• Gujarati News
  • National
  • A Case Was Registered Against Chhota Shakeel's Brother Anwar; Parambir Accused Of Recovery From A Builder, SIT Is Investigating

પરમબીર વસૂલાત કેસ:છોટા શકીલના ભાઈ અનવર સામે કેસ નોંધાયો; પરમબીર પર એક બિલ્ડર પાસેથી વસૂલાતનો આરોપ, SIT કરી રહી તપાસ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઓડિયોમાં જો છોટા શકીલનો વાસ્તવિક અવાજ છે તો તે સ્પષ્ટ થાય છે કે પરમબીરના તાર છોટા શકીલ સાથે પણ જોડાયેલા છે. - Divya Bhaskar
ઓડિયોમાં જો છોટા શકીલનો વાસ્તવિક અવાજ છે તો તે સ્પષ્ટ થાય છે કે પરમબીરના તાર છોટા શકીલ સાથે પણ જોડાયેલા છે.
  • પરમબીર સામે લુકઆઉટ નોટિસ જાહેર થઈ ચૂકી છે

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ સાથે સંડોવાયેલા વસૂલાતના કેસમાં અંડરવર્લ્ડ કનેક્શનની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાંચની ટીમે ભાગેડુ ગેંગસ્ટર છોટા શકીલના નાના ભાઈ અનવર શકીલ સામે કેસ નોંધ્યો છે. અનવર સાથે અન્ય બે લોકો પર પણ વસૂલાતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પરમબીર કેસની તપાસ કરતી SITને શકીલનો એક ઓડિયો મળી આવ્યો હતો, જેમાં એક બિલ્ડરને ધમકી આપી રહ્યો છે. અગાઉ આ કેસમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ જ ઓડિયો સામે આવ્યા બાદ અનવર સામે કેસ નોંધવામાં આવ્યો છે. તપાસ ટીમ આ ઓડિયોના આધારે પરમબીર સિંહની પણ તપાસ કરી રહી છે.

આ ઓડિયો વર્ષ 2016નો છે. તે સમયે પરમબીર સિંહ થાણેના પોલીસ કમિશનર હતા. ઓડિયોમાં છોટા શકીલ, સંજય પુનમિયા નામના બિલ્ડરને ધમકી આપતા સાંભળી શકાય છે. ઓડિયોમાં શકીલ સંજયને કહે છે કે તે અન્ય એક બિલ્ડર શ્યામ સુંદર અગ્રવાલ સાથે સમાધાન કરી લે.

શ્યામ સુંદરે પરમબીર સામે કેસ નોંધાવ્યો હતો
શ્યામ સુંદર અગ્રવાલે પરમબીર સિંહ સહિત 6 પોલીસ અધિકારીઓ સામે વસૂલાતનો કેસ દાખલ નોંધાવ્યો છે. SIT એ જ મામલાની તપાસ કરી રહી છે. શ્યામ સુંદર અગ્રવાલે મુંબઈ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે પરમબીર સિંહે તેમને નકલી કેસમાં ફસાવ્યા હતા અને તેમની સામે MCOCA (Maharashtra Control of Organised Crime Act 1999) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

શ્યામ સુંદરનો આરોપ છે કે પરમબીર સિંહ અને તેના કેટલાક સાથી પોલીસકર્મીઓએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પણ સુરક્ષા પૂરી પાડવાના નામે પૈસા પડાવ્યા હતા. શ્યામ સુંદર અગ્રવાલનું કહેવું છે કે જ્યારે તેઓ થાણે પોલીસ કમિશનર હતા ત્યારે તેની પાસેથી બળજબરીથી ખંડણી વસૂલવામાં આવી હતી.

છોટા શકીલનો જ છે ફોન નંબર
ક્રાઇમ બ્રાંચના સૂત્રોના જણાવ્યા અનુસાર, જે નંબર પરથી બિલ્ડર સંજય પુનમિયાને ફોન કરાયો હતો તેનો ઉપયોગ છોટા શકીલ દ્વારા જ કરવામાં આવે છે. આ નંબર પહેલેથી જ પોલીસ રેકોર્ડમાં છે. સંજય પુનમિયાની ફરિયાદ પર મુંબઈ પોલીસે શ્યામ સુંદર અગ્રવાલ સામે પણ કેસ નોંધ્યો હતો. શકીલ અને પુનમિયા વચ્ચે આ ફોન રેકોર્ડિંગ વર્ષ 2016નું છે, પરંતુ તેના પર કાર્યવાહી આ વર્ષે ફેબ્રુઆરીમાં કરવામાં આવી હતી.

જો ઓડિયોમાં છોટા શકીલનો વાસ્તવિક અવાજ હોય, તો તે સ્પષ્ટ છે કે પરમબીર ગેંગના તાર પણ છોટા શકીલ સાથે જોડાયેલા હતા. જો કે, તપાસમાં એ પણ સામે આવ્યું છે કે શ્યામ સુંદર અગ્રવાલ સામે મુંબઈના વિવિધ પોલીસ સ્ટેશનમાં 10 થી વધુ કેસ નોંધાયેલા છે અને ગુનેગારો સાથેના તેના મિલીભગતની બાબતો સામે આવી છે.

પરમબીર સામે લુકઆઉટ નોટિસ જાહેર છે
આવા જ અન્ય એક કેસમાં મુંબઈના બિલ્ડર કેતન તન્નાએ પરમબીર સિંહ સહિત 28 લોકો સામે ખંડણી માટે FIR નોંધાવી હતી. થાણે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને ઘણી વખત બોલવાયા હોવા છતાં પરમબીર સિંહ પૂછપરછ માટે તેમની સમક્ષ હાજર થયા નથી. આ પછી, થાણે પોલીસે શુક્રવારે પરમબીર સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી.