કમોસમી આફત:ગુજરાતના 108 તાલુકામાં માવઠું, ઉમરપાડામાં દોઢ ઇંચ, ખાંભા-ઉનામાં એક ઇંચ પાણી, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વધુ અસર

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વરસાદ પડતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ઠંડીમાં વધારો થયો હતો
  • સૌરાષ્ટ્રના ગીર-ગઢડા, કોડીનાર પંથકમાં ગઈકાલે સાંજના સમયે વરસાદનાં ઝાપટાં વરસ્યાં
  • પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

રાજ્યમાં શિયાળાની સિઝનમાં માત્ર 12 દિવસના ટૂંકા ગાળામાં ફરી કમોસમી વરસાદ પડ્યો છે જેના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. બુધવારે રાજ્યના 108 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડામાં પડ્યો હતો.

હવામાન ખાતાની આગાહી પ્રમાણે 2 ડિસેમ્બર સુધી કમોસમી વરસાદ પડી શકે છે. બુધવારે દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં કમોસમી વરસાદની સૌથી વધુ અસર જોવા મળી હતી જ્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ હળવો વરસાદ નોંધાયો હતો. સુરતના કામરેજ ઉપરાંત અમરેલીના ખાંભા, ગીર સોમનાથના ઉના અને ભરૂચમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. 21થી વધુ તાલુકામાં અડધા ઇંચ કરતા વધુ કમોસમી વરસાદ પડ્યો હતો.

ઉપરા છાપરી માવઠું થવાને કારણે ખેતરમાં રવિ પાકો અને એપીએમસી તથા ગોડાઉનમાં રહેલા ખેત ઉત્પાદનોને વ્યાપક નુકસાન થવાની દહેશત છે. ગુરૂવાર સાંજ સુધી વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ શુક્રવાર સવારથી વાદળો વિખેરાઇ જતાં ઠંડીનો દોર શરૂ થશે. ડિસેમ્બરના બીજા સપ્તાહથી કડકડતી ટાઢનો પ્રારંભ થશે તેવી આગાહી આણંદ કૃષિ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.

અમદાવાદ શહેરમાં રાતના 7 વાગ્યા આસપાસ ફરી એકવાર વરસાદ શરૂ થયો હતો. ધીમી ધારે શહેરમાં વરસાદ પડ્યો હતો. શહેરના જમાલપુર, ગોળલીમડા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

માછીમારો દરિયો નહીં ખેડવા ચેતવણી
રાજ્યમાં જખૌ,માંડવી, મુંદ્રા, કંડલા,નવલખી, સલાયા, ઓખા અને પોરબંદર સહિત, દ્વારકા,પીપાવાવ,વેરાવળ,દિવ,જાફરાબાદ,ભાવનગર,અલંગ,દહેજ,મગદલ્લા અને દમણના દરિયામાં માછીમારી કરતાં માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો નહીં ખેડવા ચેતવણી આપવામાં આવી છે. આ દરિયા કિનારા વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી 40થી 60 કિ.મી સુધીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ વ્યક્ત કરવામા આવી છે.

સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં ઠંડા પવન સાથે વરસાદ થયો.
સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં ઠંડા પવન સાથે વરસાદ થયો.

સુરતમાં પણ મોડી રાતે વરસાદી ઝાપટાં પડ્યાં હતાં
દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે મોડી રાત્રે મોટે ભાગના વિસ્તારોમાં અમીછાંટણાં પડ્યાં હતાં. આવતીકાલે બુધવારે શહેરમાં અડધાથી અઢી ઇંચ સુધીનો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિંત થયા છે. શહેરનું મહત્તમ તાપમાન 33.1 ડીગ્રી અને લઘુતમ 23.4 ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 47 ટકા અને સાંજે 38 ટકા રહ્યું છે. નવસારીમાં પણ વરસાદ પડ્યો હતો. એ ઉપરાંત મહીસાગર જિલ્લાના કેટલાક વિસ્તારો તથા પંચમહાલમાં પણ દાહોદ અને લીમડી સહિતના વિસ્તારોમાં માવઠું થયું છે.

માવઠાંની સૌથી વધુ આસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોવા મળી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશ દમણમાં સરેરાશ અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો જ્યારે દાનહમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો. નવસારી જિલ્લામાં મહત્તમ 8 મીમી અને ડાંગ જિલ્લામાં 15 મીમી સુધીનો વરસાદ પડ્યો છે. સુરત જિલ્લામાં સૌથી વધુ ઉમરપાડામાં 43 મીમી અને કામરેજમાં 28 મીમી વરસાદ પડ્યો હતો. દસ દિવસમાં બીજી વખત માવઠું થતાં શાકભાજી અને ખેતપેદાશોને નુકશાન થવાની ભીતી છે.

સૌરાષ્ટ્રમાં દોઢ ઇંચ સુધીનો વરસાદ પડતાં ખેડૂતોની ચિંતા વધી છે. અમરેલી જિલ્લાના ખાંભામાં દોઢ ઇંચ, સાવરકુંડલા, ધારીમાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત સમગ્ર જિલ્લામાં વધુ ઓછા પ્રમાણમાં વરસાદ પડ્યો છે. હજુ આવતીકાલે પણ આવા જ વરસાદની આગાહી કરાઇ છે. ગીર સોમનાથ જિલ્લામાં ઊના, ડોળાસા, કોડીનાર, પ્રાચી, પ્રશ્નાવડા, કોડીનાર, તાલાલા સહિતના વિસ્તારમાં 1 થી અઢીં ઈંચ જેટલો વરસાદ પડતાં ખેડૂતો પર ફરી આફત વરસી છે. ભાવનગર જિલ્લામાં 1થી 7 મીમી સુધીનો વરસાદ નોંધાયો હતો. રાજકોટ જિલ્લામાં જસદણમાં ઝાપટાં પડ્યાં હતાં જ્યારે બાકીના જિલ્લામાં વાદળછાયું વાતચાવરણ રહ્યું હતું. હાલાર પંથક અને કચ્છમાં માત્ર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું.

આણંદ અને ખેડા જિલ્લામાં બુધવારે દિવસ દરમિયાન 2 થી 7 મી.મી. જેટલો કમોસમી વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાતમાં બુધવાર સાંજે 6 વાગ્યા સુધીમાં મોડાસામાં 2 મીમી અને હિંમતનગરમાં 1 મીમી તેમજ મહેસાણા સહિત ઘણાખરા સ્થળોએ ઝરમર કમોસમી વરસાદ વરસ્યો હતો.

સવારે છથી બપોરે 2 વાગ્યા સુધી 96 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો

તાલુકોવરસાદ (મિ.મિ)
ઉમરપાડા26
ઉના23
ખાંભા22
કામરેજ18
છોટાઉદેપુર17
સંખેડા15
નાંદોદ14
ક્વાંટ14
ભરૂચ13
ગરૂડેશ્વર11
વાલિયા11
નસવાડી10
દેડિયાપાડા10
આજે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી 96 તાલુકાઓમાં વરસાદ થયો
આજે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી 96 તાલુકાઓમાં વરસાદ થયો

સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ છવાયો
શિયાળાની સીઝનમાં હાડ થિજાવતી ઠંડીને બદલે ઉકળાટનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને મંગળવારના સાંજના સમયે અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદની શરૂઆત થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. હવામાન વિભાગ દ્વારા બે દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેની અસર મંગળવારે બપોર બાદ જ શરૂ થઈ ગઈ હતી અને અનેક જગ્યાએ ઝાપટાં વરસ્યાં હતા. ત્યારે ઉના અને ગીર-ગઢડા પંથકના અમુક વિસ્તારમાં વરસાદ શરૂ થયાના અહેવાલો મળ્યા છે. આ વરસાદથી શિયાળુ પાક ઉપરાંત આંબાના બગીચાઓમાં વ્યાપક નુકસાન થઈ શકે છે, જેથી ખેડૂતોને પણ આર્થિક ફટકો પડશે. અમરેલીમાં કેટલાંક સ્થાનોએ કમોસમી વરસાદ પડ્યો છે. ગોંડલમાં મોડી રાત્રે ઠંડા પવન સાથે વરસાદી ઝાપટું થયું હતું. માવઠાના કારણે ખેડૂતોની ચિંતા પણ વધી છે.

વહેલી સવારે માવઠું થતાં અમદાવાદમાં રસ્તા ભીના થયા હતા.
વહેલી સવારે માવઠું થતાં અમદાવાદમાં રસ્તા ભીના થયા હતા.

ગુરુવારથી વાતાવરણ ચોખ્ખું થશે
આ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ગ્રામીણ મોસમ વિભાગના ધિમંત વઘાસિયાએ જણાવ્યું હતું કે મંગળવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જ્યારે બુધવારે દરિયાકાંઠાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ રૂપે માવઠું થઇ શકે છે. દરમિયાન ગુરુવારથી વાતાવરણ ચોખ્ખું થઇ જશે. જોકે ફરી માવઠાને લઇને ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. જ્યારે માવઠાને લઇને યાર્ડમાં સોયાબીન, મગફળી અને ધાણાની આવક બંધ કરાઇ છે.

તાપમાનનો પારો 10 ડિગ્રી સુધી ઘટ્યો, ખેડૂતોની ચિંતા વધી
વડોદરામાં કમોસમી વરસાદ પડતા એક જ દિવસમાં મહતમ તાપમાનનો પારો 10 ડિગ્રી ઘટી ગયો હતો જેના પગલે દિવસ દરમિયાન તીવ્ર ઠંડીનો એહસાસ થયો હતો. છોટા ઉદેપુર જિલ્લામાં 17 મીમી અને પંચમહાલમાં 20 મીમી સુધીનો વરસાદ પડતાં તુવેર સહિતા પાકને નુકસાન થયું છે. ભરૂચ જિલ્લામાં શિયાળામાં માવઠાથી ખેડૂતોની માઠી દશાની થઇ છે. જિલ્લામાં 19 મીમી સુધીનો વરસાદ પડતાં અંદાજે 90 હજાર હેકટરમાં રવિ પાકને નુકશાનીનો ખતરો ઉભો થયો છે.

આ શિયાળે સામાન્ય ઠંડી રહેશે, કાતિલ ઠંડીના દિવસો ઓછા રહેશે
આ વર્ષે ડિસેમ્બર-ફેબ્રુઆરીમાં દેશના પહાડી રાજ્ય જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરખંડ તથા પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશ તથા પૂર્વોત્તરના રાજ્યોમાં સામાન્ય ઠંડી રહેશે.

જો કે ઉત્તર ભારતમાં એકથી બે દિવસ માટે કાતિલ ઠંડીનો દૌર આવી શકે છે. પણ અગાઉના વર્ષોની તુલનામાં આકરી ઠંડીના દિવસો ઓછા રહેશે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ વર્ષે કૉલ્ડ ડે અને સિવિયર કૉલ્ડ ડે (અત્યંત કાતિલ ઠંડી)ના દિવસો ઓછા રહેશે. ડિસેમ્બરમાં દક્ષિણનાં રાજ્યોમાં સામાન્ય કરતાં વધારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ.મૃત્યુંજય મહાપાત્રએ જણાવ્યું હતું કે વિભાગે વિશ્વના પાંચ સૌથી અગ્રણી હવામાન પૂર્વાનુમાન મૉડેલના આધારે આ અનુમાન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ભારતના વાતાવરણ પર અસર કરનાર સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં 0.7 ડિગ્રી સેલ્સિયસ સુધી ઓછું છે.