દિલ્હીના જહાંગીરપુરીમાં પોલીસકર્મીઓએ એક યુવતીને ફડાકા માર્યા હતા. આ ઘટનાનો વીડિયો AAP પાર્ટીના ધારાસભ્ય સંજીવ ઝાએ શેર કર્યો છે. મીડિયા અહેવાલ મુજબ, આ વીડિયો 31મી ડિસેમ્બરની મોડી રાતનો હોવાનો જણાવવામાં આવી રહ્યો છે. ધારાસભ્યએ ટ્વીટ કરીને કહ્યું હતું કે SHO પોતે એક યુવતીને થપ્પડ મારી રહ્યો છે. એવામાં પોલીસ મહિલાઓની સુરક્ષા કેવી રીતે કરશે? તેમણે આ પોલીસ અધિકારી સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.
યુવકને બચાવવા હાથ પકડ્યો, તો યુવતીને થપ્પડ મારી
વીડિયોમાં જોઈ શકાય છે કે એક પોલીસ અધિકારી પહેલાંથી જ રોડ પર ઊભા છે. પાછળથી ઘણા પોલીસકર્મીઓ એક યુવક અને યુવતીને લઈને આવી રહ્યા છે. એક પોલીસ અધિકારી યુવકને મારવા માટે હાથ ઉપાડે છે કે તરત જ તે યુવતી તેને રોકવાનો પ્રયાસ કરે છે. અચાનક SHO પાછળ ફરે છે અને યુવતીને 2 થપ્પડ લગાવી દે છે.
ત્યાર પછી પાછળ ઊભેલા અન્ય પોલીસકર્મી પણ યુવતીને થપ્પડ મારવા લાગે છે અને પાછળની તરફ ધક્કો મારે છે. બાદમાં યુવતી પણ પાછી આવે છે અને પોલીસને ધક્કો મારે છે. CCTVમાં નજરે પડી રહ્યું છે કે પોલીસ નજીક ઊભેલા યુવકને લઈને જઈ રહી છે. કેટલાક લોકો તેમને રોકવાનો પ્રયાસ કરે છે પણ તેઓ રોકાતા નથી.
પોલીસે કહ્યું- ધમાલ કરતા હતા, અમને અભદ્ર શબ્દો પણ કહ્યા
આ ઘટના બાબતે પાલીસનું નિવેદન પણ સામે આવ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે રાત્રે લગભગ 12.30 વાગે જહાંગીરપુરીના એચ બ્લોકમાં કેટલાક લોકો ધમાલ કરતા હતા. કેટલાક લોકોએ દારૂ પણ પીધો હતો. જ્યારે પોલીસે તેમને ત્યાંથી જવાનું કહ્યું તો તેમણે પોલીસ સાથે દુર્વ્યવહાર કર્યો હતો. તેમાં પુરુષો અને મહિલાઓ બંને સામેલ હતાં. યુવતીએ એએસઆઈનો કોલર ખેંચ્યો, થપ્પડ મારી અને અનેક પોલીસકર્મીઓ સાથે મારપીટ પણ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.