રાજસ્થાનમાં સતત માતા પોતાના બાળકો સાથે સુસાઈડ કરવાના કિસ્સાઓ વધી રહ્યાં છે. આજે બાડમેરમાં પણ એક માતાએ પોતાની ત્રણેય દીકરીઓની સાથે આત્મહત્યા કરી છે. આ પહેલાં ગુરુવારે પણ ચિતૌડગઢમાં પણ આવી જ ઘટના ઘટી હતી.
આજે બાડમેરના બાયતૂમાં એક માતાએ પહેલાં પોતાની ત્રણેય માસૂમ દીકરીઓને એક-એક કરીને પાણીથી ભરેલા ટાંકામાં ફેંકી અને પછી પોતે પણ બીજા ટાંકામાં કૂદી ગઈ હતી. ઘટનામાં ચારેયનાં મોત થઈ ગયા છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ પહોંચી હતી. પરણિતાના પીયર પક્ષને પણ જાણ કરવામાં આવી છે.
ઘટના બાયતુ પોલીસ સ્ટેશનની હદમાં આવતા અકદડા ગામની છે. પરણિતાના ઘરની પાસે બે ટાંકી બનેલી છે. પોલીસના જણાવ્યા મુજબ ઘટના સવારે લગભગ 6 વાગ્યાની છે. સવારે જ્યારે પરિવારના સભ્યોએ માસૂમ બાળકીઓ અને પરણિતાને ન જોયા ત્યારે તેમની તપાસ શરૂ કરી હતી. જે બાદ ટાંકાની પાસે જઈને જોયું તો ત્રણેય માસૂમ અને પરણિતાનો મૃતદેહ મળી આવ્યો હતો. પરિવાર અને ગ્રામવાસીઓએ બાયતુ પોલીસને આ અંગે જાણ કરી હતી.
ઘટનામાં જસ્સી(30)ની સાથે જ્યોત્સના (6), મોનિકા (4), દીક્ષા (2)નાં મોત નિપજ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ પીયર પક્ષના લોકો આવ્યા તે બાદ ગ્રામવાસીઓની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યાં, ત્યારે હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરાશે. પોલીસે જણાવ્યું કે જસ્સીની અકદડા ગામમાં રહેતા કૌશલરામ નામના યુવક સાથે 10 વર્ષ પહેલા લગ્ન થયા હતા. બંનેનો એક પુત્ર કૈલાશ (9) પણ છે. સુસાઈડના કારણનો હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી.
બાડમેર DSP આનંદસિંહ રાજપુરોહિતના જણાવ્યા મુજબ લગભગ 5-6 વાગ્યે પતિ ઉઠ્યો ત્યારે પત્ની અને 3 બાળકીઓ દેખાઈ નહીં, જે બાદ આજુબાજુ તપાસ કરી. ત્રણેય બાળકીઓ ઘરની બહારની તરફ આવેલા ટાંકામાંથી મળી. પરણિતા ઘરથી લગભગ 200 મીટર દૂરના ટાંકામાંથી મળી. પતિ શરાબનો નશો કરતો હતો. પત્ની તેનાથી પરેશાન હતી. પ્રથમ દ્રષ્ટીએ આ સુસાઈડ હોવાનું જ લાગી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.