• Gujarati News
  • National
  • ADGP Asked 3 Times To Make A Diversion Plan, The Police Of Channi Government Did Not Take The Issue Seriously

PM સુરક્ષામાં ચૂકનો સૌથી મોટો ઘટસ્ફોટ:ADGPએ 3 વખત ચેતવણી આપી કહ્યું હતું કે રસ્તો બ્લોક થઈ શકે છે, ડાઇવર્ઝન પ્લાન તૈયાર રાખો, પણ ચન્ની સરકારે મુદ્દો ગંભીરતાથી ન લીધો

ચંડીગઢ14 દિવસ પહેલા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પંજાબ મુલાકાત દરમિયાન સુરક્ષામાં ક્ષતિઓને લઈને હવે ચન્ની સરકાર આંતરિક સુરક્ષા મેમોથી જ ઘેરાયેલી છે. પંજાબના ADGP (એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ) લો એન્ડ ઓર્ડરે ચન્ની સરકારને ખેડૂતોનાં ધરણાં દ્વારા રસ્તા રોકવા અંગે ત્રણ વખત ચેતવણી આપી હતી. પોલીસને ડાઇવર્ઝન પ્લાન તૈયાર કરવા જણાવાયું હતું. આ સૂચના 1, 3 અને 4 જાન્યુઆરીએ મોકલવામાં આવી હતી, પરંતુ કોઈએ એને ગંભીરતાથી લીધી ન હતી.

પહેલો મેમો: એડવાન્સ રૂટ એરેન્જમેન્ટ્સ પ્લાનિંગ કરો
1 જાન્યુઆરીએ મોકલવામાં આવેલા ઈન્ટર્નલ મેમોમાં કહેવામાં આવ્યું હતું કે 5 જાન્યુઆરીએ વરસાદની સંભાવનાને કારણે CM અને અન્ય VIP રોડ સડક માર્ગે આવી શકે છે. ખાસ કરીને ચંદીગઢથી ફિરોઝપુર સેક્ટરનો ઉપયોગ કરી શકાય છે. આ માટે અગાઉથી રૂટ વ્યવસ્થાનું આયોજન કરવા જણાવાયું હતું.

બીજો મેમો: પ્રદર્શનકારીઓ રૂટ બ્લોક ન કરે, એડવાન્સમાં વૈકલ્પિક રૂટ બનાવો
આ પછી 3 જાન્યુઆરીએ બીજો ઈન્ટર્નલ મેમો મોકલવામાં આવ્યો હતો, જેમાં ફિરોઝપુરમાં શેરડીનાં ખેતરો, કેનાલો અને ટ્યૂબવેલ હોવાનું જણાવ્યું હતું. અહીં પોલીસદળની તહેનાતી અંગે પણ વિચારણા થવી જોઈએ. પ્રદર્શનકારીઓ રેલીના રૂટને અવરોધે નહીં એની ખાતરી કરવા પણ કહેવામાં આવ્યું હતું.

એડવાન્સમાં વૈકલ્પિક માર્ગો બનાવો. આ ઉપરાંત રાષ્ટ્રવિરોધી તત્ત્વ, ટિફિન-બોમ્બ, ગ્રેનેડ, IEDના ફોટો પણ ગેઝેટેડ અધિકારીઓને આપવાનું કહેવામાં આવ્યું હતું, જેથી તેઓ તેમના કર્મચારીઓને બતાવી શકે. પોલીસને રૂટ પર ગ્રુપ અને મોબાઈલ ટીમોના રૂપમાં તહેનાત કરવા માટે કહેવામાં આવ્યું હતું, જેથી તેઓ જરૂર પડ્યે જામ દૂર કરી શકે.

ત્રીજો મેમો: રોડ બ્લોક થઈ શકે છે, ડાઇવર્ઝન પ્લાન તૈયાર રાખો
PMની મુલાકાતના 24 કલાક પહેલાં 4 જાન્યુઆરીના ઈન્ટર્નલ મેમોમાં ADGPએ ખેડૂતોની હિલચાલ પર ચાંપતી નજર રાખવાનો નિર્દેશ આપ્યો હતો. તેમને કોઈપણ રીતે ફિરોઝપુરની રેલીમાં ખલેલ પહોંચાડવા દેવી જોઈએ નહીં. ધરણાંને કારણે રોડ બ્લોક થઈ શકે છે એવું પણ કહેવામાં આવ્યું હતું, તેથી જરૂરી ટ્રાફિક ડાઇવર્ઝન પ્લાન અગાઉથી તૈયાર કરો.

CM ચન્નીએ કહ્યું- PMએ અચાનક રૂટ બદલ્યો, પરંતુ પોતાના જ ઓફિસરોએ નિર્દેશોનું પાલન ન કર્યું
આ મામલામાં CM ચરણજિત ચન્ની કહી રહ્યા છે કે વડાપ્રધાન મોદીએ હવાઈ માર્ગે જવાનું હતું, પરંતુ અચાનક તેમણે બાય રોડ જવાનો પ્લાન બનાવ્યો. જોકે 3 વખત વૈકલ્પિક માર્ગો બનાવવાની ચેતવણીની તેમના જ અધિકારી દ્વારા અવગણના કેમ કરવામાં આવી એ પ્રશ્ન છે. ખરાબ હવામાન અને રેલીમાં એક લાખની ભીડ હોવાના તર્કને આધારે આ ચેતવણી આપવામાં આવી હતી. આમ છતાં અધિકારીઓએ ન તો ટ્રાફિકની સૂચનાઓનું પાલન કર્યું કે ન તો પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરી.

અન્ય સમાચારો પણ છે...