રામ રાખે તેને કોણ ચાખે એ કહેવત આ કિસ્સામાં સાચ્ચી સાબિત થઈ છે. પંજાબના બઠિંડાના રહેવાસી 42 વર્ષીય હરદીપ સિંહ સાથે આ કહેવત પ્રમાણેની ઘટના બની છે. એક ભયંકર માર્ગ અકસ્માતમાં 4 ઇંચ જાડો સળિયો હરદીપની છાતીની આરપાર પસાર થઈ ગયો હતો. આ ઘટના ગુરુવારે બપોરે 1:30 વાગ્યે બઠિંડા-ભુચ્ચો મંડી રોડ પર એક નજીકની હોસ્પિટલ પાસે બની હતી. હરદીપ મિની ટ્રકમાં પોતાના કામે જઈ રહ્યા હતા, ત્યારે જ ગાડીનું ટાયર ફાટવાથી હરદીપનું બેલેન્સ બગડ્યું અને તેમની ગાડી ડિવાઈડરમાં ઘૂસી ગઈ હતી. હરદીપ કાઈપણ સમજે એ પહેલાં તેમની છાતીમાં 4 ઈંચ મોટી અને 6 ફૂટ લાંબો સળિયો આરપાર થઈ ગયો હતો. ડોક્ટર્સે સાંજે 4 કલાક સુધી ચાલેલા ઓપરેશન પછી સળિયાને બહાર કાઢ્યો. ઘટનાનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે.
ઘટનાસ્થળે હાજર લોકોએ હોસ્પિટલ પહોંચાડ્યો
ઘટનાનો શિકાર બનેલા યુવકની ઓળખાણ ટાટા મોટર્સમાં કામ કરનાર હરદીપ સિંહ તરીકે થઈ છે. હરદીપની સ્થિતિ જોઈ ઘટનાસ્થળે હાજર રહેલા લોકોનું દિલ હચમચી ઊઠ્યું હતું, પરંતુ કોઈ રીતે હિંમત એકઠી કરી લોકોએ દર્દથી પીડાઈ રહેલા હરદીપને આદેશ હોસ્પિટલ પહોચાડ્યો.
હૃદયથી અડધા સેમી દૂર હતો સળિયો
ડોક્ટર્સનું કહેવું હતું કે અબોહરના રહેવાસી હરદીપ સિંહને જ્યારે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યારે તેમની સ્થિતિ ગંભીર હતી. પહેલા કટરની મદદથી હરદીપના છાતીની આરપાર થયેલા સળિયાને કાપવામાં આવ્યો, એ પછી ડોક્ટર્સે ઓપરેશન ચાલુ કર્યું હતું. સળિયો હૃદયથી માત્ર અડધા સેમી જ દૂર હતો, જો હૃદય ડેમેજ થાત તો જીવ બચાવવો મુશ્કેલ બની જાત. આશરે 4 કલાક ચાલેલા ઓપરેશન પછી ડોક્ટર્સે તેમની છાતીની આરપાર થયેલો સળિયો કાઢ્યો હતો. સળિયો આરપાર હોવાને કારણે હરદીપને છાતીમાં 4 ઈંચનું કાણું પડી ગયું છે. અત્યારે તેઓ ભયથી બહાર છે અને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.
વાહેગુરુને યાદ કરતા રહ્યા હરદીપ
ઘટના પછી હોસ્પિટલ જતી વખતે તથા ઓપરેશન ચાલવા સુધી હરદીપ માત્ર વાહેગુરુ-વાહેગુરુ જપતા રહ્યા. તેમનું કહેવું છે કે મેં જીવનમાં કોઈનું ખરાબ નથી કર્યું તો વાહેગુરુ મારા સાથે કંઈપણ ખરાબ બનવા ન દે. ડોક્ટર પણ હરદીપની હિંમત જોઈ આશ્ચર્ય પામ્યા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.