પશ્ચિમ બંગાળના ધો-10ની પ્રી-બોર્ડ પરીક્ષામાં પાક અધિકૃત કાશ્મીર(PoK)ને આઝાદ કાશ્મીર ગણાવતા વિવાદ ઊભો થયો છે. ઓલ બંગાળ ટીચર્સ એસોસિએશન (ABTA) તરફથી પ્રકાશિત થયેલા ટેસ્ટ પેપરમાં PoKને આઝાદ કાશ્મીર ગણાવી તેના પર વિદ્યાર્થીઓને નોંધ લખવાનું કહેવામાં આવ્યું હતું. ગયા અઠવાડિયે પશ્ચિમ બંગાળ સ્કૂલ સર્વિસ કમિશને PoKને આઝાદ કાશ્મીર લખી પ્રશ્ન પૂછયો હતો, જેની પર હજુ સુધી વિવાદ શરૂ છે.
આ પ્રશ્નો પર વિવાદ થઇ રહ્યો છે, કારણ કે, કાશ્મીરનો જે ભાગ પાકિસ્તાને પોતાના કબ્જામાં લઇ લીધો છે, ભારત તેને પાક અધિકૃત કાશ્મીર(POK) કહે છે. પાકિસ્તાને આ જ ભાગને આઝાદ કાશ્મીરનું નામ આપેલું છે. ભારત સરકાર આઝાદ કાશ્મીર નામને માન્યતા આપતી નથી. તેવામાં, ટેસ્ટ પેપરમાં આ નામ સાથેનો પ્રશ્ન આવતાં વિવાદ સર્જાયો છે.
સંગઠનના સેક્રેટરીએ કહ્યું- આવો પ્રશ્ન ન હોવો જોઇએ
ABTA રાજ્યના વામપંથી સ્કૂલ ટીચર્સનું સંગઠન છે. ABTAના જનરલ સેક્રેટરી સુકુમાર પૈનએ માન્યું કે, અસોસિએશનના ટેસ્ટ પેપરમાં આવો પ્રશ્ન આવ્યો હતો. તેમણે કહ્યું કે, બોર્ડના અભ્યાસક્રમમાં આ બાબતે સંદર્ભ આપેલ છે, રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલા પુસ્તકોમાં પણ આ અંગે ઉલ્લેખ કરાયેલ છે. આ મામલે વિવાદ ચાલી રહ્યો છે. એટલા માટે એ જ સારું હોત કે અમારા ટેસ્ટ પેપરમાં આવો પ્રશ્ન જ ન આવ્યો હોત.
સ્કૂલ સર્વિસ કમિશને પૂછયો હતો આઝાદ કાશ્મીર પર સવાલ
ગત દિવસોમાં પશ્ચિમ બંગાળ સ્કૂલ કમિશને બનાવેલા ટેસ્ટ પેપરમાં પણ ધોરણ-10ના બાળકોને આવો જ પ્રશ્ન પૂછ્યો હતો. આ પેપરમાં બાળકોને નકશા પર આઝાદ કાશ્મીરને માર્ક કરવાનું કહેવામાં આવ્યું હતું. આ અંગે ભારે રાજકીય હોબાળો થયો હતો.
કેન્દ્રએ સ્કૂલ સર્વિસ પાસે જવાબ માગ્યો
WBBSEના પેપરથી શરૂ થયેલો વિવાદ કેન્દ્ર સુધી પહોંચી ગયો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ રાજ્યના શિક્ષણ વિભાગને પત્ર લખીને આ અંગે જવાબ માગ્યો છે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે 'આઝાદ કાશ્મીર'નો મુદ્દો ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે અને ભારત સરકાર 'પાકિસ્તાન અધિકૃત કાશ્મીર'ને 'આઝાદ કાશ્મીર' તરીકે માન્યતા આપતી નથી.
મામલાની ગંભીરતા સમજીને રાજ્યના શિક્ષણ વિભાગે આ મામલે આંતરિક તપાસ શરૂ કરી છે. સૂત્રોના કહ્યા પ્રમાણે આ મામલે કુલ 9 શિક્ષકોની ઓળખ થઇ છે અને તેમને ચેતવણી આપવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.