• Gujarati News
  • International
  • More Than Three Million Children Have Been Sexually Abused In Churches In France Over The Past 70 Years, The Commission Released A 2,500 page Report After A Two and a half year Investigation.

ધર્મની આડમાં પાપલીલા:ફ્રાંસના ચર્ચમાં છેલ્લાં 70 વર્ષમાં ત્રણ લાખથી વધારે બાળકોનું યૌનશોષણ થયું, પંચે અઢી વર્ષની તપાસ બાદ 2500 પાનાંનો અહેવાલ જાહેર કર્યો

21 દિવસ પહેલા
  • કૉપી લિંક
(પ્રતીકાત્મક ફોટો) - Divya Bhaskar
(પ્રતીકાત્મક ફોટો)
  • શોષણનો ભોગ બનેલાં બાળકો પૈકી 80 ટકા છોકરા અને 20 ટકા છોકરીઓનો સમાવેશ થતો હતો

ફ્રાંસમાં કેથોલિક ચર્ચ જેવા પવિત્ર ગણાતા ધર્મ સ્થાનોમાં વર્ષ 1950થી 2020 દરમિયાન આશરે 3 લાખ 30 હજાર જેટલાં બાળકો યૌનશોષણ (sexual abuse)શિકાર થયાં હોવાનો આઘાતજનક અહેવાલ પ્રકાશમાં આવ્યો છે. આ અહેવાલ જાહેર કરનારા પંચના અધ્યક્ષ જીન માર્ક (Jean-Marc)નું કહેવું છે કે વ્યાપક સંશોધનના આધારે જાણવા મળ્યું છે કે છેલ્લાં 70 વર્ષમાં 3.30 લાખ બાળકોનું યૌનશોષણ થયું હતું.

આ શોષણ ચર્ચના પાદરીઓ અથવા ચર્ચ સાથે સંકળાયેલા અન્ય લોકો દ્વારા આચરવામાં આવતું હતું, એટલે કે બાળકોનું શારીરિક શોષણ કરનારામાં આશરે 3,000 લોકો પૈકી બે-તૃતીયાંશ પાદરી હતા. શોષણનો ભોગ બનેલાં બાળકો પૈકી 80 ટકા છોકરાઓ (મોટા ભાગે 10-13 વર્ષ) છે અને 20 ટકા છોકરીઓનો સમાવેશ થતો હતો. પાદરી અથવા ચર્ચ સાથે સંકળાયેલા લોકો દ્વારા કરવામાં આવેલા યૌનશોષણનો શિકાર બનેલાં બાળકોની સંખ્યા 2,16,000 હોઈ શકે છે.

પંચ (commission)ના જણાવ્યા પ્રમાણે, યૌન શૌષણનો ભોગ બનેલા આશરે 60 ટકા બાળકો અને બાળકીઓ ત્યાર પછીના જીવનમાં ભાવનાત્મક તથા અન્ય જટિલ પરિસ્થિતિનો સામનો કરતાં હતાં. પંચે 2500 પાનાંનો આ અહેવાલ તૈયાર કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફ્રાંસ તથા અન્ય દેશોમાં પણ કેથોલિક ચર્ચની અંદર ચાલતી આ પ્રકારની શરમજનક ઘટનાઓ ઘણા લાંબા સમયથી છુપાવી રાખવામાં આવી હતી.

યૌનશોષણનો ભોગ બનનારાઓનો અવાજ ઉઠાવતી સંસ્થા પાર્લર એટ રિવિવર (ખુલ્લીને બોલો અને ફરીથી જીવો)એ તપાસમાં સંપૂર્ણ સહયોગ કર્યો હતો. આ સંસ્થાના વડા ઓલિવિર સેવિગનાકે (Olivier Savignac) જણાવ્યું હતું કે શારીરિક શૌષણ કરનારા અને એનો ભોગ બનનારાનું પ્રમાણ ખાસ કરીને ફ્રાંસના સમાજ માટે, કેથોલિક ચર્ચ માટે ખૂબ જ આઘાતજનક બાબત છે.

પંચના વડા જીન-માર્ક (ડાબી બાજુ)એ તપાસ અહેવાલ સોંપ્યા હતા.
પંચના વડા જીન-માર્ક (ડાબી બાજુ)એ તપાસ અહેવાલ સોંપ્યા હતા.

આ પંચે બે વર્ષ સુધી કામ કરી પીડિતો, પ્રત્યક્ષ સાક્ષીઓનાં નોંધાયેલાં નિવેદનો તથા ચર્ચ, કોર્ટ, પોલીસ અને 1950ના દાયકાથી મીડિયામાં પ્રકાશિત કેસોનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો હતો. તપાસ દરમિયાન એક ખાસ હેલ્પલાઈન પણ શરૂ કરવામાં આવેલી, જેની પર પીડિત અથવા તેને લગતી જાણકારી આપી શકાતી હતી. આ હેલ્પલાઈન પર 6500થી વધારે લોકોએ ફોન પર માહિતી આપી હતી.

આ અહેવાલ યૌનશોષણને લગતા કાંડ બાદ પ્રકાશિત કરવામાં આવ્યો છે, જેને પગલે ફ્રાંસના કેથોલિક ચર્ચમાં જાણે ભૂકંપ સર્જાયો છે. અગાઉ સસ્પેન્ડ કરી દેવાયેલા પાદરી બર્નાર્ડ પ્રેયનેટને ગયા વર્ષે યૌનશોષણને લગતા કેસમાં પાંચ વર્ષની સજા થઈ હતી. બર્નાર્ડે 75 જેટલા સગીરોનું યૌનશોષણ કર્યાંની વાતનો સ્વીકાર કર્યો હતો.

વેટિકનના પ્રવક્તા મેટ્ટીઓ બ્રુનીએ જણાવ્યું હતું કે પોપ ફ્રાન્સિસે આ પંચના સંશોધનનો ખૂબ જ દુઃખ સાથે અભ્યાસ કર્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે મે, 2019માં ફ્રાન્સિસે તમામ કેથોલિક પાદરીઓ અને નન માટે નવો ચર્ચ કાયદો જાહેર કર્યો હતો કે જે જાતીય શોષણની ઘટનામાં જવાબદારીને નક્કી કરતો હતો. ગત જૂન મહિનામાં પણ ફ્રાંસિસે જણાવ્યું હતું કે સુધારાની પ્રક્રિયા જરૂરી હતી અને દરેક બિશપે યૌનશોષણની વાંધાજનક ઘટનાની જવાબદારી ફરજિયાતપણે સ્વીકારવી જોઈએ.