આસામમાં પૂરને કારણે સ્થિતિ વધુ વણસી ગઈ છે. એક સત્તાવાર નિવેદન અનુસાર, રાજ્યના સાત જિલ્લામાં લગભગ 57,000 લોકો અસરગ્રસ્ત થયા છે, જ્યારે લગભગ 222 જેટલાં ગામો પૂરથી અસરગ્રસ્ત થયાં છે. શનિવારે દિમા હસાઓ જિલ્લાના હાફલોંગ વિસ્તારમાં ભૂસ્ખલન થયું હતું, જેમાં એક મહિલા સહિત ત્રણ લોકોનાં મોત થયાં હતાં.
આ કુદરતી આફતથી 1,434 પ્રાણી પણ પ્રભાવિત થયાં છે અને અત્યારસુધીમાં કુલ 202 મકાનોને નુકસાન થયું છે, જ્યારે લગભગ 10321.44 હેક્ટર ખેતીની જમીન પૂરના પાણીમાં ડૂબી ગઈ છે.
આસામના કછાર જિલ્લામાં સ્થિતિ ગંભીર
આસામના કછાર જિલ્લામાં પૂરની સ્થિતિ ગંભીર બની છે. ASDMA અનુસાર, જિલ્લાના 1,685 પૂર પ્રભાવિત લોકોએ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્થાપિત રાહત શિબિરોમાં આશરો લીધો છે. જ્યારે એક બાળક સહિત 3 લોકો શનિવારથી ગુમ થયા છે. આર્મી, પેરા મિલિટરી ફોર્સ, એસડીઆરએફના જવાનો પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી કરી રહ્યા છે.
દીમા હસાઓ જિલ્લામાં પૂરથી રેલવેલાઇનનું ધોવાણ
અવિરત વરસાદને કારણે હોજઈ, લખીમપુર અને નાગાંવ જિલ્લામાં અનેક રસ્તાઓ, પુલો અને સિંચાઈ નહેરોને નુકસાન થયું છે. શનિવારે દિમા હસાઓ જિલ્લામાં પૂરના કારણે રેલવે લાઇન ધોવાઈ ગઈ હતી. ઘણાં સ્ટેશનોના રેલવેટ્રેક પર કાદવ અને પાણી ભરાઈ ગયાં હતાં. પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલનને કારણે પાટા નીચેની જમીન ધસી ગઈ હતી અને રેલવેના પાટા હવામાં લટકી રહ્યા હતા.
મુસાફરોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા
NF રેલવેએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે લુમડિંગ ડિવિઝનના લુમડિંગ-બદરપુર હિલ વિભાગમાં ઘણી જગ્યાએ અવિરત વરસાદ, ભૂસ્ખલન અને પાણી ભરાવાને કારણે ટ્રેન સેવાઓ બદલાઈ હતી. જોકે બે ટ્રેનો ફસાઈ ગઈ હતી. એમાં લગભગ 1400 મુસાફરો હતા. એ પછી ડિતોકચેરા રેલવે માર્ગ પર ફસાયેલા લગભગ 1,245 મુસાફરોને બદરપુર અને સિલચરમાં એરલિફ્ટ કરવામાં આવ્યા છે અને 119 મુસાફરોને ભારતીય વાયુસેના એરલિફ્ટ કરીને સિલચર પહોંચાડવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.