રાજસ્થાનમાં સગડીના ધુમાડામાં ગૂંગળાઈ જવાની બે ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે. ચુરુ જિલ્લાના રતનગઢમાં ઠંડીથી બચવા માટે રૂમમાં સગડી સળગાવીને સૂતેલા પરિવારના 3 લોકોના મોત થયા છે. 3 મહિનાની બાળકીની હાલત ગંભીર છે. બીજી તરફ બીકાનેરમાં આવી જ ઘટના ઘટી છે. જેમાં પતિ-પત્નીના મોત થયા છે.
રતનગઢ CI સુભાષ બિજરાનિયાએ જણાવ્યું કે રવિવાર રાત્રે અમરચંદ પ્રજાપતની પત્ની સોના દેવી (58), પુત્રવધૂ ગાયત્રી દેવી (36), પતિ રાજકુમાર, પૌત્રી તેજસ્વિની (3) અને 3 મહિનાનો પૌત્ર ખુશીલાલ સૂઈ રહ્યા હતા.
રાત્રે ઠંડીથી બચવા સાસુ અને વહુએ રૂમમાં સગડી સળગાવી હતી. સોમવારે સવારે આઠ વાગ્યા સુધી તેમના રૂમનો દરવાજો ન ખૂલતાં અમરચંદે દરવાજો ખખડાવ્યો હતો. અંદરથી કોઈ અવાજ ન આવ્યો. અમરચંદે બારીમાંથી જોયું તો બધા ખાટલા પર સૂતા દેખાયા. કોઈ હલચલ ન દેખાઈ માત્ર 3 મહિનાનો પૌત્ર ખુશીલાલ રડી રહ્યો હતો.
અમરચંદ બારીમાંથી રૂમમાં ઘુસ્યો. પત્ની, પુત્રવધૂ અને પૌત્રી મૃત પડ્યા હતા. દાદાએ ત્રણ મહિનાના પૌત્રને બહાર કાઢ્યો. પાડોશી બાળકને હોસ્પિટલ લઈ ગયા. બાળકની હાલત ગંભીર થતા તેને ચુરુના ડીબી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યું. ત્યાં માસૂમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે રાત્રે સગડીમાંથી નીકળતા ધુમાડાને કારણે રૂમમાં કાર્બન મોનોક્સાઇડ ગેસ વધી ગયો હતો. આ ગેસના કારણે શ્વાસ રૂંધાયો અને સાસુ, વહુ અને પૌત્રીના મોત થયાં હતાં.
દાદાની પાસે સૂતેલો 6 વર્ષનો પૌત્ર બચ્યો
પરિવારજનોએ જણાવ્યું કે દાદા અમરચંદ અને 6 વર્ષનો પૌત્ર કમલ અલગ રૂમમાં સૂતા હતા. દાદાની સાથે સૂવાથી કમલનો જીવ બચી ગયો. અમરચંદનો પુત્ર રાજકુમાર ગુજરાતમાં કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટર છે. તે લગભગ એક અઠવાડિયા પહેલા જ ગામમાં આવ્યો હતો. અમરચંદને બે પુત્રો છે, જેમાંથી રાજકુમાર મોટો છે અને કેદારમલ નાનો છે.
બિકાનેરમાં પતિ-પત્નીનું મોત
બિકાનેરના બીછવાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગૂંગળામણને કારણે પતિ-પત્નીનું મોત થયું હતું. બંને કૂચ બિહારના રહેવાસી હતા. અહીં કરણી ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં મજૂર તરીકે કામ કરતા હતા. કહેવામાં આવી રહ્યું છે કે અનિલ (40) અને પૂર્ણિમા (36) રાત્રે સગડી સળગાવીને રૂમમાં સૂતા હતા.
સવારે જ્યારે ઘરમાં કોઈ હિલચાલ ન દેખાઈ, ત્યારે આસપાસના લોકોએ તેમને જોયા. બંનેના શરીરમાં કોઈ હલચલ ન જણાતા પોલીસને જાણ કરવામાં આવી. અહીંથી બંનેને પીબીએમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.