મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં શુક્રવારે સવારે એક ભીષણ દુર્ઘટનામાં 9 લોકોનાં મૃત્યુ થયાં છે. ઝડપી ગતિથી આવી રહેલી એક ટ્રક પેટ્રોલ ટેન્કર સાથે અથડતાં આગ લાગી હતી. ટ્રકમાં લાકડાં હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. ટ્રકમાં બેઠેલા 7 લોકો અને પેટ્રોલ ટેન્કરમાંના 2 લોકોનાં આગથી દાઝવાને પગલે ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં.
દુર્ઘટનામાં શબ એટલા ખરાબ રીતે સળગી ગયા છે કે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની છે. આ ભીષણ દુર્ઘટના પછી ઘણા કલાકો સુધી ચંદ્રપુર શહેર તરફ આવવાનો રસ્તો જામ રહ્યો હતો. હાઈવેની બંને તરફ વાહનોની લાંબી લાઈન જોવા મળી હતી. આગની જવાળાઓના પગલે જંગલમાં આગ લાગી હતી.
દુર્ઘટના પછી નજીકના જંગલમાં આગ લાગી
ચંદ્રપુર સબ ડિવિઝનલ પોલીસ અધિકારી સુધીર નંદનવારે જણાવ્યું હતું કે શહેરના મુખ્ય રસ્તા પર અજયપુર ગામની પાસે ટ્રકનું ટાયર ફાટવાને કારણે એ અનિયંત્રિત થઈને સામેથી આવી રહેલા ટેન્કર સાથે અથડાઈ હતી અને એમાં આગ લાગી હતી. આ દુર્ઘટના પછી ટેન્કરમાંથી પેટ્રોલ ફેલાવવાને કારણે આસપાસનાં ઝાડ સળગી ગયાં છે. આગ વહેલી સવારે ચાર વાગ્યે લાગી હતી અને એની પર નિયંત્રણ શુક્રવારે સવારે 11 વાગ્યે આવ્યું હતું. ચંદ્રપુરથી ફાયરબ્રિગેડની એક ડઝન ગાડીઓને આગ ઓલવવા માટે ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. આ આગ પછી હાઈવેની બંને તરફ વાહનોની લાંબી લાઈન જોવા મળી હતી.
ફાયરબ્રિગેડ પર મોડું પહોંચવાનો આરોપ લાગ્યો
વન વિભાગનાં સૂત્રોના જણાવ્યા મુજબ, અજયપુરથી ફાયરબ્રિગેડના લોકો દુર્ઘટના સ્થળે લગભગ એક કલાક પછી પહોંચ્યા હતા અને આગ પર નિયંત્રણ મેળવવામાં પણ કલાકો લાગ્યા હતા. રોડ અકસ્માતની માહિતી મળ્યા પછી ઘટનાસ્થળે પોલીસ પહોંચી ગઈ હતી અને શબને ટ્રકમાંથી બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં મોકલ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.