ઘણા દેશોમાં મંકીપોક્સના કેસો વધી રહ્યા છે. આ ચેપ સૌથી પહેલાં ચામડી પર દેખાય છે. 5 વર્ષથી ઓછી વયના બાળકોને તેનું સૌથી વધુ જોખમ હોય છે. જો કે ભારતમાં હજુ આ રોગનો કોઇ કેસ આવ્યો નથી.
મંકીપોક્સ વાયરસથી ફેલાતી બીમારી છે. સંક્રમણ પછી ચહેરા પર લાલ ચાઠાં દેખાવવા લાગે છે. પછી બંને હાથ અને ખભા સુધી ફેલાઇ જાય છે. એક - બે દિવસમાં પરુ થઈ શકે છે. આ ચાઠાં ચામડી પર ઊંડા, ડાઘાના નિશાન છોડી શકે છે.
એક્સપર્ટસનું કહેવું છે કે ચેપી દર્દીના સંપર્કમાં આવવાથી આ બીમારી ફેલાઇ શકે છે. આ વાયરસ દર્દીને નાક અને મોઢા દ્વારા શરીરમાં પ્રવેશે છે. વાનર, કૂતરા અને ખિસકોલીથી પણ આ બીમારી ફેલાઇ શકે છે. સંક્રમિત વ્યક્તિના લોહીથી પણ ચેપ લાગી શકે છે.
આના પ્રારંભિક લક્ષણ તાવ જેવા હોય છે. તેમાં તાવ, માથામાં દુ:ખાવો, માંસપેશિઓમાં પીડા, કમર દર્દ, કંપન, થાક અને સૂજી ગયેલી ગાંઠનો સમાવેશ થાય છે. સંક્રમણ દરમિયાન ચાઠાંમાં ઘણાં ફેરફાર થતા રહે છે. છેવટે પોપડી બનીને ખરી જાય છે.
ડબલ્યુએચઓ મુજબ મંકીપોક્સનો હાલમાં કોઇ ચોક્કસ ઇલાજ નથી. પરંતુ જાહેર સ્થળોએ માસ્કનો ઉપયોગ, સફાઇનું ધ્યાન રાખવાથી બીમારીથી બચી શકાય છે. એન્ટિબાયોટિક્સ લેવાથી સામાન્ય રીતે ચેપી વ્યક્તિ એક સપ્તાહમાં સાજી થઇ શકે છે. જો કે કેટલાક લોકોમાં આ બીમારી ગંભીર અને ઘાતક પણ બની શકે છે.
શીતળાની રસી 85 ટકા ઉપયોગી થઇ શકે છે. અમેરિકાના ફુડ એન્ડ ડ્રગ એસોસિએશન (એફડીએ)આ 2019માં જિનિયોસ નામની રસીને મંજૂરી આપી હતી. તેને યુરોપિયન મેડિસિન એજન્સીએ 2013માં જ મંજૂર કરી દીધી હતી. જો કે આ રસી 18 વર્ષથી વધુની વયના લોકોને જ લગાવી શકાય છે.
વિશ્વભરમાં આશરે તમામ દેશોમાં હવે કોરોનાના પ્રતિબંધો ઉઠાવી લેવાયા છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ચાલુ થવાને કારણે અવરજવર વધી છે. તેથી આફ્રિકા બાદ બ્રિટનમાંથી આ સંક્રમણ હવે અમેરિકા સુધી પહોંચી ગયું છે. જો કે ભારતમાં હાલમાં આનો કોઇ કેસ નથી. છતાં સતર્કતા રાખવામાં જ સમજદારી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.