ઉલ્લંઘન થયાનો આરોપ કરવામાં આવ્યો છે. દરમિયાન આદિત્ય ઠાકરે વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી કરવાની માગણી સહ્યાદ્રિ રાઈટ્સ ફોરમ દ્વારા કરવામાં આવી હતી.

રાજ્યના માજી પર્યાવરણ મંત્રી અને શિવસેનાના નેતા આદિત્ય પર તુરંત કાર્યવાહી કરવામાં આવે એવી માગણી સહ્યાદ્રિ રાઈટ્સ ફોરમ વતી કરવામાં આવી હતી. આરે ખાતે આંદોલનમાં આદિત્યએ નાના બાળકોને પણ સામેલ કર્યા હતા., આદિત્યએ આવું કરીને બાળ ન્યાય હક સંરક્ષણ કાયદો 2015નું ઉલ્લંઘન કર્યું છે. આથી તેમની પર તુરંત કાર્યવાહી કરવામાં આવે એવી માગણી કરવામાં આવી હતી. ફોરમ દ્વારા રાષ્ટ્રીય બાળ હક સંરક્ષણ પંચ, મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એકનાથ શિંદે, મુંબઈના પોલીસ કમિશનર, રાષ્ટ્રીય ચૂંટણી પંચ અને મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને પણ ઈમેઈલ કરીને કાર્યવાહી કરવાની માગણી કરી હતી. ફોરમે પુરાવા તરીકે આદિત્યનું ટ્વીટ મેઈલ કર્યું છે. આદિત્યના ટ્વીટમાં નાના બાળકો આંદોલનમાં સામેલ થયેલા જોવા મળે છે.

બાળકોના ગળામાં પાટિયાંઃ દરમિયાન આરેમાં મેટ્રો કારશેડ રદ કરવા માટે રવિવારે અમુક પર્યાવરણ પ્રેમી સંસ્થાઓએ આંદોલન શરૂ કર્યું હતું. તે આંદોલનમાં યુવા સેનાના નેતા આદિત્ય પણ સહભાગી થયા હતા. આદિત્યએ આંદોલનના ફોટો પોતાના ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કર્યા હતા. તેમના આ ફોટોમાં અમુક નાના બાળકોના ગળામાં આરે બચાવો પાટિયાં લગાવીને તેમને આંદોલનમાં સામેલ કરાયા હતા એવું સ્પષ્ટ દેખાય છે. નાના બાળકોને આ રીતે રાજકીય આંદોલનમાં સહભાગી નહીં કરી શકાય. આ જ રીતે નાના બાળકોને આંદોલનમાં ભાગ લેવાની ફરજ પાડવી તે તેમના માનવાધિકારનું ઉલ્લંઘન છે એવી ફરિયાદ ફોરમે કરી હતી. આ પછી પંચે પોલીસ કમિશનરને નોટિસ આપીને આદિત્ય સામે કાર્યવાહી કરવાની માગણી કરી છે.

ઔરંગાબાદ- ઉસ્માનાબાદ નામકરણ અમારી સંમતિ વિના કરાયુંઃ શરદ પવાર
મહારાષ્ટ્રમાં મંત્રીમંડળની અંતિમ બેઠકમાં તત્કાલીન મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ ઔરંગાબાદ અને ઉસ્માનાબાદ શહેરનું નામકરણ અનુક્રમે સંભાજીનગર અને ધારાશિવ તરીકે કરવાના નિર્ણયને મંજૂરી આપી હતી. તત્કાલીન મહાવિકાસ આઘાડી સરકામાં અન્ય બે સાથી પક્ષ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના મંત્રીઓએ તેને સંમતિ આપી હોવાનું ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું. જોકે, હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસના વડા શરદ પવારે કહ્યું છે કે, અમારા પક્ષને કહ્યા વિના જ ઉદ્ધવ ઠાકરેએ છેલ્લી ઘડીએ આ નિર્ણય લીધો હતો. આઘાડીના લઘુતમ સમાન કાર્યક્રમમાં આ મુદ્દો નહોતો.

અન્ય સમાચારો પણ છે...