એક કહેવત છે કે વહુના લક્ષણ બારણામાં અને પુત્રના પારણામાં... .આ કહેવત યથાર્થ સાબિત કરી છે છત્તીસગઢના પુત્રએ.... દુર્ગમાં રહેતા 11 વર્ષ 4 મહિનાના લિવજોતનું મગજ કોમ્પ્યુટરથી પર તેજ શક્તિ ધરાવે છે. આ બેનમૂન સિદ્ધિને કારણે જ લિવજોતસિંહ અરોરા માત્ર 11 વર્ષની જ ઉંમરે છત્તીસગઢ માધ્યમિક શિક્ષણ મંડળમાં 10માં ધોરણની પરીક્ષા આપશે. લિવજોત આમ તો 5માં ધોરણમાં દુર્ગના માઈલ સ્ટોન સ્કૂલમાં અભ્યાસ કરે છે પરંતુ પોતાના IQ લેવલના જોરે તે 10માં ધોરણની પરીક્ષા આપશે. લિવજોતના પિતા ગુરવિંદરે 15 ઓક્ટોબર 2020નાં રોજ માધ્યમિક શિક્ષણ મંડળના અધ્યક્ષ અને સચિવને અરજી કરી હતી કે તેમના પુત્રનો IQ 16 વર્ષના બાળક જેટલું જ છે. તેથી તેને 10માં ધોરણની પરીક્ષામાં બેસવાની મંજૂરી મળવી જોઈએ. જે બાદ બોર્ડે લિવજોતનો IQ ટેસ્ટ કર્યો અને પરીક્ષામાં બેસવાની મંજૂરી આપી છે.
બોર્ડે લિવજોતનો IQ લેવલ ટેસ્ટ કર્યો
છત્તીસગઢના શિક્ષણ વ્યવસ્થામાં એવી જોગવાઈ છે કે કોઈ વિદ્યાર્થીના IQની તપાસ કરવામાં આવ્યા બાદ તેને પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવે છે. જે અંતર્ગત લિવજોતનો જિલ્લા હોસ્પિટલ દુર્ગમાં IQ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો અને રિપોર્ટમા લિવજોતસિંહ અરોરાનું મગજ ખરેખર 16 વર્ષના બાળકની બરોબર ચાલે છે સાથે જ તેની તર્કશક્તિ પણ શાનદાર છે. આ ટેસ્ટ બાદ બોર્ડની સહમતિના આધારે 5માં ધોરણમાં ભણતા લિવજોતને 10માં ધોરણની પરીક્ષા આપવાની મંજૂરી આપવામાં આવી છે. લિવજોતના પિતાને પૂરો વિશ્વાસ છે કે તેમનો પુત્ર 10માં ધોરણની પરીક્ષા પાસ કરીને એક નવો રેકોર્ડ બનાવશે.
પિતાએ કહ્યું, ત્રણ વર્ષ પહેલાં જ વિચાર્યું હતું
લિવજોતસિંહ અરોરાના પિતા ગુરવિંદર સિહે કહ્યું કે અનેક વખત સાંભળ્યું છે કે બીજા રાજ્યોમાં 9 વર્ષ કે 10 વર્ષના બાળકે 10માં ધોરણની બોર્ડની પરીક્ષા આપી. ત્યારે આ વાતને લઈને ત્રણ વર્ષ પહેલાં જ વિચાર્યુ હતું કે છત્તીસગઢમાં પણ કંઈક આવું થવું જોઈએ, તેને લઈને તૈયારી કરી લીધી. કઈ રીતે ભણવાનું છે, શું-શું ભણવાનું છે, કેટલા કલાક સુધી અભ્યાસ કરવાનો છે તે અંગેનું ટાઈમ મેનેજમેન્ટ તૈયાર કરી લીધું. તે મુજબ જ અભ્યાસ કરાવ્યો. મારો પુત્ર 10માં ધોરણના પુસ્તકોના સવાલોને સારી રીતે ઉકેલી શકે છે.
દરેક બાળકમાં IQ લેવલ સારો જ હોય છે જરૂર છે તેને તૈયાર કરવાની
લિવજોતસિંહ અરોરા 2 કલાક ફિઝિકલ એક્ટિવિટીની સાથે 4 કલાક સુધી અભ્યાસ કરે છે. પોતાનો અભ્યાસ તે જાતે જ કરે છે અને વધેલા સમયમાં તે યૂ-ટ્યુબથી પોતાનું નોલેજ વધારે છે. તેને કહ્યું કે દરેક બાળકમાં IQ લેવલ સારો જ હોય છે, ફક્ત જરૂર હોય છે તેને તે અલગ રીતે રજૂ કરવાની.
લિવજોતસિંહ અરોરા વૈજ્ઞાનિક બનવા માગે છે
લિવજોતનું કહેવું છે કે તેને 10માં ધોરણનો અભ્યાસ શરૂ કરી દિધો છે. અને તેનું હાલ સંપૂર્ણ ધ્યાન પેપર્સની તૈયારી પર જ છે. છત્તીસગઢમાં બોર્ડની પરીક્ષા 10 એપ્રિલથી શરૂ થઈ રહી છે. લિવજોત ભવિષ્યમાં વૈજ્ઞાનિક બનવા માગે છે. આ પહેલાં પણ કેટલાંક રાજ્યોમાં લિવજોત જેવાં જ હોશિયાર વિદ્યાર્થીઓના ઉદાહરણો સામે આવી ગયા છે, જે મુજબ મણિપુરમાં 12 વર્ષના, બિહારના 9 વર્ષના બાળકે 10માં ધોરણની પરીક્ષા પાસ કરી નવો રેકોર્ડ પોતાને નામે કર્યો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.