BJP નેતાનો બફાટ:કહ્યું- કોઈ ખોટો માણસ બળજબરીથી ઘરમાં ઘૂસે તો તેને ઢાળી દો, તમે ના કરી શકો તો મને બોલાવજો; હું પતાવી દઈશ

ગાઝિયાબાદ23 દિવસ પહેલા
ગાઝિયાબાદના લોની વિસ્તારના BJPના ધારાસભ્ય નંદકિશોર પહેલાં પણ વિવાદાસ્પદ નિવેદનો મામલે ચર્ચામાં રહ્યા છે.

યુપીના ગાઝિયાબાદમાં ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જર ફરી એકવાર પોતાના નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે. લોનીના ધારાસભ્ય ગુર્જરે જણાવ્યું હતું કે જો કોઈ વીજળી વિભાગનો કર્મચારી હોવાનું જણાવીને કોઈ ખોટો માણસ બળજબરીથી ઘરમાં ઘૂસી જાય તો તેને સ્થળ પર જ મારી નાખો. લોકો જો તેની હત્યા કરી શકતા ન હોય, તો પછી મને બોલાવજો, હું તેને મારી નાખીશ.

વીજળી વિભાગના બહાને ઘરોમાં ઘૂસી ટોળકીએ ધમકાવી લૂંટ ચલાવી... પછી ધારાસભ્યએ આપ્યું નિવેદન
7 જાન્યુઆરીના રોજ કેટલાક યુવકો લોની વિસ્તારમાં ઘરે-ઘરે જઈ રહ્યા હતા અને પોતાને વીજ વિભાગના હોવાનું જણાવી રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ ટોળકી બળજબરીથી એક ઘરમાં ઘૂસી ગઈ હતી અને આશરે દોઢ લાખ રૂપિયાની લૂંટ કરી હતી. આ પછી તે બીજા ઘરમાં ઘૂસી હતી. ત્યાં યુવતી સ્નાન કરી રહી હતી. તેને બાથરૂમમાં પૂરી દીધી અને રૂમમાંથી રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવી છે.

લોકોએ જણાવ્યું હતું કે ટોળકી વીજળીનું કનેક્શન કાપી નાખવાની અને કેસ કરવાની ધમકી આપતી હતી. સ્થાનિક લોકોની માહિતી પર એ વિસ્તારના ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યાં સુધીમાં તેઓ ચાલ્યા ગયા હતા. ધારાસભ્યએ વીજ વિભાગના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. ખબર પડી કે આજે વિભાગની આવી કોઈ ટીમને મોકલવામાં આવી જ નથી. ત્યાર બાદ ધારાસભ્યએ આ નિવેદન આપ્યું હતું.

ધારાસભ્ય નંદકિશોર ગુર્જરે લોની વિસ્તારમાં વીજળી વિભાગના નકલી કર્મચારી બાબતની માહિતી લીધી હતી.
ધારાસભ્ય નંદકિશોર ગુર્જરે લોની વિસ્તારમાં વીજળી વિભાગના નકલી કર્મચારી બાબતની માહિતી લીધી હતી.

ધારાસભ્યએ કહ્યું- તેમને બાંધીને ધોલાઈ કરવાનું કામ કરો
ધારાસભ્ય નંદકિશોરે કહ્યું હતું કે "હું જનતાને અપીલ કરું છું કે તેમને બાંધીને ધોલાઈ કરવાનું કામ કરો. જે લોકો આવે છે, જો તેઓ નકલી હોય તો તેમને પકડીને બેસાડી દો. જો તેઓ નકલી હોય તો જનતાએ તેમને સ્થળ પર જ મારી નાખવા જોઈએ. પછી જે થશે એ હું જોઈ લઈશ. જો કોઈ કેસ હશે તો હું મારી વિરુદ્ધ દાખલ કરાવીશ, પણ જો કોઈ લૂંટારાઓ લોકોના ઘરમાં ઘૂસીને લૂંટ કરે તો તે જઘન્ય અપરાધ છે. જો કોલોનીના લોકો તેની હત્યા કરી શકતા નથી, તો મને બોલાવો, હું તેમની હત્યા કરીશ."

આ પહેલાં ઓગસ્ટમાં ધારાસભ્ય નંદકિશોર ગુર્જરને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી.- ફાઈલ ફોટો
આ પહેલાં ઓગસ્ટમાં ધારાસભ્ય નંદકિશોર ગુર્જરને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી.- ફાઈલ ફોટો

બે મહિના પહેલાં જાનથી મારી નાખવાની ધમકી મળી હતી
આ પહેલાં ઓગસ્ટમાં પણ ધારાસભ્ય નંદકિશાર ગુર્જરને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. ધમકી આપતો પત્ર તેમની ઓફિસ ખાતે પોસ્ટમાં મોકલવામાં આવ્યો હતો. પત્ર પર સાદિક અલ્વીનું નામ લખેલું હતું. પત્રમાં લખ્યું હતું કે તને ઘણા સમયથી જોઈ રહ્યો છીએ. ક્યારેક તું ચિકનની દુકાન અને મુસલમાનોની હોટલ બંધ કરાવી રહ્યો છે. તું હવે તારી ઊલટી ગણતરી કરવાની શરૂ કરી દે.

પહેલાં ધારાસભ્યએ કહ્યું હતું- જેહાદીઓને મારીશું, હંમેશાં મારીશું...વાંચો વિવાદાસ્પદ નિવેદન
આ પ્રથમ વખત નથી, જ્યારે નંદકિશોર ગુર્જરનું નિવેદન ચર્ચામાં આવ્યું છે. આ પહેલાં પણ તેમનાં અનેક નિવેદનો વાઇરલ થયાં છે.

  • હાલમાં જ સ્થાનિક ચૂંટણી બાબતે નંદકિશોર ગુર્જરે એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે "કોઈપણ વ્યક્તિ જે દારૂ પીવે છે અથવા માંસ ખાય છે તેને નગર પંચાયત તરફથી ટિકિટ આપવામાં આવશે નહીં. નેતા એવો ન હોવો જોઈએ, જે દારૂ પીને બળાત્કાર કરે, લૂંટ કરે અને પોતાને જંગલી પ્રાણી દર્શાવવાનું શરૂ કરે. આવા લોકોની લોનીમાં કોઈ જરૂર નથી.
  • 9 ઓક્ટોબરે દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં 2020નાં દિલ્હી રમખાણો બાબતે નિવેદન આપ્યું હતું. નંદકિશોર ગુર્જરે કહ્યું હતું કે ''અમે લોકો કોઈની છેડતી કરતા નથી, પરંતુ કોઈ આમારી બહેન-દીકરીની છેડતી કરે તો અમે તેને છોડતા પણ નથી. અમે જેહાદીઓને મારીશું, હંમેશાં મારીશું.''
  • આ વર્ષે માર્ચમાં વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવ્યાં બાદ નંદકિશોર ગુર્જરે કહ્યું હતું કે લોની વિસ્તારમાં મંજૂરી વિના એકપણ માંસ-મટનની દુકાન કે હોટલ પણ ખૂલશે નહીં. ચેતવણી આપતાં તેમણે કહ્યું હતું કે લોનીમાંથી તાત્કાલિક માંસની દુકાન બંધ કરાવવામાં આવે અને લોનીને લંડન બનાવીશું.
અન્ય સમાચારો પણ છે...