કોવિશીલ્ડ બનાવનારી કંપની સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ના ચેરમેન અદાર પૂનાવાલાએ વેક્સિન કોકટેલનો વિરોધ કર્યો છે. પૂનાવાલાએ શુક્રવારે કહ્યું કે સારી એફિકેસી માટે બે અલગ અલગ વેક્સિનના મિશ્રણનો વિરોધ કરું છું, તેની કોઈ જ જરૂરિયાત નથી.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના સ્ટડીમાં કોવિશીલ્ડ અને કોવેક્સિનના કોકટેલના પરિણામ સારા મળ્યા છે. આ સવાલ પર પૂનાવાલાએ કહ્યું કે, જો કોકટેલની વેક્સિન લગાડવામાં આવે છે અને પરિણામ સારા નથી આવતા તો આપણે કહીશું કે વધુ એક વેક્સિન સારી નથી. ઠીક તેનાથી વિપરીત બીજી કંપની કહી શકે છે કે તમે સીરમની વેક્સિન સાથે મિશ્રણ કર્યું છે, તેથી પરિણામ સારા નથી મળી રહ્યાં. તેઓએ વધુમાં જણાવ્યું કે વેક્સિન કોકટેલની ટ્રાયલમાં હજારો લોકોને સામેલ કર્યા હતા, જેમાં તેની એફિકેસી સારી નહીં રહી હોય.
વેક્સિન મિક્સિંગના પહેલા અભ્યાસમાં દાવો- તેનાથી ઈમ્યુનિટી વધે છે, ડેલ્ટા વેરિયન્ટ પર પણ અસરદાર
દેશમાં કોરોના વેક્સિનના મિક્સિંગ પર થયેલી સ્ટીડના પહેલા પરિણામ પાંચ દિવસ પહેલાં ICMRએ જાહેર કર્યા હતા. સ્ટડીમાં કહેવામાં આવ્યું કે કોવેક્સિન અને કોવિશીલ્ડના મિક્સ ડોઝથી કોરોના વાયરસ વિરૂદ્ધ સારી સુરક્ષા મળે છે.
ICMR મુજબ એડિનોવાયરસ વેક્ટર પ્લેટફોર્મ વેક્સિન અને ઈનએક્ટિવેટેડ હોલ વાયરસ વેક્સિનનો મિક્સ ડોઝ સેફ છે. આ બંને વેક્સિન અલગ-અલગ ડોઝથી એક જ વેક્સિનના બે ડોઝની તુલનામાં સારી ઈમ્યુનિટી મળે છે.
કોરોના વેક્સિન મિક્સિંગની આ સ્ટડી ICMRએ મે-જૂન વચ્ચે યુપીમાં કરી હતી. DCGIના એક્સપર્ટ પેનલે કોવિશીલ્ડ અને કોવેક્સિનના મિક્સ ડોઝની સ્ટડીની ભલામણ કરી હતી. જેના પછી ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ વેલ્લોરે પણ વેક્સિનના મિક્સ ટ્રાયલ ડોઝની મંજૂરી આપી હતી.
ભારત બાયોટેકને નેઝલ વેક્સિનના બીજા અને ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી મળી
કોરોના વિરૂદ્ધ ભારત બાયોટેકના નેઝલ વેક્સિન (નાકથી સ્પ્રેની મદદથી આપવામાં આવતી)ના સેકન્ડ અને થર્ડ ફેઝના ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી મળી છે. પહેલાં ફેઝમાં આ વેક્સિનની ટ્રાયલ 18થી 60 વર્ષના લોકો પર કરાઈ છે.
ભારતમાં હાલ ત્રણ વેક્સિન ઉપલબ્ધ
હાલ દેશમાં ત્રણ વેક્સિન ભારત બાયોટેકની કોવેક્સિન, સીરમ ઈન્સ્ટીટ્યૂટની કોવિશીલ્ડ અને રશિયાની સ્પુતનિક-વીને સામાન્ય લોકો માટે ઉપલબ્ધ છે. સરકારે મોડર્નાની MRNA વેક્સિન અને જોનસન એન્ડ જોનસનના સિંગલ ડોઝ વેક્સિનના ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.