તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • A Party Worker Cannot Go Out Without A Security Guard; Family Members Say Separatists Do Not Want Presence Of Kashmiri Pandits In Valley

કાશ્મીરમાં BJP નેતા રાકેશ પંડિતની હત્યા:પરિવારે કહ્યું, ભાગલાવાદીઓને પસંદ નથી પંડિતોની હાજરી; નવી ગાઈડલાઈનમાં હવે સિક્યુરિટી વગર ઘર બહાર નહીં જઈ શકે કાર્યકરો

જમ્મુ કાશ્મીર21 દિવસ પહેલા
જમ્મુ કાશ્મીરમાં ગઇકાલે ગોળી મારીને ભાજપના કાઉન્સિલર રાકેશની હત્યા કરવામાં આવી હતી.
  • હત્યા મુદ્દે રાકેશના પરિવારે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી હતી
  • ત્રાલમાં ભાજપ નેતા રાકેશની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી હતી

દક્ષિણ કાશ્મીરના ત્રાલમાં છેલ્લા 24 કલાક દરમિયાન બે આતંકવાદી ઘટનાઓ બની હતી. બુધવારે સાંજે આતંકવાદીઓએ ત્રાલના ભાજપના કાઉન્સીલર રાકેશ પંડિત પર હુમલો કર્યો હતો અને તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જ્યારે ત્રાલના એસઓજી કેમ્પમાં પોલીસ પાસેથી હથિયારો છીનવી લેનાર અને પોલીસ પર ફાયરિંગ કરનારા આતંકવાદીના મદદગારને પોલીસે જવાબી કાર્યવાહીમાં ઠાર માર્યો હતો.

સુરક્ષા કર્મચારી વિના પાર્ટીના કાર્યકર બહાર જઈ શકશે નહીં
સેના અધ્યક્ષની કાશ્મીર મુલાકાતની વચ્ચે ગઈકાલે ત્રાલમાં આતંકવાદીઓએ પાલિકાના અધ્યક્ષ કાશ્મીરી પંડિત અને ભાજપના નેતા રાકેશ પંડિતની ગોળી મારી હત્યા કરી હતી. હત્યા બાદ કાશ્મીર રેન્જના પોલીસ ઈન્સ્પેક્ટર જનરલ (IGP) વિજય કુમારે કહ્યું કે કોઈ સુરક્ષા કર્મચારી વિના પાર્ટીના કાર્યકર બહાર જઈ શકશે નહીં

આઈજીપીએ એક ટિ્‌વટમાં કહ્યું છે કે હાલમાં કોઈ પણ પાર્ટીના લોકોને પ્રવાસ પર જવાની મંજૂરી નથી. સ્થાનિક જોખમને ધ્યાનમાં લીધા પછી જ, સુરક્ષા કર્મીઓની સાથે જ મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવશે. તેમણે સુરક્ષા પ્રાપ્ત લોકોને SOPનું પાલન કરવાની વિનંતી પણ કરી છે.

એક ટ્વીટમાં પોલીસે કહ્યું કે, "તમામ સુરક્ષા પ્રાપ્ત લોકોને એસઓપીનું ઉલ્લંઘન ન કરવા અને બિનજરૂરી રીતે પોતાના જીવને જોખમ ન મૂકવા વિનંતી છે. ભાજપના નેતા અને મ્યુનિસિપલ કમિટીના પ્રમુખ રાકેશ પંડિતાની શંકાસ્પદ આતંકવાદીઓએ હત્યાના એક દિવસ પછી, પોલીસે એક નવી ગાઈડલાઇન જાહેર કરી છે કે આ સુરક્ષા પ્રાપ્ત લોકોને આ નિયમોનું પાલન કરવા જણાવાયું છે.

દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલમાં ભાજપ નેતા રાકેશ પંડિતની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટના બાદ તરત જ રાકેશને ગંભીર હાલતમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટના બાદથી પોલીસ એક્શનમાં આવી છે. આ ઘટના બાદ પોલીસ દ્વારા આતંકવાદીઓને પકડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

રાકેશના પરિવારે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી હતી
ભાજપના નેતા રાકેશ પંડિતના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેની હત્યા અંગે તેને બનેવી સંજય રૈનાએ કહ્યું કે લાગે છે કે કેટલાક આતંકવાદી મદદગારો દ્વારા કોઈ છટકું ગોઠવવામાં આવ્યું હોય. તેમણે આરોપ લગાવ્યા હતા કે તે (રાકેશ) ગામમાં હાજર છે તે બાબતે કોઈકે આતંકવાદીઓને જાણ કરી હશે. તેઓએ તેની હત્યાની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે.

રાકેશ પંડિતના મામા રાધા કૃષ્ણ રૈનાએ કહ્યું હતું કે ભલે સીબીઆઈ હોય કે એનઆઈએ, આ સમગ્ર મામલાની ઉચ્ચ સ્તરીય તપાસની અમને જરૂર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે અલગતાવાદી માનસિકતાવાળા લોકો ખીણમાં કાશ્મીરી પંડિતોની હાજરી માંગતા નથી. તેમણે વધુમાં કહ્યું કે કાશ્મીરી પંડિત ખીણમાં ઘણા લોકોની આંખોમાં કણાંની જેમ ખૂંચે છે.

સિબ્બલે કહ્યું - આ પાગલપણાને અટકાવવામાં આવે
રાકેશ પંડિતની હત્યા અંગે કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન કપિલ સિબ્બલે કહ્યું કે રાજકારણમાં બંદૂકોનું કોઈ સ્થાન નથી, આતંકવાદીઓએ ત્રાલમાં ભાજપના કાઉન્સિલર રાકેશ પંડિતની હત્યા કરી હતી, 30 માર્ચે ભાજપના અન્ય બે કાઉન્સિલરો માર્યા ગયા હતા, આ પાગલપણાને અટકાવવું જ જોઈએ.

જ્યારે, પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું, 'ભાજપના કાઉન્સિલર રાકેશ પંડિત કાશ્મીરમાં મુખ્ય પ્રવાહના રાજકારણીઓની હત્યાઓની લાંબી યાદીમાં સામેલ થઈ ગયા છે, હું આ હુમલાની સ્પષ્ટ રીતે નિંદા કરું છું અને તેમના પરિવાર પ્રત્યે શોક વ્યક્ત કરું છું. તેમના આત્માને શાંતિ મળે.'

શું છે સમગ્ર મામલો
જમ્મુ કાશ્મીરમાં ગઇકાલે ભાજપના કાઉન્સિલર પર ફાયરિંગ કરીને તેની હત્યા કરવામાં આવી હતી. રાકેશ ઘટના સમયે પુલવામાં જિલ્લાના ત્રાલમાં હતા. પ્રાપ્ત થતી જાણકારી મુજબ ઘટના પહેલા તેઓ સાંજે પોતાના પાડોશીના ઘરે સુરક્ષકર્મી વિના જ ગયા હતા. જ્યારે આ ઘટના બાદ ઉપરાજયપાલ મનોજ સિંહાએ ઘટના બાબતે દુખ વ્યક્ત કર્યું હતું અને આતંકવાદી ઘટનાની નિંદા કરી હતી. આતંકી હુમલામાં રાકેશની સાથે પાડોશીની એક પુત્રી પણ ઇજાગ્રસ્ત થઈ હતી, જે સારવાર હેઠળ છે.