હિંસક હુમલો કેમેરામાં કેદ:તેલંગાણામાં ફસાયેલા દીપડાએ રેસ્ક્યુ કરવા આવેલા વનકર્મીઓ પર હુમલો કર્યો, દિલધડક રેસ્ક્યુનો વીડિયો સામે આવ્યો

3 વર્ષ પહેલા
  • નાલગોંડા જીલ્લામાં આવેલા પપૈયાના ખેતરમાં દિલધડક બચાવ કામગીરી હાથ ધરાઈ હતી
  • માંડ માંડ બચાવેલા દીપડાએ બીજા દિવસે હૈદરાબાદના નેહરૂ ઝૂઓલૉજિક્લ પાર્કમાં દમ તોડ્યો હતો

તેલંગાણાના નાલગોંડા જીલ્લામાં આવેલા એક ખેતરમાં ફસાયેલા દીપડાને રેસ્ક્યુ કરવા ગયેલી ટીમ પર જ તેણે હુમલો કર્યો હતો. દીપડાએ વનકર્મીઓ પર કરેલો આ હિંસક હુમલો કેમેરામાં કેદ થઈ ગયો હતો. તેના ખતરનાક પંજાથી બચવા માટે જીવ લઈને ભાગેલો એક વનકર્મી ઈજાગ્રસ્ત પણ થયો હતો. વન અધિકારીઓએ પણ ભારે મહેનતના અંતે તેને ટ્રૅંક્વિલાઇઝ એટલે કે ઈજેક્શનના આપીને બેભાન કરવામાં સફળતા મેળવી હતી. 

બેભાન કરીને પકડેલા સાત વર્ષના આ દીપડાને વનવિભાગની ટીમ હૈદરાબાદના નેહરૂ ઝૂઓલૉજિક્લ પાર્કમાં ખસેડ્યો હતો જ્યાં તેનું મોત થઈ ગયું હતું. ડોક્ટર્સની ટીમે તેના મોતનું કારણ આપતાં જણાવ્યું હતું કે ઈન્ટરનલ હેમરેજ, શોક અને ગૂંગળામણ થવાના કારણે દીપડાનું મોત થયું હતું. સાથે જ દીપડાએ કરેલા હુમલામાં જે બે વનકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા તેમની  હાલ સારવાર ચાલી રહી છે. 

આ આખા રેસ્ક્યુ ઓપરેશનને લીડ કરનાર ફોરેસ્ટ ઓફિસર શાંતા રાવે જણાવ્યું હતું કે દીપડો પપૈયાના ખેતરમાં લગાવાયેલા તારમાં ફસાઈ ગયો હોવાની જાણ તેમને ખેડૂતે કરી હતી. જે બાદ આખું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું જેમાં દીપડાએ બચવા માટે વળતો હુમલો કર્યો હતો. વનવિભાગે પણ તેને ટ્રૅંક્વિલાઇઝ કરવામાં સફળતા મેળવી હતી. પણ સંજોગોવસાત તેને સલામત સ્થળે ખસેડાયા બાદ તેનું મોત થઈ ગયું છે. અમે જ્યારે તેને ત્યાં ખસેડ્યો ત્યારે તે સંપૂર્ણ સ્વસ્થ હતો તેને કોઈ જ બાહ્ય તકલીફ હોય તેવું લાગ્યું નહોતું.      

અન્ય સમાચારો પણ છે...