• Gujarati News
  • National
  • ISRO's Satellite Image Reveals A Shocking Revelation, Threat Of Total Destruction Looms Over The Entire City

જોશીમઠ 12 દિવસમાં 5.4 સેમી જમીનમાં ધસ્યું:ISROની સેટેલાઇટ ઇમેજમાં થયો ચોંકાવનારો ઘટસ્ફોટ, સમગ્ર શહેર પર ઝળૂંબી રહ્યો છે વિનાશનો ખતરો

જોશીમઠ16 દિવસ પહેલા

ISROએ પોતાના સેટેલાઇટથી જોશીમઠની આફતનો કયાસ મેળવ્યો, જેમાં ડરામણાં પરિણામ સામે દેખાઈ રહ્યાં છે, જેનાથી કોઈના પણ રૂંવાડાં ઊભાં થઈ જાય. સેટેલાઈટે જે સ્થિતિ દર્શાવી છે એ અનુસાર, સમગ્ર જોશીમઠ શહેર ધસી પડશે. તસવીરોમાં ફોટો જોઈ શકાય છે કે પીળા વર્તુળમાં જોશીમઠનું સમગ્ર શહેર છે. એમાં આર્મીનું હેલિપેડ અને નરસિંહ મંદિરને માર્ક કરવામાં આવ્યું છે.

ઈસરોના રિપોર્ટમાં થયો ઘટસ્ફોટ
ISROના હૈદરાબાદ સ્થિત નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર (NRSC)એ આ રિપોર્ટ જારી કર્યો છે, કદાચ આના જ આધારે રાજ્ય સરકાર લોકોને ડેન્જર ઝોનની બહાર કાઢી રહી છે. આવો... જાણીએ કે આ રિપોર્ટ શું કહે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોથી જોશીમઠમાં જમીન ધસી પડવાની અને તિરાડોની જાણકારી મળી રહી છે. 700થી વધુ ઘરોમાં તિરાડો આવી છે. સડકો, હોસ્પિટલો, હોટલ્સ પણ ધસી રહી છે.

લાલ વર્તુળમાં દેખાય છે જોશીમઠ શહેર.
લાલ વર્તુળમાં દેખાય છે જોશીમઠ શહેર.

ઈસરોએ સેન્ટિનલ-1 SAR ઈમેજરીને પ્રોસેસ કરી છે. એને DInSAR ટેક્નિક કહે છે. એનાથી ખ્યાલ આવે છે કે જોશીમઠનો કયો અને કેટલો મોટો ભાગ ધસી પડે એવી શક્યતા છે. ઈસરોએ કાર્ટોસેટ-2એસ સેટેલાઈટથી 7થી 10 જાન્યુઆરી 2023 સુધી જોશીમઠની તસવીરો લીધી. એના પછી ઉપર બતાવેલી ટેક્નિકથી પ્રોસેસ કરી. ત્યારે ખ્યાલ આવ્યો કે કયો વિસ્તાર ધસી પડે એમ છે. ઈસરોએ જણાવ્યું હતું કે એપ્રિલથી નવેમ્બર 2022 સુધી લેન્ડસ્લાઈડની ઘટનાઓ ધીમી હતી. આ સાત મહિનાઓમાં જોશીમઠ 8.9 સેન્ટિમીટર ધસી પડ્યું છે, પરંતુ 27 ડિસેમ્બર 2022થી લઈને 8 જાન્યુઆરી 2023 સુધીના 12 દિવસોમાં જમીન ધસી જવાની તીવ્રતા 5.4 સેમી. થઈ ગઈ, એટલે કે એ ખૂબ ઝડપથી વધી રહ્યું છે.

આ તસવીર બતાવે છે કે એપ્રિલથી નવેમ્બર 2022 સુધીમાં જોશીમઠ કેટલું ધસી ગયું.
આ તસવીર બતાવે છે કે એપ્રિલથી નવેમ્બર 2022 સુધીમાં જોશીમઠ કેટલું ધસી ગયું.

ડ્રેનેજ સિસ્ટમ પણ જોશીમઠના વિનાશ માટે જવાબદાર
તસવીરમાં દેખાય છે કે લાલ રંગની સડકો છે અને વાદળી રંગનું જે બેકગ્રાઉન્ડ છે, એ જોશીમઠ શહેરની નીચેની ડ્રેનેજ સિસ્ટમ છે. આ પ્રાકૃતિક અને માનવનિર્મિત બંને હોઈ શકે છે. જ્યાં આટલું વધુ ડ્રેનેજ હશે ત્યાં માટી ધસી જ પડવાની છે. આ ઘટના ઓછી કરવા માટે વિજ્ઞાનીઓએ ચેતવણી આપી હતી કે ઢોળાવની મજબૂતી જાળવી રાખવા પોર પ્રેશર કરવાની છે. જો પાણી ઢોળાવની અંદર ઓછું જશે તો એ ખોખલો નહીં થાય.

જોશીમઠનો મધ્ય હિસ્સો એટલે કે સેન્ટ્રલ વિસ્તાર સૌથી વધુ સ્લાઈડથી પ્રભાવિત છે. આનો ઉપરનો ભાગ જોશીમઠ-ઓલી રોડ પર છે. વૈજ્ઞાનિક ભાષામાં એને સ્લાઈડનો ક્રાઉન કહેવામાં આવે છે, એટલે કે ઓલી રોડ પણ ધસી પડે એમ છે. બાકી જોશીમઠનો નીચલો હિસ્સો એટલે કે બેઝ કે જે અલકનંદા નદીની બરાબર ઉપર છે. એ પણ ધસી પડશે. જોકે આ ઈસરોનો પ્રાઈમરી રિપોર્ટ છે. હાલ ઈનસાર રિપોર્ટનો સ્ટડી ચાલી રહ્યો છે. લેન્ડસ્લાઈડ કાઈનેમેટિક્સનો સ્ટડી કરવામાં આવી રહ્યો છે.

લાલ પટ્ટાઓ એ જોશીમઠના રસ્તાઓ છે. વાદળી પૃષ્ઠભૂમિ એટલે જમીનની અંદર ડ્રેનેજ.
લાલ પટ્ટાઓ એ જોશીમઠના રસ્તાઓ છે. વાદળી પૃષ્ઠભૂમિ એટલે જમીનની અંદર ડ્રેનેજ.

જોશીમઠ ઉત્તરાખંડના ચમોલી જિલ્લાનું નગર છે. 6150 ફૂટની ઊંચાઈએ વસેલું આ નગર જ્યોર્તિમઠના નામથી પણ ઓળખાય છે. જોશીમઠ નગર 2013માં આવેલી આફતથી પ્રભાવિત થયું હતું. જોશીમઠ ભૂકંપથી વધુ ભૂસ્ખલનના પ્રત્યે સંવેદનશીલ છે, કેમ કે એ પ્રાચીન ભૂસ્ખલનથી આવેલી માટી પર વસેલું નગર છે. વાસ્તવમાં જોશીમઠની ઊંચાઈ એટલે કે 6150 ફૂટ ઊંચાઈ પર કોઈ પહાડ નથી. એ એક ભૂસ્ખલનનો કાટમાળ છે, જેના પર નગર વસેલું છે.

ટેકટોનિક પ્લેટોમાં થનારી અનિયમિતતાઓ જોખમી નીવડી શકે છે
કાટમાળની માટી મજબૂત હોતી નથી. પાણીના વહેણથી અંદર ગુફાઓ બની જાય છે. ઉપર પહાડ દેખાય, પણ એ ખોખલો બની ચૂક્યો હોય છે. ચમોલી જિલ્લો સમગ્ર ટેકટોનિક પ્લેટોમાં થનારી અનિયમિતતાઓની ઉપર રહેલી જમીન પર વસેલું છે, એટલે કે જોરદાર વરસાદ અને ભૂકંપ બંનેથી થનારા ભૂસ્ખલનથી જોશીમઠ અને સમગ્ર ચમોલી જિલ્લો તહસનહસ થઈ શકે છે.

આ તસવીરની ટોચ પર જોશીમઠ-ઓલી રોડ છે. નીચે અલકનંદા વહી રહી છે. પીળા વર્તુળાકાર વિસ્તાર તૂટી જવાની આરે છે. (ફોટો: ISRO)
આ તસવીરની ટોચ પર જોશીમઠ-ઓલી રોડ છે. નીચે અલકનંદા વહી રહી છે. પીળા વર્તુળાકાર વિસ્તાર તૂટી જવાની આરે છે. (ફોટો: ISRO)

છેલ્લાં વર્ષ 16થી 19 ઓગસ્ટની વિજ્ઞાનીઓએ જોશીમઠનો ગ્રાઉન્ડ સ્ટડી કર્યો હતો. 7 ફેબ્રુઆરી 2021 ઋષિગંગા દુર્ઘટના પછી જોશીમઠનું રવિગ્રામ નાળા અને નૌગંગા નાળામાં ટો ઈરોશન અને સ્લાઈડિંગ વધી ગયું હતું. ટો ઈરોશન એટલે કે પહાડના નીચલા હિસ્સો કપાવો, જ્યાં નદી કે નાળું વહેતું હોય. સ્લાઈડિંગ, એટલે કે માટી ખસવી. ચોમાસાના વરસાદને કારણે સૌથી વધુ તિરાડો રવિગ્રામ વિસ્તારમાં જોવા મળી હતી.

ભૂસ્ખલન જોશીમઠ અને સમગ્ર ચમોલી જિલ્લાને નષ્ટ કરી શકે છે.
ભૂસ્ખલન જોશીમઠ અને સમગ્ર ચમોલી જિલ્લાને નષ્ટ કરી શકે છે.

આ કારણોથી ધસી રહ્યું છે જોશીમઠ
પ્રાચીન ભૂસ્ખલનના કાટમાળ પર વસેલા જોશીમઠનો મોટા ભાગનો હિસ્સો ઢોળાવો પર છે. ઢોળાવોની માટીનું ઉપલો સ્તર નબળો છે. આ સાથે જ એના પર વજન ખૂબ વધુ છે, જેને કારણે એ ધસી રહ્યું છે. વરસાદનું પાણી અને ઘરો-હોટલોથી નીકળનારા ગંદા પાણીની નિકાસની યોગ્ય વ્યવસ્થા નહોતી. એ જમીનની અંદર વહેતું રહ્યું છે. એનાથી માટીની ઉપરની સપાટી નબળી થતી ગઈ. સતત પાણીના વહેણના કારણે માટીના સ્તરોમાં રહેલાં ચીકણા ખનીજો વહી ગયાં. એનાથી જમીન નબળી થતી ગઈ. ઉપરથી સતત થઈ રહેલા નિર્માણનું વજન આ પ્રાચીન કાટમાળ સહન ન કરી શક્યો.