• Gujarati News
  • National
  • Aditi Earns Rs 44 Lakh After Finding Fault With US Companies Like Google, Microsoft And Facebook

ભારતનું ગૌરવ:અમેરિકાની ગૂગલ, માઇક્રોસોફટ અને ફેસબુક જેવી કંપનીઓની ખામી શોધીને અદિતિએ 44 લાખની કમાણી કરી

નવી દિલ્હી7 મહિનો પહેલા
  • અદિતિને હાર્વર્ડ યુનિવર્સિટી, સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, કોલંબિયા યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા તરફથી અપ્રિસિએશન લેટર પણ મળ્યો છે

માઇક્રોસોફટમાંથી 22 લાખ રૂપિયાના ઈનામને લઈને સમાચારમાં આવેલી 20 વર્ષની અદિતિ સિંહનું એક સમયે ડોક્ટર બનવાનું સપનું હતું. જોકે હાલ તે સાયબર એનાલિસ્ટ છે. તાજેતરમાં જ અદિતિએ માઈક્રોસોફટ એઝ્યોર ક્લાઉડ સિસ્ટમમાં એક ખામી શોધી હતી. એને લઈને કંપનીએ તેને રિવોર્ડ તરીકે 22 લાખ રૂપિયાથી પણ વધુનું ઈનામ આપ્યું.

બગ્સને શોધીને અત્યારસુધીમાં 44 લાખ રૂપિયા કમાઈ ચૂકી છે
અદિતિને આ પ્રથમ વખત ઈનામ મળ્યું છે, એવું નથી તેણે અગાઉ પણ મોટી કંપનીઓ માટે બગ્સ શોધ્યા છે અને ઈનામ પ્રાપ્ત કર્યા છે. બગ્સને શોધીને અત્યારસુધીમાં 60,000 ડોલર(લગભગ 44 લાખ રૂપિયા) કમાઈ ચૂકી છે. અદિતિએ એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેણે અત્યારસુધીમાં ફેસબુક, માઈક્રોસોફટ, ટિકટોક, ઈથેરિયમ સહિતની 40થી વધુ કંપનીઓ પાસેથી ઈનામ મેળવ્યાં છે, જેને બાઉન્ટી કહે છે. તેને કુલ અત્યારસુધીમાં 60 હજાર ડોલર્સની બાઉન્ટી મળી છે.

અદિતિ સિંહ શરૂઆતથી સાયબર સિક્યોરિટી એનાલિસ્ટ બનવા માગતી ન હતી. પહેલાં તે ડોક્ટર બનવાના સપના માટે મેડિકલનો અભ્યાસ કરી રહી હતી. તેણે મેડિકલ કોલેજ માટે એન્ટ્રન્સ ટેસ્ટ પણ આપ્યો હતો. જોકે તેણે રસ ન હોવાને કારણે પોતાનું ક્ષેત્ર જ બદલી નાખ્યું.

મેડિકલ છોડ્યા પછી સાયબર સિક્યોરિટી ક્ષેત્રમાં તેને રસ વિશે ખ્યાલ આવ્યો
મેડિકલ છોડ્યા પછી તેને સાયબર સિક્યોરિટી ક્ષેત્રમાં પોતાના રસ વિશે ખ્યાલ આવ્યો. તે કેટલાક બેસિક્સ હેકિંગ ટુલ્સને યુઝ કરવા લાગી. આ રસ વિશે તેને ત્યારે ખ્યાલ આવ્યો કે જ્યારે તેણે પોતાના પડોશીનો WiFiનો પાસવર્ડ હેક કરી લીધો. અદિતિના જણાવ્યા મુજબ તેણે બાઉન્ટી હટિંગ ગત વર્ષથી શરૂ કર્યું છે. આ દરમિયાન અદિતિને હાર્વર્ડ યુનિવર્સિટી, સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, કોલંબિયા યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા તરફથી અપ્રિસિએશન લેટર પણ મળ્યો છે.

યુનાઈટેડ નેશન્સના હોલ ઓફ ફેમમાં મળ્યું છે સ્થાન
સ્કૂલના અભ્યાસ પછી તે ટેક કંપની Mapmyindiaની સાથે સાયબર સિક્યોરિટી એનાલિસ્ટ તરીકે જોડાઈ. TikTok અને Facebook માટે પણ બગ્સ બનાવી ચૂકી છે. એના માટે Facebook તરફથી તેને 7500 ડોલર(લગભગ 5.40 લાખ રૂપિયા)નું ઈનામ પણ આપવામાં આવ્યું છે. અલગ-અલગ બાઉન્ટી પ્રોગ્રામથી તે અત્યારસુધીમાં લગભગ 44 લાખ રૂપિયા કમાઈ ચૂકી છે. એવામાં જો કોઈ ખામીનો રિપોર્ટ યુઝર્સ કંપનીને સબમિટ કરે છે અને એ ખામી સર્ચમાં મળે છે, તો યુઝર્સને ઈનામ આપવામાં આવે છે. અદિતિએ કહ્યું હતું કે ફેસબુક, માઈક્રોસોફટ અને ગૂગલના હોલ ઓફ ફેમમાં તેને આગામી જગ્યા મળી છે. આ સિવાય યુનાઈટેડ નેશન્સના હોલ ઓફ ફેમમાં પણ તેણે સ્થાન પ્રાપ્ત કર્યું છે.

આ પ્રોફેશનમાં ટાઈમ અને પેશન્સ હોવાં ખૂબ જરૂરી
અદિતિને સરળતાથી આ સફળતા મળી નથી. શરૂઆતના દિવસોમાં તેણે ઘણા રિજેક્શનનો સામનો કર્યો છે. જોકે તેમ છતાં તેણે પ્રયત્નો ચાલુ રાખ્યા હતા. અદિતિએ આ અંગે વધુમાં જણાવ્યું હતું કે આ પ્રોફેશનમાં ટાઈમ અને પેશન્સ હોવા ખૂબ જરૂરી છે. બગ્સને શોધવા માટે અદિતિને ફેસબુક, ટિકટોક, માઈક્રોસોફ્ટ, Mozilla, Paytm, Ethereum, HP જેવા 40થી વધુ બાઉન્ટી પ્રોગ્રામ્સમાંથી ઈનામ મળી ચૂક્યા છે. આ સિવાય અદિતિને ઘણી નામાંકિત યુનિવર્સિટીમાંથી પ્રશંસાપત્ર પણ મળી ચૂક્યા છે.

આ ક્ષેત્રમાં ઘણી તકો
અદિતિ સિંહને ગૂગલના બગ હન્ટર હોલ ઓફ ફેમમાં સ્થાન મળી ચૂક્યું છે. અદિતિની સફળતાથી ઘણા યંગસ્ટર્સ પ્રભાવિત થયા છે. અદિતિનું માનવું છે કે આ ક્ષેત્રમાં ઘણી તકો છે. ઘણી નાની કંપનીઓ હજી પણ બાઉન્ટી પ્રોગ્રામ રાખે છે. આ ક્ષેત્રમાં આવી રહેલા નવા યુવાનો માટે અદિતિએ કહ્યું હતું કે શીખ્યા વગર કમાવવા તરફ ન જાઓ. શીખ્યા પછી જ કમાવવા તરફ ધ્યાન આપો. તેમાં ઘણી વધુ પેશન્સ રાખવાની જરૂરિયાત છે. પોતાની ભૂલમાંથી શીખીને આગળ વધો.

આગળ શું કરવા માગે છે અદિતિ?
અદિતિએ જણાવ્યું હતું કે તે હાલ તો બાઉન્ટી હટિંગ ચાલુ રાખશે. તેણે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે આ માધ્યમથી તે વધુમાં વધુ લોકોને એજ્યુકેટ કરી શકશે. આગળ જતાં તે બીજા વિષય દ્વારા પણ લોકોને એજ્યુકેટ કરવા માગે છે. અદિતિએ પોતાના આઈડિયલ વિશે જણાવતાં કહ્યું હતું કે તેના આદર્શ તેના વાલી જ છે. આ માટેનું કારણ આપતાં તે કહે છે કે તેના દરેક નિર્ણયની તરફેણ તેના વાલીએ જ કરી છે. તેઓ હમેશાં તેની સાથે ઊભાં રહ્યાં છે અને દરેક વખતે તેને સપોર્ટ કર્યો છે.