પંજાબની ગોઇન્દવાલ જેલમાં મૂસેવાલાના હત્યારાઓ વચ્ચે ગેંગવોરના બે વીડિયો સામે આવ્યા છે. આ વીડિયો લોરેન્સ ગેંગના સચિન ભિવાનીએ બનાવ્યો છે. અંકિત સેરસા ઉપરાંત તેના અન્ય સાથી ગેંગસ્ટરો પણ આમાં જોવા મળે છે. આ બધા ગેંગસ્ટર જગ્ગુ ભગવાનપુરિયાના સાગરીતો મનદીપ તૂફાન અને મનમોહન સિંહ ઉર્ફે મોહનાની હત્યાની ઉજવણી કરી રહ્યા છે. બંને વીડિયો સામે આવ્યા બાદ પંજાબ સરકારમાં જેલમાં મોબાઈલના ઉપયોગને લઈને હોબાળો મચી ગયો છે. પોલીસે બંને વીડિયોની તપાસ શરૂ કરી છે.
જાણો શું છે બંને વીડિયોમાં...
પહેલો વીડિયોઃ સચિન સાથે સુરક્ષાકર્મીઓ જોવા મળ્યા
સચિન ભિવાની જેલની અંદર માર્યા ગયેલા મનદીપ તૂફાન અને મનમોહન સિંહ મોહનાના મૃતદેહો બતાવે છે. આ દરમિયાન જેલના સુરક્ષાકર્મીઓ પણ નજરે પડે છે, પરંતુ સચિન ભિવાની અને તેનો સાથી ગેંગસ્ટર ખુલ્લેઆમ બંનેના મૃતદેહ બતાવીને પોતાની પીઠ પર થપથપાવે છે.
બીજો વીડિયોઃ ધમકી આપી પછી મૂસેવાલાની હત્યા કરી, કહ્યું-કોઈને નહીં બાકી રાખીએ
સચિન ભિવાની સાથે લૉરેન્સના બાકીના સાગરીતો ભેગા થયા છે, જેમાં તે તૂફાન અને મોહનાને મારવાની ઉજવણી કરી રહ્યા છે. તેઓ એવી ધમકી પણ આપી રહ્યા છે કે અમે મૂસેવાલાની હત્યા કરી છે તો અમે કોઈને બક્ષીશું નહીં. 6 દિવસ પહેલાં ગોઇન્દવાલ જેલમાં લોરેન્સ અને જગ્ગુના સાગરીતો વચ્ચે ગેંગવોર થઈ હતી, જેમાં મનદીપ તૂફાન અને મોહનાનાં મોત થયાં હતાં, જ્યારે કેશવ ગંભીર રીતે ઘાયલ થયો હતો.
આ કેસમાં પોલીસે મનપ્રીત ભાઉ, સચિન ભિવાની, રાજિન્દર જોકર, અંકિત સેરસા, કશિશ, અરશદ ખાન અને મલકિત કીતા વિરુદ્ધ હત્યાનો કેસ નોંધ્યો હતો.
વાઇરલ વીડિયો બાદ સરકારની કાર્યવાહી
ગોઇન્દવાલ સાહિબમાં ગેંગવોરનો વીડિયો વાઇરલ થયા બાદ પંજાબ સરકારે જેલ સુપરિન્ટેન્ડન્ટ સહિત 7 અધિકારી અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધા છે, જેમાં જેલ સુપરિન્ટેન્ડન્ટ ઈકબાલ સિંહ, આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટ વિજય કુમાર, એડિશનલ સુપરિન્ટેન્ડન્ટ જસપાલ સિંહ ખૈરા, એએસઆઈ હરચરણ સિંહ અને ગુરવિંદર સિંહ, હેડ કોન્સ્ટેબલ સૂરીન્દર સિંહ અને આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટ હરીશ કુમારનો સમાવેશ થાય છે. આઈજી હેડક્વાર્ટર સુખચેન સિંહનું કહેવું છે કે આ કેસમાં વીડિયોમાં દેખાતા ગેંગસ્ટરો સિવાય આ અધિકારીઓ વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો છે.
એ જ સમયે આ કેસમાં પાંચ જેલ અધિકારી અને કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ઈકબાલ સિંહ, વિજય કુમાર, હરીશ કુમાર, હરચરણ સિંહ અને ગુરવિંદર સિંહ સામેલ છે. આઈજી હેડક્વાર્ટર સુખચૈન સિંહનું કહેવું છે કે આ તમામ કેદીઓને હાઈ સિક્યોરિટી બ્લોકમાં બંધ કરવામાં આવ્યા હતા. આમ છતાં મોબાઈલ અંદર ગયો, જેની પોલીસે તપાસ હાથ ધરી છે.
જેલમાં ગેંગવોરની સંપૂર્ણ કહાની...
જેલ નિયમો અનુસાર બહાર નીકળ્યા હતા, બે બ્લોકમાં બંધ હતા જગ્ગુ અને લોરેન્સના સાગરીતો
જેલ નિયમ અનુસાર, 26 ફેબ્રુઆરી બપોરે 12થી 6 વાગ્યા સુધી સુરક્ષા વોર્ડ 3ને ખોલવામાં આવ્યો હતો. વોર્ડ-3માં તહેનાત સિક્યોરિટી ગાર્ડે માહિતી આપી હતી કે બ્લોક-2માં મનદીપ સિંહ ઉર્ફે તૂફાન, મનમોહન સિંહ ઉર્ફે મોહના, કેશવ, મનપ્રીત સિંહ ઉર્ફે મણિ રૈયા, ચરણજિત સિંહ અને નિર્મલ સિંહ (તમામ જગ્ગુ ભગવાનપુરિયા સમર્થકો)ના લોક-અપમાં બંધ છે. મનપ્રીત સિંહ ભાઉ, સચિન ભિવાની, અંકિત સેરસા, કશિશ, રાજીન્દર ઉર્ફે જોકર, અરશદ ખાન અને મલકિત સિંહ (તમામ લોરેન્સ ગેંગ સાથે જોડાયેલા) બ્લોક નંબર 1માં બંધ છે.
પહેલા જગ્ગુના સાગરીતોએ લોરેન્સના સાથીઓ પર હુમલો કર્યો
સિક્યોરિટી ગાર્ડે જણાવ્યું હતું કે બ્લોક નંબર-2માંથી જગ્ગુ ગેંગના મનદીપ સિંહ ઉર્ફે તૂફાન, મનમોહન સિંહ ઉર્ફે મોહના, કેશવ, મનપ્રીત સિંહ ઉર્ફે મણિ રૈયા, ચરણજિત સિંહ અને નિર્મલ સિંહ, પોતાના હાથમાં પતરીઓ લઈને બ્લોક નંબર-1માં બંધ લોરેન્સ ગેંગના મનપ્રીત સિંહ ભાઉ, સચિન ભિવાની, અંકિત સેરસા, કશિશ, રાજીન્દર ઉર્ફે જોકર, અરશદ ખાન અને મલકિત સિંહ પર હુમલો કરવા ગયા હતા.
લોરેન્સ ગેંગે તેમના હથિયારો છીનવી તેમની જ હત્યા કરી
જગ્ગુ ગેંગે બ્લોકમાં હુમલો કરતાં જ લોરેન્સ ગેંગે તેમના હાથમાંથી હથિયારો છીનવી લીધા હતા. એ બાદ બ્લોક-1ના કેદીઓએ મનદીપ સિંહ ઉર્ફે તૂફાન, મનમોહન સિંહ અને કેશવને ગંભીર રીતે ઘાયલ કરી દીધા હતા.
તૂફાન અને મનમોહન સિંહ ઉર્ફે મોહના હોસ્પિટલ પહોંચ્યા ત્યાં સુધીમાં મૃત્યુ પામ્યા હતા
આ પછી એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત મનદીપ સિંહ તૂફાન, મનમોહન સિંહ, કેશવને સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. જોકે મનદીપ તૂફાન અને મનમોહન ત્યાં પહોંચ્યા બાદ મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.