આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને બુધવારે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મંગળવારે ગૃહમાં તેમના પર સૂત્રોચ્ચાર કરતા ચેરમેનની ખુરશી પર કાગળ ફેંકવાના આરોપ લાગ્યા છે. બુધવારે રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહે આ સપ્તાહની બાકીની કાર્યવાહી માટે સંજય સિંહને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી. આ સત્રમાં રાજ્યસભામાં 20 અને લોકસભામાં 4 સાંસદો સામે હોબાળો મચાવવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે.
સસ્પેન્શન પ્રસ્તાવ ધ્વનિ મત દ્વારા પસાર કરવામાં આવ્યો
AAP નેતાને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરતા રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહે કહ્યું કે મંગળવારે તેમણે ગૃહની કાર્યવાહી દરમિયાન ખુરશી પર કાગળ ફેંક્યા હતા. સિંહનું સસ્પેન્શન સંસદીય બાબતોના જુનિયર મંત્રી વી. મુરલીધરન દ્વારા "ગેરવર્તન" અને "ગૃહ અને બેંચની સત્તા પ્રત્યે સંપૂર્ણ અવગણના" માટે એક પ્રસ્તાવ બાદ ધ્વનિ મત દ્વારા કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે, સંસદનું ચોમાસુ સત્ર 18 જુલાઈના રોજ શરૂ થયું હતું અને 12 ઓગસ્ટ સુધી ચાલશે. સત્ર દરમિયાન 18 બેઠકો થશે.
સસ્પેન્ડેડ સાંસદોની યાદી
સોમવારે લોકસભામાં કોંગ્રેસના ચાર સાંસદો સામે કાર્યવાહી કરવામાં આવી હતી
સોમવારે લોકસભામાં ભારે હોબાળા વચ્ચે સ્પીકર ઓમ બિરલાએ કોંગ્રેસના ચાર સભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા. જ્યોતિમણિ, માણિકમ ટાગોર, ટીએન પ્રથાપન અને રામ્યા હરિદાસને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ખરેખર, લોકસભામાં મોંઘવારી અને જીએસટી પર વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. કાર્યવાહી શરૂ થયાના થોડી જ વારમાં વિપક્ષના નેતાઓ સુત્રોચ્ચાર કરવા લાગ્યા હતા.
સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષી સભ્યોને કાર્યવાહી ચાલવા દેવા અપીલ કરી હતી, પરંતુ તેઓએ જીએસટી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવાનું ચાલુ રાખ્યું. આ પછી સ્પીકરે ચાર સાંસદોને સસ્પેન્ડ કરી દીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.