મધ્યપ્રદેશના બેતુલમાં બોરવેલમાં ફસાયેલા 6 વર્ષનો બાળક મોતને ભેટ્યો હતો. 84 કલાક બાદ બોરવેલમાં ફસાયેલા બાળકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.પોસ્ટમોર્ટમ બાદ બેતુલ જિલ્લા હોસ્પિટલના પરિજનો તન્મયના મૃતદેહને લઈને ગામ ગયા હતા. ઘરેથી તન્મયની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં આખું ગામ જોડાયુ હતુ. તાપ્તી ઘાટ પર તન્મયના અંતિમ વિદાય આપવામાં આવી હતી. કાકા રાજેશ સાહુએ મુખાગ્નિ આપી હતી.
રેસ્ક્યૂ ટીમ સવારે 3 વાગ્યે બાળકની નજીક પહોંચી હતી. સવારે 5 વાગ્યા સુધી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતદેહને 7 વાગે બેતુલની જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. 5 તબીબની ટીમે મૃતદેહનું પીએમ કર્યું હતું.
બાળકની પાંસળીમાં ઈજા હતી, છાતીમાં પણ ઈન્ફેક્શન હતુ
ADM શ્યામેન્દ્ર જયસ્વાલે જણાવ્યું કે જ્યારે તન્મયના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો ત્યારે તે સડી ગયેલી હાલતમાં હતો. પીએમ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે તેને છાતીમાં ઈન્ફેક્શન (છાતીમાં જકડાઈ જવું) અને પાંસળીમાં ઈજા થઈ હતી. તહસીલદાર ગામમાં પરિવાર સાથે પહોંચી ગયા છે. અંતિમ સંસ્કાર માટે નાણાકીય સહાય આપવામાં આવશે. કલેક્ટર અમનબીર સિંહ બેન્સે જણાવ્યું કે બોર 400 ફૂટ ઊંડો છે. બાળક લગભગ 39 ફૂટ ઊંડાઈમાં ફસાઈ ગયું હતું. બચાવ ટીમે બોરની સમાંતર 44 ફૂટ ઊંડો ખાડો ખોદ્યો હતો. આ પછી 9 ફૂટની આડી ટનલ ખોદવામાં આવી હતી.
બાળકના કાકા રાજેશ સાહુએ કહ્યું, તન્મયના અંતિમ સંસ્કાર ગામ માંડવીમાં તાપ્તી ઘાટ પર કરવામાં આવશે. અમારા માટે આ ખૂબ જ દુઃખદ સમય છે. અમે વિચાર્યું હતું કે અમે સફળ થઈશું અને અમારું બાળક પાછું મળી જશે. બચાવ ટીમે દિવસ-રાત પ્રયાસ કર્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મોડું થઈ ગયું. જો અમારી પાસે પૂરતાં સંસાધનો હોતો તો એ જ દિવસે તેને બહાર કાઢી લેવામાં આવ્યો હોત તો તે બચી ગયો હોત. ટીમનું કામ સારું હતું, પરંતુ અમે મોડું કર્યું.
રેસ્ક્યૂમાં NDRF અને DSRFના 61 જવાન હતા
રેસ્ક્યૂ-ઓપરેશનની દેખરેખ કરી રહેલા હોમગાર્ડ કમાન્ડેન્ટ એસઆર આઝમીએ જણાવ્યું હતું કે બારવેલમાં તન્મય 39 ફૂટ પર ફસાયું છે. બાળકોની નોર્મલ હાઈટ ત્રણથી ચાર ફૂટ માનીને અમે 44 ફૂટ સુધી ખાડો ખોધ્યો હતો. ટનલ બનાવવામાં NDRF અને DSRFના 61 જવાન રોકાયેલા હતા.
ચાર ગામના લોકો મદદ માટે ભેગા થયા
આ ઘટના જ્યાં બની તે માંડવી ગામના લોકો તેમજ આસપાસનાં 4 ગામે મદદનો હાથ લંબાવ્યો હતો. બચાવકાર્યમાં જોડાયેલા 200થી વધુ લોકો માટે મફત ભોજનથી લઈને તમામ પ્રકારની વ્યવસ્થા ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે તન્મયને હસતો-રમતો જોવા માગતા હતા.
બોરવેલની અંદરથી બાળકનો અવાજ આવતો હતો
આ દુર્ઘટના મંગળવારે સાંજે લગભગ 5 વાગ્યે બેતુલ જિલ્લાના અથનેરના માંડવી ગામમાં બની હતી. 6 વર્ષનો તન્મય અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો. આ દરમિયાન તે પાડોશીના બોરવેલમાં પડી ગયો હતો. અવાજ કરવા પર બોરવેલની અંદરથી બાળકનો અવાજ આવ્યો. આના પર પરિવારના સભ્યોએ તરત જ બેતુલ અને આઠનેર પોલીસને જાણ કરી હતી.
તન્મયની 11 વર્ષની બહેન નિધિ સાહુએ કહ્યું, અમે સંતાકૂકડી રમતાં હતાં. ભાઈને કહ્યું હતું, ચાલો.. હવે ઘરે જઈએ. તે કૂદતો-કૂદતો આવ્યો. બોર ઉપર એક કોથળો હતો. તેણે કોથળો પકડી રાખ્યો હતો, હું પહોંચી ત્યાં સુધીમાં ભાઈ નીચે પડી ગયો હતો. માતા રિતુ સાહુ કહે છે કે તે લગભગ 5 વાગે પડી ગયો હતો. તેણે અવાજ પણ કર્યો હતો. ત્યારે તેના ઝડપી શ્વાસોશ્વાસ ચાલી રહ્યા હતા, પણ તન્મયને બચાવી શકાયો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.