ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ(AIMPLB)એ અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજાને લઈને તેની પ્રશંસા કરી છે. AIMPLBના પ્રવક્તા મૌલાના સજ્જાદ નોમાનીએ એક વીડિયો મેસેજ જારી કર્યો છે. એમાં તેમણે તાલિબાનોને અફઘાનિસ્તાનમાં શાસન મેળવવા બદલ અભિનંદન પાઠવ્યાં અને કહ્યું- ગરીબ અને નિશસ્ત્ર કોમે વિશ્વની સૌથી મજબૂત આર્મીને હરાવી છે. તમારી હિંમતને સલામ છે.
ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રવક્તા મૌલાના સજ્જાદ નોમાનીનું નિવેદન ચોંકાવનારું છે. તેમના નિવેદનથી ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડનો 'અસલી રંગ' દેશની સામે આવ્યો છે. હવે ઘરમાં જ બેઠલા તાલિબાની સમર્થકોને ઓળખી લેવાની જરૂર છે. અફઘાનિસ્તાનમાં પણ લોકસત્તા છીનવાઈ ગઈ છે અને ક્રૂર એવા તાલિબાનોનું રાજ આવી ગયું છે. તાલિબાનોને ભારતના મુસ્લિમ પર્સનલ લો બોર્ડે ટેકો આપ્યો છે. ભારત માટે આ સારી બાબત નથી. ભારતની સામે બાહ્ય તાકાત ઊભરી રહી હતી, હવે અંદર પણ દુશ્મની તાકાતો પેદા થઇ રહી છે. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રવક્તાના નિવેદન બાદ એવું કહેવું અતિશયોક્તિ નથી કે ભારતમાં પણ તાલિબાની વિચારધારા ઊભરી રહી છે. ભારતનું મુસ્લિમ પર્સનલ લો બોર્ડ જો તાલિબાનની 'વાહ વાહ' કરતું હોય તો એ ભારત માટે સારા સંકેત નથી. મૌલાના સજ્જાદ નોમાનીએ પોતાને હિન્દી મુસ્લિમ ગણાવીને તાલિબાનની સરાહના કરી છે. મુસ્લિમો વતી તેમણે તાલિબાનોની પીઠ થાબડી છે. આ સાથે જ ભારતમાં પણ એક રીતે તાલિબાની વિચારધારા પ્રસ્થાપિત થઇ ચૂકી છે. વાંચો, કઈ રીતે હિન્દુસ્તાની ધર્મગુરુએ તાલિબાનોની પ્રશંસા કરી....
બોર્ડના પ્રવક્તા સજ્જાદ નોમાનીએ કહ્યું હતું કે હું તાલિબાનને સલામ કરું છું. તાલિબાને સમગ્ર વિશ્વની સૌથી વધુ મજબૂત સેનાને પરાજિત કરી છે. આ જવાનોએ કાબુલની જમીનનો સ્પર્શ કર્યો અને અલ્લાહનો આભાર માન્યો. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન, ચીન, રશિયા અને ઈરાન તાલિબાન સરકારને સમર્થન આપી રહ્યા છે, ત્યારે ભારતના મુસ્લિમ નેતાએ પણ તેને સમર્થન આપતાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.
મૌલાના સજ્જાદ નોમાનીએ કહ્યું હતું કે 15 ઓગસ્ટ 2021ની તારીખ ઈતિહાસ બની ગઈ. અફઘાનિસ્તાનની જમીન પર એક હથિયાર વગરની અને ગરીબ કોમ, જેની પાસે સાયન્સ કે ટેક્નોલોજી, સંપત્તિ ન હતી, તેણે વિશ્વની સૌથી વધુ મજબૂત આર્મીને પરાજિત કરી અને કાબુલની સરકારી ઓફિસમાં તેઓ દાખલ થયા.
તેમનો દાખલ થવાનો અંદાજ જે વિશ્વએ જોયો, તેમાં ઘમંડ કે મોટી વાતો ન હતી. તાલિબાન કાબુલને સ્પર્શતા અને પોતાના માલિકનો આભાર માનતા જોવા મળી રહ્યા છે. તાલિબાને વિશ્વને ફરીથી એ વાત જણાવી દીધી કે સંખ્યા અને હથિયાર નહિ, કોમી એકતા અને બલિદાન સૌથી ઉપર છે. જે કોમ મરવા માટે તૈયાર થઈ જાય, તેને વિશ્વમાં કોઈ પરાજ્ય ન આપી શકે.
તાલિબાનને અભિનંદન. તમારાથી દૂર બેઠેલા આ હિન્દી મુસલમાન તમને સલામ કરે છે, તમારા ગર્વ અને તમારી હિંમતને સલામ. જે કોઈ પોતાના વિસ્તારમાં જવા માગતા હતા તેને તમે જવા દીધા. આખા દેશમાં મહિલાઓ સાથે ખરાબ વ્યવહારનો એક પ્રસંગ પણ સામે આવ્યો નથી. તમારી પર ખોટા આરોપ ખૂબ જ લાગતા આવ્યા છે. ધાર્મિકતાના નામે પણ કોઈ જબરદસ્તી કરવામાં આવી નથી. હવે બજારો ખૂલી ગઈ, છોકરીઓ સ્કૂલે જતી દેખાઈ રહી છે. હું બધાને સલામ-એ-મોહબ્બત મોકલું છું.
તમે અફઘાનિસ્તાનનો કન્ટ્રોલમાં લેતાં જ મહિલાઓ માટે તાલીમની શરૂઆત પણ કરી દીધી, સરકારી ઓફિસો પણ ખૂલી ગઈ. તમને વર્ષોના બલિદાન અને પ્રાર્થનાઓ પછી તક મળી છે. મારી શુભેચ્છા છે કે તમે આગળ પ્રગતિ કરો. તમે વિશ્વને એ દેખાડો કે ઈસ્લામ સમગ્ર માનવજાતની દરેક રીતે પ્રગતિ ઈચ્છે છે. હવે સમગ્ર એશિયામાં ખુશી અને પ્રગતિ ફેલાશે.
UPના સપા સાંસદે કર્યું તાલિબાનનું સમર્થન, કેસ નોંધાયો
ઉત્તરપ્રદેશમાં સંભલમાંથી સમાજવાદી પાર્ટીના સાંસદ ડોક્ટર શફીકુર્રહમાન બર્કે તાલિબાનની સરખામણી સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાનીઓ સાથે કરી છે. તેમણે કહ્યું હતું કે જેમ હિન્દુસ્તાને અંગ્રેજો સામે આઝાદીની લડાઈ લડી હતી એ જ રીતે તાલિબાન અફઘાનિસ્તાનમાં અમેરિકા સામે આઝાદીની લડાઈ લડી રહ્યું છે. આ નિવેદન પછી તેમની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.