ક્રૂર હત્યા:દિલ્હીમાં નશામાં ધૂત વ્યક્તિએ બીડી ન મળતાં મહિલાનું ગળું કાપી નાખ્યું, મહિલાનું મોત, ઘટના CCTVમાં કેદ

22 દિવસ પહેલા
બીડી ન આપવા બાબતે જનરલ સ્ટોર ચલાવનારી મહિલાનું ગળું કાપી નાખ્યું.

દિલ્હીમાં એક દિલને હચમચાવી દે એવી ઘટના સામે આવી છે. અહીં નશામાં ધૂત એક યુવકે બીડી ન આપવા બાબતે મહિલાનું ગળું કાપી નાખ્યું હતું. મહિલાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ સંપૂર્ણ ઘટના CCTVમાં કેદ થઈ છે. ઘટના રવિવારે રાત્રે ડાબરી વિસ્તારની છે. આરોપી ડ્રગ-એડિક્ટ છે, એવી માહિતી પ્રાપ્ત થઈ છે.

ડાબેરી વિસ્તારની રહેવાસી મહિલાની ઓળખાણ વિભાના રૂપે થઈ છે. આરોપી દિલીપ પણ આ જ વિસ્તારનો રહેવાસી હતો. વિભાના પરિવારમાં પતિ સાથે બે નાનાં બાળકો છે. મહિલા જનરલ સ્ટોર ચલાવે છે. ઘટનાસ્થળે હાજર લોકો જણાવ્યું હતું કે આરોપી દિલીપ વિભા સાથે બીડી માગી રહ્યો હતો, મહિલાએ ના પાડી તો દિલીપને ગુસ્સો આવી ગયો અને મહિલાનું ગળુ કાપી નાખ્યું.

CCTV ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે આરોપી જનરલ સ્ટોરની બહાર મહિલા સાથે ઝઘડો કરી રહ્યો હતો. ઝઘડો વધતાં તે પોતાની બેગ નીચે મૂકીને એમાંથી ચપ્પુ કાઢે છે. મહિલા ગભરાઈને રસ્તા પર આવી જાય છે. તે મહિલાની નજીક જાય છે અને તેને પકડીને ગળું કાપી નાખે છે. મહિલા ત્યાં જ બેભાન થઈને ઢળી પડે છે.

ઘટનાસ્થળે હાજર લોકોએ આરોપીને માર માર્યો
આરોપી ઘટનાસ્થળેથી નાસી છૂટવાનો પ્રયત્ન કરતો હતો. જોકે હાજર લોકો તેને પકડી લે છે અને તેને ઢોરમાર મારે છે. ઈજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ તેનો જીવ બચાવી ન શકાયો. પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...