• Gujarati News
 • National
 • A Record 1.44 Lakh Cases Were Reported In 24 Hours; Active Cases Over 10.40 Lakh For The First Time, Recovery Rate Dropped To 90%

કોરોના દેશમાં:UP-પંજાબ-દિલ્હીમાં વેક્સિનની અછત; કેજરીવાલે કહ્યું- રાજધાનીમાં નવા પ્રતિબંધો નહીં લાગે, સોનિયાએ મોદી સરકાર પર નિશાન સાધ્યું

નવી દિલ્હીએક વર્ષ પહેલા
 • કેન્દ્ર કોરોના પર કાબૂ મેળવવામાં નિષ્ફળ, વેક્સિનના નિકાસને કારણે દેશમાં અછતની પરિસ્થિતિ સર્જાઇઃ સોનિયા ગાંધી
 • અત્યારસુધીમાં 9 કરોડ 78 લાખથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે
 • 24 કલાકમાં રેકોર્ડ 1.44 લાખથી વધુ કેસ નોંધાયા; એક્ટિવ કેસ પ્રથમવાર 10.40 લાખથી વધુ, રિકવરી રેટ ઘટીને 90% રહ્યો

મહારાષ્ટ્ર, બિહાર, રાજસ્થાન બાદ હવે ઉત્તર પ્રદેશ, પંજાબ અને દિલ્હીમાં પણ વેક્સિનની અછત સર્જાઈ રહી છે. UPના કેટલાક જિલ્લાઓમાં વેક્સિનની અછત થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આવી પરિસ્થિતિ સર્જાતા પંજાબના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે જો અત્યારે જે ગતિએ વેક્સિનેશન હાથ ધરાયું છે, એમજ ચાલીશું તો માત્ર 5 દિવસમાં ડોઝ ખતમ થઈ જશે. અગર અમે ટાર્ગેટના આધારે ડોઝ લગાવતા રહ્યા તો માત્ર 2 દિવસમાં ડોઝ ખતમ થઈ જશે.

વેક્સિનની તકલીફો વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે ઘોષણા કરી હતી કે રાજ્યમાં હવે કોઈપણ પ્રકારના પ્રતિબંધો કે લોકડાઉન લાદવામાં નહીં આવે. તેઓએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પાસે વેક્સિનના ડોઝના વધુ સપ્લાય અંગે પણ વાત કરી હતી. કેજરીવાલના જણાવ્યા પ્રમાણે હવે તેઓની પાસે માત્ર 7થી 10 દિવસ ચાલે એટલા જ વેક્સિનના ડોઝ બાકી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, અત્યારસુધી 9 કરોડ 78 લાખ 71 હજાર વેક્સિનના ડોઝ લગાવાઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 32.16 લાખ લોકોને વેક્સિનના ડોઝ અપાયા હતા.

ઉદ્ધવ ઠાકરેએ સર્વપક્ષીય બેઠક બોલાવી
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સર્વપક્ષીય બેઠક (ઓલ પાર્ટી મીટિંગ) બોલાવી છે. આ બેઠકમાં તેઓ કોરોના વિરૂદ્ધની લડાઈ અંગે સરકારની તૈયારીઓની જાણકારી આપશે. જેમાં વિપક્ષના નેતાઓના સૂચનોને પણ સાંભળશે.

સોનિયાએ મોદી સરકાર પર તંજ કસ્યો
કોંગ્રેસની કાર્યવાહક અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મીટિંગનું આયોજન કર્યું છે. જેમાં તેઓએ કોરોનાની પરિસ્થિતિ અને વેક્સિનેશન અંગે ચર્ચા કરી હતી. સોનિયા ગાંધીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવામાં નિષ્ફળ નીવડી છે. એટલું જ નહીં તેઓએ વેક્સિનની અછતની પરિસ્થિતિના નિર્માણ માટે પણ મોદી સરકારને જવાબદાર ઠેરવી હતી. બેઠકમાં વેક્સિનના નિકાસને કારણે દેશમાં અછતની પરિસ્થિતિ સર્જાઈ હોવાની વાત ઉચ્ચારી હતી.

શુક્રવારે રેકોર્ડબ્રેક 1.44 લાખ દર્દીઓ મળ્યા
દેશમાં કોરોનાના કારણે સતત પરિસ્થિતિ ખૂબ જ ખરાબ બની રહી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 1 લાખ 44 હજાર 829 કેસ નોંધાયા છે. ગયા વર્ષે વાયરસનું સંક્રમણ શરૂ થયા પછીથી અત્યારસુધીમાં એક જ દિવસમાં નોંધાયેલા આ દર્દીની સંખ્યા સૌથી વધુ છે. આ પહેલાં ગુરુવારે 1.31 લાખ કેસ નોંધાયા હતા.

એક્ટિવ કેસ એટલે કે જે દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે તેમની સંખ્યા પણ ખૂબ વધી છે. શુક્રવારે દેશભરમાં 77 હજાર 199 લોકો સાજા થયા હતા, જ્યારે 773 દર્દીનાં મોત નીપજ્યાં હતાં. એવી રીતે એક્ટિવ કેસમાં 66 હજાર 760નો વધારો થયો છે. દેશમાં હવે 10 લાખ 40 હજાર 993 દર્દી સારવાર લઈ રહ્યા છે. આ આંકડો કોરોનાના પાછલા તબક્કાની પીક કરતાં ઘણા વધારે પહોંચ્યો છે. ગત વર્ષે 17 સપ્ટેમ્બર સંક્રમણનો પીક દિવસ હતો. આ દિવસે દેશમાં સૌથી વધુ 10.17 લાખ એક્ટિવ કેસ હતા. ત્યાર બાદ આ આંકડા ઘટવા લાગ્યા હતા, પરંતુ હવે ફરીથી પરિસ્થિતિ ભયજનક બની રહી છે.

ફોટો ગુજરાતના સુરત શહેરનો છે. અહીં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના અંતિમસંસ્કાર માટે ટોકન સિસ્ટમ શરૂ થઈ છે. મૃતકોના સંબંધીઓને ઘણા કલાકો સુધી રાહ જોવી પડી રહી છે.
ફોટો ગુજરાતના સુરત શહેરનો છે. અહીં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના અંતિમસંસ્કાર માટે ટોકન સિસ્ટમ શરૂ થઈ છે. મૃતકોના સંબંધીઓને ઘણા કલાકો સુધી રાહ જોવી પડી રહી છે.

એક જ દિવસની અંદર રિકવરી રેટ 91%થી ઘટીને 90% પહોંચ્યો
રિકવરી રેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. એક જ દિવસમાં એ 91.76%થી ઘટીને 90.8% થઈ ગયો. છેલ્લાં ત્રણ અઠવાડિયામાં એમાં આશરે 8%નો ઘટાડો નોંધાયો છે. છટ્ટીસગઢમાં સૌથી નીચો 80.5% અને મહારાષ્ટ્રમાં 82% દર્દીઓ સ્વસ્થ થયા છે. અહીં એક્ટિવ રેટ ખૂબ વધુ છે. છત્તીસગઢમાં હાલમાં 18.4% છે અને મહારાષ્ટ્ર 16.3% એક્ટિવ રેટ છે.

સંઘપ્રમુખ કોરોના સંક્રમિત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત કોરોના પોઝિટિવ બન્યા છે. તેમને નાગપુરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગયા સોમવારે ભાગવત હરિદ્વાર ગયા હતા, જ્યાં તેમણે કુંભમેળામાં ભાગ લીધો હતો. તેમણે ગંગામાં ડૂબકી પણ લગાવી હતી.

અત્યારસુધીમાં 1.32 કરોડ લોકોને સંક્રમણ લાગ્યું
દેશમાં અત્યારસુધીમાં 1 કરોડ 32 લાખ 2 હજારથી વધુ લોકોને આ સંક્રમણ લાગ્યું છે, તેમાંથી 1 કરોડ 19 લાખ 87 હજાર લોકો સાજા થયા છે, જ્યારે 1 લાખ 68 હજાર 467 દર્દી મૃત્યુ પામ્યા છે. 10 લાખ 40 હજાર 993 દર્દી સારવાર લઈ રહ્યા છે. અત્યારસુધીમાં 9 કરોડ 50 લાખથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે.

કોરોનાં અપડેટ્સ

 • કોરોનાના વધતા કહેર વચ્ચે વધુ એક ચિંતાના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં દિલ્હી એઇમ્સના અનેક ડોકટરો સહિત 32 આરોગ્યકર્મચારી કોરોના પોઝિટિવ મળ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, આ બધા લોકોને વેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યા છે. એક દિવસ અગાઉ દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના 37 ડોકટરોને સંક્રમણ લાગ્યું હતું.
 • શુક્રવારે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સર ગંગારામ હોસ્પિટલના ડિરેક્ટરને મળ્યા અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી, જ્યારે કોરોનાના વધતા જતા કેસોને કારણે દિલ્હીની તમામ સરકારી અને ખાનગી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે આગામી આદેશ સુધી તમામ શાળાઓ બંધ રહેશે.
 • ઓડિશા સરકારે માસ્ક ન પહેરવા બદલ દંડની રકમ વધારી દીધી છે. હવે પહેલી અને બીજી વાર માસ્ક નહીં પહેરનાર પાસેથી 2 હજાર રૂપિયા અને ત્યાર બાદ 5 હજાર રૂપિયા દંડ લેવામાં આવશે. આ દેશભરમાં માસ્ક ન પહેરવા બદલ દંડની સૌથી મોટી રકમ છે. મોટા ભાગનાં રાજ્યોમાં એ 200થી 500 રૂપિયા છે. દિલ્હીમાં 2 હજાર રૂપિયા દંડ લગાવવામાં આવ્યો હતો.
 • ઈસ્ટ કોસ્ટ રેલવેનું કહેવું છે કે 10 એપ્રિલથી દેશમાં ક્યાંયથી પણ ઓડિશા આવતા મુસાફરો માટે RT-PCR નેગેટિવ રિપોર્ટ (72 કલાકથી વધુ જૂનો નહીં) અથવા વેક્સિનનો બીજો ડોઝ લીધાનું પ્રમાણ પત્ર હોવું જરૂરી રહેશે. માન્ય દસ્તાવેજો વિના 7 દિવસ સુધી ક્વોરન્ટીન રહેવું પડશે.
 • બિહાર સરકારે શુક્રવારે કેટલાક નવા પ્રતિબંધો જાહેર કર્યા છે. દુકાન, શોરૂમ અને મોલ સાંજે 7 વાગ્યે બંધ કરવાનાં રહેશે. એક દિવસમાં સરકારી કચેરીઓમાં ફક્ત 35% કર્મચારીઓ અને ખાનગીમાં 33% કર્મચારીને જ આવવા દેવામાં આવશે, એટલે કે એક કર્મચારીની ડ્યૂટી બે દિવસ પછી લાગશે, સાથે જ સરકારે 18 એપ્રિલ સુધી શાળાઓ, કોલેજો, કોચિંગ બંધ રાખવાનો આદેશ આપ્યો છે.
 • બિહારમાં 25% ક્ષમતા સાથે રેસ્ટોરાં, હોટલ અને ઢાબા ખૂલશે. તમામ સિનેમા હોલમાં 50% લોકોને જ પ્રવેશ આપવામાં આવશે. જાહેર પરિવહનમાં ક્ષમતા કરતાં અડધા લોકોને જ બેસવા દેવામાં આવશે. સીએમ નીતીશ કુમારે જણાવ્યું હતું કે 11થી 14 એપ્રિલ દરમિયાન વેક્સિનેશન માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવશે.
 • ઉત્તરાખંડના હલ્દ્વાની, દેહરાદૂન અને હરિદ્વારમાં 1થી 12 સુધીના વર્ગ 30 એપ્રિલ સુધી બંધ રહેશે.
 • અલાહબાદ યુનિવર્સિટીમાં 40 સ્ટાફ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે, તેમાંથી બે લોકોનાં મોત નીપજ્યાં. 21 એપ્રિલ સુધી યુનિવર્સિટીને સીલ કરી દેવામાં આવી છે. પરીક્ષાની તારીખ પણ આગળ વધારી દેવામાં આવી છે.
 • મહારાષ્ટ્ર સરકારે 11 એપ્રિલે યોજાનારી MPSC પ્રવેશ પરીક્ષા આગળના આદેશ સુધી મુલતવી રાખી છે.
ફોટો ચેન્નઇનો છે. અહીં IPL મેચ દરમિયાન સ્ટેડિયમ ખાતે સેનિટાઈઝ કરતાં કર્મચારીઓ.
ફોટો ચેન્નઇનો છે. અહીં IPL મેચ દરમિયાન સ્ટેડિયમ ખાતે સેનિટાઈઝ કરતાં કર્મચારીઓ.

મુખ્ય રાજ્યોની પરિસ્થિતિ

1. મહારાષ્ટ્ર
અહીં શુક્રવારે 58,993 નવા કેસ નોંધાયા હતા, 45,391 લોકો સજા થયા અને 301 લોકોનાં મોત થયાં હતાં. રાજ્યમાં અત્યારસુધીમાં 32.88 લાખ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 26.95 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 57,329 લોકોનાં મોત થયાં છે. અહીં લગભગ 5.34 લાખ લોકો સારવાર હેઠળ છે.

2. છત્તીસગઢ
રાજ્યમાં શુક્રવારે 11 હજાર 447 લોકો કોરોના પોઝિટિવ સામે આવ્યા છે, 2613 લોકો સાજા થયા છે અને 91 લોકોનાં મોત થયા છે. અત્યારસુધીમાં રાજ્યમાં 4 લાખ 18 હજાર 678 લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 3 લાખ 37 હજાર 156 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4654 દર્દીઓનાં મોત થયાં છે. 76 હજાર 865 દર્દીની સારવાર કરવામાં આવી રહી છે. સંક્રમણની સરખામણી અહીં એક્ટિવ રેટ દેશમાં સૌથી વધુ છે. હાલમાં 18.4% એક્ટિવ દર્દીઓ સારવાર હેઠળ છે.

3. ઉત્તરપ્રદેશ
શુક્રવારે 9,587 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, 583 લોકો સાજા થયા અને 36 લોકો મૃત્યુ પામ્યા. અહીં અત્યારસુધીમાં 6 લાખ 63 હજાર 991 લોકોને સંક્રમણ લાગ્યું છે, તેમાંથી 6 લાખ 6 હજાર 646 લોકો સ્વસ્થ થયા છે, જ્યારે 9,039 દર્દી મૃત્યુ પામ્યા છે. 48 હજાર 306 દર્દી સારવાર લઈ રહ્યા છે.

4. દિલ્હી
શુક્રવારે રાજ્યમાં 8,521 લોકોને કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા, 5032 લોકો સાજા થયા અને 39 લોકો મૃત્યુ પામ્યા. અહીં સુધીમાં 7 લાખ 6 હજાર 526 લોકોને સંક્રમણ લાગ્યું છે, તેમાંથી 6 લાખ 86 હજાર 699 લોકો સ્વસ્થ થઈ ગયા છે, જ્યારે 11 હજાર 196 દર્દીએ જીવ ગુમાવ્યો હતો. 26 હજાર 631 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

5. મધ્યપ્રદેશ
શુક્રવારે રાજ્યમાં 4,882 લોકોને કોરોના પોઝિટિવ નોંધાયા હતા, 3433 લોકો સાજા થયા અને 23 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 3 લાખ 27 હજાર 220 લોકો અહીં સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 2 લાખ 92 હજાર 598 લોકો સાજા થયા છે, જ્યારે 4136 દર્દીએ જીવ ગુમાવ્યો છે, જેમાં 30 હજાર 486 દર્દી સારવાર લઈ રહ્યા છે.

6. ગુજરાત
શુક્રવારે રાજ્યમાં 4,541 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા, 2280 લોકો સાજા થયા અને 42 લોકો મૃત્યુ પામ્યા. અહીં અત્યારસુધીમાં 3 લાખ 37 હજાર 15 લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે, તેમાંથી 3 લાખ 9 હજાર 626 લોકો સાજા થયા છે, જ્યારે 4697 દર્દી મૃત્યુ પામ્યા છે. અહીં 22 હજાર 692 દર્દી સારવાર લઈ રહ્યા છે.

7. રાજસ્થાન
શુક્રવારે રાજ્યમાં 3,970 લોકોને સંક્રમણ લાગ્યું હતું. 1005 લોકો સાજા થયા અને 12 લોકો મૃત્યુ પામ્યા. અહીં અત્યારસુધીમાં 3 લાખ 54 હજાર 287 લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે, તેમાંથી 3 લાખ 27 હજાર 304 લોકો સાજા થયા છે, જ્યારે 2898 દર્દી મૃત્યુ પામ્યા છે. 24 હજાર 85 દર્દી સારવાર લઈ રહ્યા છે.

8. પંજાબ
શુક્રવારે રાજ્યમાં 3,404 લોકોને સંક્રમણ લાગ્યું હતું, 2518 લોકો સાજા થયા અને 56 લોકો મૃત્યુ પામ્યા હતા. અહીં અત્યારસુધીમાં 2 લાખ 66 હજાર 494 લોકોને સંક્રમણ લાગ્યું છે, તેમાંથી 2 લાખ 31 હજાર 885 લોકો સાજા થયા છે, જ્યારે 7390 દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 27 હજાર 219 દર્દી સારવાર લઈ રહ્યા છે.