વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક ભારતમાં જ ઇલેક્ટ્રિક કારનું નિર્માણ કરીને અહીંથી જ તેની નિકાસ કરે એવી ભારત સરકારની ઇચ્છા છે. બીજી તરફ, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના CEO અદાર પૂનાવાલાએ એલોન મસ્કને ભારતમાં ટેસ્લા ઇલેક્ટ્રિક કારના ઉત્પાદન માટે આમંત્રિત કર્યા હતા અને તેમના માટે આ રોકાણ શ્રેષ્ઠ પુરવાર થશે તેવી ખાતરી પણ આપી હતી.
મસ્કે ટ્વિટરને ટેકઓવર કરવા માટે 44 અબજ ડોલરમાં સોદો કર્યો છે. તેમણે ટેસ્લા ઇલેક્ટ્રિક કારના વેચાણ માટે પહેલાં જ ભારતને આયાત શુલ્ક ઘટાડવાનો અનુરોધ કર્યો હતો પરંતુ ભારત સરકાર સ્થાનિક ઉત્પાદન પર ભાર મૂકી રહી છે. જોકે બીજી તરફ, મસ્ક હવે ભારતના માર્કેટને નજરઅંદાજ કરીને અન્ય માર્કેટ તરફ ઝોક ધરાવે છે.
ભારતમાં ટેસ્લાના સુપરચાર્જર નેટવર્કને સ્થાપિત કરવાની જવાબદારી નિશાંત પ્રસાદને સોંપવામાં આવી હતી. હવે તેમની લિંક્ડઇન પ્રોફાઇલ પર એશિયા પ્રશાંતના ચાર્જિંગ ઓપરેશન લીડના પદ પર હોવાનો ઉલ્લેખ કરાયો છે. એ જ રીતે ભારતમાં ટેસ્લાના પ્રથમ કર્મચારી રહેલા મનોજ ખુરાના, જે પબ્લિક પોલિસી અને બિઝનેસ ડેવલપમેન્ટની જવાબદારી સંભાળી રહ્યા હતા, તેઓને પ્રોડક્ટ રોલ આપીને એપ્રિલમાં કેલિફોર્નિયા મોકલી દેવામાં આવ્યા છે.
એવી અટકળો છે કે મસ્ક ભારત સરકાર પહેલા ટેસ્લા પર આયાત શુલ્ક ઘટાડે તેવી જીદ લઇને બેઠા છે. જોકે સરકારે કોઇ એક ઑટો કંપનીને આવી છૂટછાટ આપવાનો ઇનકાર કર્યો છે. મસ્ક પહેલા પણ ભારતમાં ટેસ્લાને લોન્ચ કરવાની ઇચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે પરંતુ, ભારતમાં ઇલેક્ટ્રિક વાહન પર આયાત શુલ્ક વિશ્વમાં સૌથી વધુ હોવાનું મસ્કનું કહેવું છે. ભારતમાં અત્યારે 40 હજાર ડૉલર (લગભગ 30 લાખ રૂપિયા)થી વધુ કિંમત ધરાવતી ઇમ્પોર્ટેડ કાર પર 100% આયાત શુલ્કની વસૂલાત કરાય છે. તેમાં શિપિંગ ખર્ચ અને વીમો સામેલ છે. જ્યારે, 40 હજાર ડોલરથી ઓછી કિંમત ધરાવતી ઇમ્પોર્ટેડ કાર પર 60% આયાત શુલ્કની વસૂલાત કરાય છે.
ટેસ્લાની મોડલ 3 કાર 40 હજાર ડોલર (લગભગ 30 લાખ રૂપિયા)ની કિંમત સાથે અમેરિકાના બજારમાં સૌથી પરવડે તેવી કાર છે. ભારતીય માર્કેટમાં તે આયાત શુલ્ક સાથે વધુ મોંઘી થઇ જાય છે. હાલના આયાત શુલ્ક પ્રમાણે ભારતીય બજારમાં તેની કિંમત લગભઘ 60 લાખ રૂપિયા હશે.
મસ્કનો તર્ક -સરકારની શરતોને કારણે ટેસ્લા ભારતના માર્કેટમાં ઉપલબ્ધ નથી
ટેસ્લાના સીઇઓ મસ્ક કહે છે કે, કંપનીને ભારતના માર્કેટમાં પોતાની પ્રોડક્ટ લોન્ચ કરવાને આડે કેન્દ્ર સરકારના કેટલાક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. કેન્દ્ર સરકારની કેટલીક શરતોને કારણે ટેસ્લા ભારતીય માર્કેટમાં ઉપલબ્ધ નથી. બીજી તરફ કેન્દ્રી મંત્રી નીતિન ગડકરી સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે, મસ્કનું ભારતમાં સ્વાગત છે જો તેઓ અહીંયા કારનું ઉત્પાદન કરવા માંગે છે. પરંતુ જો મસ્ક ચીનમાં કાર બનાવીને તેનું ભારતમાં વેચાણ કરવા માંગે છે તો તે ભારત માટે અયોગ્ય પ્રસ્તાવ છે.
નીતિન ગડકરીનું મસ્કને ભારતમાં જ ઈલેક્ટ્રિક કાર ઉત્પાદનનું આમંત્રણ
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે અમે મસ્કનું ભારતમાં સ્વાગત કરવા માટે આતુર છીએ. અહીંયા જ તમારી કારનું મેન્યુફેક્ચરિંગ કરો. તેમાં કોઇ જ વાંધો નથી. અહીંયા વેન્ડર છે. અમે તેઓને દરેક પ્રકારની ટેક્નોલોજી ઉપલબ્ધ કરાવીશું. આ બધા જ ફાયદાને જોઇને તે પોતાની કારની કિંમત ઘટાડી શકે છે. ભારત એક મોટું માર્કેટ છે. અહીંયા દરેક ઇલેક્ટ્રિક વાહનો માટે વિપુલ પ્રમાણમાં સંભાવનાઓ રહેલી છે. અહીં નિકાસની પણ અપાર સંભાવનાઓ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.