પેસેન્જર ટ્રેનમાં આગ ફાટી નીકળી:ઉજ્જૈન રેલવે સ્ટેશન પર ઊભી રહેલી ટ્રેનનો એક ડબ્બો સંપૂર્ણપણે બળીને ખાખ

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉજ્જૈન રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 8 પર ઈન્દોર-રતલામ પેસેન્જર ટ્રેન રવિવાર રાત્રે લગભગ 11.45 વાગ્યે ઊભી હતી. ટ્રેનના કોચમાં અચાનક આગ લાગવાની ઘટના બની. જોતજોતાંમાં આગે ભીષણ રૂપ ધારણ કર્યું, એને લઈ સ્ટેશન પર ખળભળાટ મચ્યો હતો. સદનસીબે એ સમયે ટ્રેન ખાલી હતી. ફાયરબ્રિગેડની એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ પર મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં આખો કોચ બળીને ખાખ થઈ ગયો હતો. જીઆરપી પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર કેએસ ટંડને શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરી છે.

ઈન્દોર-રતલામ-બીના પેસેન્જર ટ્રેન નાગદા સ્ટેશનથી ઉજ્જૈન જવા માટે સાંજે 7.40 વાગ્યે પ્લેટફોર્મ નંબર 5 પર આવી હતી. આ એનું છેલ્લું સ્ટોપ હતું. ટ્રેનમાંથી મુસાફરોને ઉતાર્યા બાદ એને પ્લેટફોર્મ નંબર 8 પર રાત્રે 8.40 વાગ્યે ઊભી રાખવામાં આવી હતી. આ ટ્રેન ઉજ્જૈન સ્ટેશનથી ઈન્દોર માટે સવારે 8 વાગ્યે ઊપડે છે.

જીઆરપી સ્ટેશન ઈન્ચાર્જ આરએસ મહાજને કહ્યું હતું કે સદનસીબે દુર્ઘટના સમયે ટ્રેન સંપૂર્ણપણે ખાલી હતી, ટ્રેનમાં તમામ કોચ બંધ હતા, તેથી કોઈએ આ કૃત્ય ઘડ્યું ન હોય એની શક્યતા ઓછી છે. ટ્રેનમાં શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા છે. સીસીટીવી અને અન્ય પુરાવાના આધારે તપાસ કરવામાં આવી રહી છે.

પહેલાં આ ટ્રેન ભોપાલ સુધી દોડતી હતી અને થોડા સમય પહેલાં એને ઈન્દોર-રતલામ તરીકે બદલી દેવામાં આવી હતી. ટ્રેનના બે રક્ષિત કોચ સિવાય ત્રીજા કોચમાંથી ધુમાડો અને જ્વાળાઓ નીકળતી જોઈને આરપીએફ જીઆરપી અને રેલવે સ્ટાફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ફાયરબ્રિગેડને સૂચના આપવામાં આવી હતી. ફાયરબ્રિગેડની 4 ફાયર એન્જિન પ્લેટફોર્મ પર પહોંચીને આગને કાબૂમાં લીધી હતી. આગ બુઝાવવામાં એક કલાક જેટલો સમય લાગ્યો હતો.

આગને કાબૂમાં લેવામાં આવી હતી, પરંતુ જે કોચમાં આગ લાગી હતી એ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો. આ ઘટના કેવી રીતે બની એ માટે રેલવેની ટેક્નિકલ ટીમ પણ તપાસ કરશે. હાલમાં ટ્રેનના એક ડબ્બા સિવાય બાકીના ડબ્બા સલામત છે અને ટ્રેન ખાલી હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...