ગૌતમ અદાણીને રાજ્યસભામાં મોકલવાના સમાચાર પર અદાણી ગ્રુપે સ્પષ્ટતા કરી છે. ગ્રુપે કહ્યું કે અદાણી પરિવારને રાજકારણમાં કોઈ જ રસ નથી. ગ્રુપે આ સત્તાવાર નિવેદન શનિવારે મોડી રાત્રે જાહેર કર્યું હતું.
શા માટે અદાણી જૂથે નિવેદન જાહેર કરવું પડ્યું
રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો માટે ચૂંટણીની જાહેરાત થતાં જ અનેક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણી અથવા તેમની પત્ની પ્રીતિ અદાણીને કોઈપણ રાજકીય પક્ષ તરફથી રાજ્યસભામાં મોકલી શકાય છે. આ પછી અદાણી ગ્રુપે આ અંગે ખુલાસો રજૂ કરવો પડ્યો હતો.
અદાણી ગ્રૂપે નિવેદનમાં લખ્યું - પોતાના ફાયદા માટે નામ ખરાબ કરી રહ્યા
અદાણી ગ્રૂપે સોશિયલ મીડિયા પર લખ્યું- અમે સમાચારથી વાકેફ છીએ, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ગૌતમ અદાણી અથવા ડૉ. પ્રીતિ અદાણીને રાજ્યસભાની સીટ આપવામાં આવી શકે છે. આ સમાચાર ખોટા છે. જ્યારે પણ રાજ્યસભામાં કોઈ જગ્યા ખાલી હોય છે ત્યારે આવા સમાચાર આવવા લાગે છે. તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે કેટલાક લોકો પોતાના ફાયદા માટે અમારું નામ તેમના રિપોર્ટમાં ઢસડી રહ્યા છે. ગૌતમ અદાણી, પ્રીતિ અદાણી અને અદાણી પરિવારના કોઈપણ સભ્યની રાજકીય કારકિર્દી કે અન્ય કોઈ રાજકીય પક્ષમાં જોડાવામાં કોઈ રસ નથી.
રિપોર્ટ્સનો દાવો - અદાણીને આંધ્રમાંથી રાજ્યસભામાં મોકલી શકાય છે
તાજેતરના અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે જૂનમાં આંધ્ર પ્રદેશમાં રાજ્યસભાની 4 બેઠકો ખાલી થવા માટે લોબિંગ તેજ થયું છે. 21મી જૂને વી વિજયસાઈ રેડ્ડી, ટીડી વેંકટેશ, વાયએસ ચૌધરી અને સુરેશ પ્રભુ નિવૃત્ત થઈ રહ્યા છે. તેમની બેઠકો માટે 6 નામો આગળ ચાલી રહ્યા છે. તેમાં અદાણી પરિવારના સભ્ય પણ સામેલ છે.
અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે જો ગ્રુથ દ્વારા આવી કોઈ વિનંતી કરવામાં આવે તો આંધ્રના સીએમ જગન મોહન રેડ્ડી અદાણીને રાજ્યસભામાં મોકલવાનું વિચારી શકે છે.
રાજ્યસભાની 57 બેઠકો માટે 10 જૂને મતદાન થશે
15 રાજ્યોમાં રાજ્યસભાની 57 બેઠકો માટે 10 જૂને ચૂંટણી યોજાશે. આ તમામ બેઠકોના સાંસદોનો કાર્યકાળ જૂનથી ઓગસ્ટ વચ્ચે પૂર્ણ થઈ રહ્યો છે. ભાજપની નજર રાજ્યસભામાં પણ બહુમતી મેળવવા પર છે. 245 બેઠકોમાંથી ભાજપ પાસે 101 બેઠકો છે. ચૂંટણી પછી તેમની સંખ્યા વધશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.